(ભુજ) નવ નિયુક્ત આઈજી ડી. બી. વાઘેલા એ ચાર્જ સભાળ્યાના ૧૦ જ દિવસમાં રાજસ્થાન અને કચ્છ વચ્ચે ચાલતા ઇંગ્લીશ દારૂ ના નેટવર્ક સામે આરઆર સેલે સપાટો બોલાવવાનું શરૂ કર્યું છે. ગઈકાલે મોડી રાત્રે બનાસકાંઠાના છપરી પાસે થી ઇંગ્લીશ દારૂની ૯૦૦ પેટીઓ ૧૦,૮૦૦ બોટલ સાથે ૪૩ લાખ ૨૦ હજાર રૂપિયાના જથ્થા સાથે આરઆર સેલે રાજસ્થાન પાસિંગનું ટ્રેઇલર જપ્ત કર્યું છે. પીએસઆઇ એ.એસ. રબારી, હે.કો. નરપતસિંહ, યશવંતસિંહ, કોન્સ્ટેબલ મનીષભાઈએ દારૂના જથ્થા સાથે હરિરામ સતારામ જાટ, રહે. સેડવા, બાડમેરની ધરપકડ કરી, રોકડ, મોબાઈલ અને ટ્રેઇલર સહિત કુલ ૫૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે છપરી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે. જોકે, ૩ જ દિવસમાં ફરી ૪૩ લાખ ₹ નો દારૂ ઝડપાયો તે દર્શાવે છે કે રાજસ્થાન અને કચ્છ વચ્ચે દારૂનો ગેરકાયદે કારોબાર બહુ જ મોટો છે. આ વખતે પવનસિંહ રાજપૂત અને અન્ય એક શખ્સની સંડોવણી બહાર આવી છે. આથી અગાઉ દિલ્હી, હરિયાણા નું નેટવર્ક ખુલ્યું હતું.
પૂર્વ આઈજી એ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી બદલી કરવી પડી હતી
એક બાજુ રાજ્ય સરકાર અને ખાસ કરીને મુખ્યમંત્રી વિજય રૂપાણી દારૂની બદી સામે કડક કામગીરી કરી સરકારની છાપ સુધારવા માટે મક્કમ છે. બીજી બાજુ બુટલેગરો હજીયે બેરોકટોક દારૂનો ગેરકાયદે કારોબાર ચલાવી રહ્યા છે. હાલમાં જ બદલી ગયેલા આઈજી પિયુષ પટેલે દારૂ ના મુદ્દે જ પીઆઇ ને સસ્પેન્ડ કરીને અનેક પોલીસ કર્મચારીઓ સામે આકરા પગલાં ભર્યા હતા. ત્યારે હવે નવા આઈજી ડી. બી. વાઘેલા પણ અત્યારે તો બુટલેગરો સામે કડક કામગીરી કરી રહ્યા છે. પણ, સૌથી મોટો પડકાર સપ્લાયર ની સાથે સ્થાનિકે કચ્છમા દારૂનો ધંધો કરનારાઓના નેટવર્ક ની કડી તોડવા સામે છે.