ગાંધીધામ તાલુકા પંચાયત ની એક બેઠકની પેટા ચૂંટણી દરમ્યાન આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસે કેસરિયા ગઢ મા ગાબડું પાડીને રાજકીય ખળભળાટ સર્જ્યો છે. જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી. કે. હુંબલે ન્યૂઝ4કચ્છ સાથે કરેલી વાતચીત માં દાવો કર્યો હતો કે, ગાંધીધામ તાલુકા ભાજપના ઉપપ્રમુખ શામજી મયાજર મ્યાત્રા, અંતરજાળ ના ઉપસરપંચ મુકેશ આહીર સહિત ૧૫૦ જેટલા ભાજપના આગેવાનો અને કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે.
ગાંધીધામના ભાજપના વર્તમાન અને પૂર્વ ધારાસભ્ય આમને સામને
ગાંધીધામ ભાજપ ના આંતરિક ડખ્ખો તાલુકા પંચાયતની પેટા ચૂંટણી મા બહાર આવી ગયો છે. ટીકીટ માટેની ફાઇટે ગાંધીધામ ભાજપ માં સર્જેલા ઘમાસાણ મા કોંગ્રેસે દીવાસળી ચાંપી અને કેસરિયા પક્ષમાં બળવો થયો. જોકે, કોંગ્રેસે ભાજપના ટીકીટ માટેના દાવેદાર રમેશ આહીરને ટીકીટ આપી છે. જ્યારે ભાજપે આ પહેલાં આ જ બેઠક ઉપર ગેરલાયક ઠરેલા રમેશ મ્યાત્રા ના ભાઈ ધનેશ મ્યાત્રા ને ટીકીટ આપી છે. ગાંધીધામ ભાજપ ના આંતરિક રાજકારણ ની વાત કરીએ તો બળવો કરનાર રમેશ આહીર ગાંધીધામ ના પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી જૂથના હોઈ તેઓ જુના કાર્યકર હોવા છતાંયે તેમની ટીકીટ માટે અવગણના કરાઈ. તો, ભાજપના ઉમેદવાર ધનેશ મ્યાત્રા વર્તમાન ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી જૂથ ના મનાય છે. તેમની ઉમેદવારી વખતે માલતીબેન આજે હાજર રહ્યા હતા. કોંગ્રેસ પક્ષે વી. કે. હુંબલ, અજિત ચાવડા, સમીપ જોશી, ઓસમાણ ગની માજોઠી, વિપુલ મહેતા સહિત ના અનેક કોંગ્રેસી આગેવાનો હાજર રહયા હતા.