(ભુજ) મેઘરાજા ને રીઝવવા અનેક લોકો વ્યકિતગત કે સામુહિક રીતે દુવા પ્રાર્થના કરતા રહે છે. પણ, આ બધાની વચ્ચે કચ્છમા મેઘરાજા ને રીઝવવા અનોખી રીતે દુવા કરાઈ હતી. ભુજના સુમરાસર ગામના સીમાડે આવેલા બાંભણીયા પીરની દરગાહે આ સમૂહ દુવાનો કાર્યક્રમ યોજાયો હતો. ભુજ શહેરના રક્ષણ માટે શહેરની ફરતે રાજાશાહી માં બનાવાયેલ આલમપનાહ ગઢ માટે પોતાનું બલિદાન આપનારા બાંભણીયા પીર આ વિસ્તારના પશુપાલકો અને માલધારીઓ ની શ્રદ્ધા અને આસ્થા નું કેન્દ્ર છે. સૌ હિન્દુ-મુસ્લિમ માલધારીઓએ પોતાનું એક દિવસનું લગભગ ૧૨૦૦ લિટર દૂધ એકઠું કરીને તેની ખીર બનાવીને બાંભણીયા પીરને પેડી ચડાવી હતી. સ્થાનિક કચ્છી ભાષામાં ડોભ તરીકે ઓળખાતી પેડી સાથે એકત્ર થયેલા સેંકડો માલધારીઓએ બાંભણીયા પીરને ન્યાઝ ચડાવીને કચ્છમા સારો વરસાદ પડે તે માટે મેઘરાજા ને રીઝવવા દુવા ગુઝારી હતી. મુજાવર અધાભા ડાડા એ ન્યાઝ ચડાવ્યા બાદ માલધારીઓ ની સાથે સુમરાસર ગામના ગ્રામજનોએ ખીરનો પ્રસાદ લીધો હતો. કચ્છની કોમી એકતાના પ્રતીક સમા આવા અનેક પ્રસંગો રણમાં મીઠી વીરડી સમાન છે.