કચ્છ સહિત ગુજરાતભર માં મુત્સદી રાજકીય નેતા તરીકે જાણીતા પીઢ કોંગ્રેસી અગ્રણી હરિભાઈ પટેલ નું આજે દુઃખદ નિધન થયું છે. ૮૬ વર્ષીય હરિભાઈ પટેલે તેમના વતન આધોઇ (ભચાઉ) માં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના સુપુત્ર અને કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય ભરત પટેલે ન્યૂઝ4કચ્છ ને આપેલી માહીતી પ્રમાણે આજે મંગળવારે બપોરે ૧ વાગ્યે તેમણે કેન્સરની બીમારીના કારણે અંતિમ શ્વાસ લીધા હતા. જોકે, ૨૦૦૭ થી તેઓ કેન્સર સામે ઝઝૂમતા હતા. જાહેર જીવનમાં પણ હરિભાઈ પટેલની છાપ એક લડાયક અને ઝુઝારું નેતા તરીકેની હતી. ૧૯૬૨ થી કોંગ્રેસ તરફ થી ભચાઉ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પોતાનું રાજકીય જીવન શરૂ કરનાર હરિભાઈ પટેલ ૩ વાર ધારાસભ્ય તરીકે ગાંધીનગર અને એકવાર સાંસદ તરીકે દિલ્હી સુધી પહોંચ્યા હતા. ૧૯૭૬ માં માધવસિંહ સોલંકીની સરકારમાં તેઓ રાજ્ય કક્ષા ના ગૃહમંત્રી પણ રહી ચૂક્યા હતા. પૂર્વ કચ્છ ના ભચાઉ અને રાપર સહિતના વાગડ ના રાજકારણ માં તેમનું ધાર્યું થતું. ઉમેદવાર કે પક્ષ ત્યારે જ જીતી શકતા જો તેમને હરિભાઈ નો ટેકો હોય. તેઓ કચ્છના પીઢ અને અભ્યાસુ રાજકીય અાગેવાનહતા. તેમને કચ્છ કોંગ્રેસ , પ્રદેશ કોંગ્રેસ સહિત કચ્છ ભાજપના આગેવાનોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. આવતીકાલે બુધવારે આધોઇ ગામ મધ્યે બપોરે ૧૨ વાગ્યે તેમની અંતિમવિધિ કરાશે.