નવા વર્ષના પ્રારંભે જ કચ્છના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ જિલ્લા અને રાજ્યભરના મીડીયામા તેમની સામે નોંધાયેલા દુષ્કર્મ કેસ સંદર્ભે પોલીસની તપાસ અંગે ચર્ચામાં આવી ગયા છે. છબીલ પટેલ કયાં છે? શું દિલ્હી પોલીસ તેમને શોધી રહી છે? છબીલ પટેલની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે? આવા અનેક સવાલો હવે લોકોમાં ચર્ચાઈ રહ્યા છે. જોકે, આ બધી જ ચર્ચાઓને વેગ મળવાનું કારણ છે, છબીલ પટેલ નો કોન્ટેકટ થતો નથી. છબીલ પટેલનો મોબાઈલ ફોન બંધ આવી રહ્યો છે. ૧૦/૧૧/૧૮ ને શનિવાર સુધી છબીલ પટેલ ભુજમાં હોવાની ચર્ચા વચ્ચે તેમનું સરદાર પટેલ નગર, હરિપર રોડ, ભુજ નો બંગલો બંધ છે. દિલ્હી પોલીસ છબીલ પટેલની પૂછપરછ કરવા અમદાવાદ પછી ભુજ આવી હોવાની ચર્ચા સતત ગાજતી રહી હોઈ તર્કવિતર્કો અને અફવાઓનો દોર સતત ચાલુ જ રહ્યો છે.
ન્યૂઝ4કચ્છે છબીલ પટેલને ફોન કર્યો પણ…
દિલ્હી ના દ્વારકા પોલીસ સ્ટેશનમાં ગત તા/૧૬/૧૦/૧૮ ના નડિયાદની વિધવા મહિલાએ કચ્છના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલની સામે દુષ્કર્મ ની અને રાજકીય નેતાઓ સાથે સંબંધો બાંધવાની ધમકી આપવા સહિત, અશ્લીલ સીડી ફોટાઓ પાડવા સહિતના આરોપો સાથેની ફરિયાદ કરી હતી. ત્યારબાદ છબીલ પટેલે સામે થી જ આ અંગે સ્પષ્ટતા કરી હતી. ન્યૂઝ4કચ્છ સાથે પણ ટેલિફોનિક વાતચીત કરીને દિલ્હી પોલીસમાં કરાયેલી ફરિયાદ સંદર્ભે પોતે ફરિયાદી નડિયાદની વિધવા મહિલાને ઓળખતા પણ નથી એવો ખુલાસો કરીને તમામ આક્ષેપોને રદિયો આપ્યો હતો. જોકે, હવે એકાએક છબીલ પટેલનો કોન્ટેકટ ન થતાં દિલ્હી પોલીસ દ્વારા તેમની શોધખોળના સમાચારો વધુ ચર્ચાઈ રહ્યા છે. જોકે, ન્યૂઝ4કચ્છ એ સ્પષ્ટતા પણ કરે છે કે, દિલ્હી પોલીસ ભુજ મા તપાસ માટે પહોંચી હોવાના સમાચાર અંગે છબીલ પટેલનો અમે વારંવાર ફોન ઉપર સંપર્ક કરીને તે સમાચારની સત્યતા જાણવા પ્રયાસ કર્યો હતો. પણ, પોલીસ ફરિયાદ પછી કોઈ ગેરસમજ ન ફેલાય તે માટે પોતે સામેથી જ મીડીયાને સ્પષ્ટતા કરી રહ્યા હોવાનું કહેનાર છબીલ પટેલ અત્યારે એકાએક કોન્ટેકટ વિહોણા થઈ ગયા છે. તેમના દ્વારા લેખિત માં પણ હજી સુધી કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. દરમ્યાન છબીલ પટેલ અત્યારે ભાજપ સાથે સંકળાયેલા હોઈ શાસક પક્ષ ભાજપમાં પણ રાજકીય માહોલ ગરમ બન્યો છે.
છબીલ પટેલે સમાધાન ની વાત જાહેર કરીને પોલીસમાં પણ જેન્તી ભાનુશાલી વિરુદ્ઘ પત્ર લખ્યો હતો….
છબીલ પટેલ આમ તો કોંગ્રેસ માંથી ભાજપ મા આવ્યા ત્યારે રાજકીય પક્ષ પલટાના વિવાદમાં આવ્યા હતા. જોકે, કોંગ્રેસ અને ભાજપ બન્ને માં ટોચની નેતાગીરી સાથે ‘અંગત સંબધ’ કેળવવામાં માહિર છબીલ પટેલ ભાજપના તેમના રાજકીય પ્રતિસ્પર્ધી જેન્તી ભાનુશાલી સાથે સંબંધો જાળવી શક્યા નહીં. બ્બ્બે ચૂંટણી માં હાર થયા બાદ રાજકીય વર્ચસ્વ ની લડાઈ સતત ચર્ચા માં રહી. તે વચ્ચે તાજેતર માં જેન્તી ભાનુશાલી સામે દુષ્કર્મ ની ફરિયાદ થઈ અને છબીલ પટેલ ફરી ચર્ચામાં આવ્યા. દિલ્હી પોલીસમાં જ્યારે પોતાની સામે ફરિયાદ થઈ ત્યારે છબીલ પટેલે તેમની અને જેન્તી ભાનુશાલી વચ્ચે સમાધાન થયું હોવાની વાત જાહેર કરી. ત્યાર બાદ બોર્ડર રેન્જ આઈ.જી. અને પશ્ચિમ કચ્છ ડી.એસ.પી. ને પોતાને જેન્તી ભાનુશાલી દ્વારા જોખમ હોવાની ચિંતા વ્યક્ત કરતો પત્ર લખ્યો હોવાનું ચર્ચામાં આવ્યું. જોકે, છેલ્લા ઘણા દિવસો થી જાહેરમાં એક પછી એક ખુલાસાઓ વહેતા કરનાર છબીલ પટેલ અત્યારે એકાએક ગુમ થઈ ગયા હોઇ પોલીસ કાર્યવાહી વિશેની અફવાઓ અને તર્કવિતર્ક ચર્ચામાં છે. હવે, છબીલ પટેલ પોતે અથવા તો પોલીસ સ્પષ્ટતા કરે ત્યારે જ તેમની સામે ચાલતી ચર્ચાઓ વિશે સાચું શું છે,એ ખ્યાલ આવશે.