મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ શીખ ધર્મના આદ્યગુરુ ગુરુ નાનક દેવજીની જ્યાં સ્મૃતિઓ સચવાયેલી છે, એવા કચ્છના લખપતમાં આવેલા પ્રથમ પાતશાહી ગુરુદ્વારા ઉપરાંત તેમના પ્રથમ પાંચ શિષ્યો પૈકીના એક ભાઇશ્રી મોખમસિંહજીના બેટ દ્વારકા ખાતે આવેલા ગુરુદ્વારાના કૂલ રૂ. ૧૦ કરોડના પુનુરોદ્ધાર તથા નવીનીકરણને લગતા વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું તેમણે એવો વિશ્વાસ દર્શાવ્યો હતો કે આ ગુરુદ્વારામાં શીખોની ધાર્મિક સંસ્કૃતિ ઉજાગર થશે અને માત્ર કોઇ એક જ ધર્મનું નહીં, તમામ લોકોને માટે આસ્થાનું કેન્દ્ર બનશે. કરસેવા થકી ખાતમુહૂર્ત કર્યા બાદ યોજાયેલી સંગતમાં સંબોધન કરતા મુખ્યમંત્રી ઉમેર્યું કે ગુરુ નાનકજીનું જીવન માત્ર શીખ સમાજ માટે નહીં પણ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે. તેઓ સમગ્ર ભારતીય માટે આદર્શરૂપ છે. તેમાય ગુરુ ગોવિંદસિંઘજીએ ભારતીય સંસ્કૃતિ અને ધર્મના રક્ષણ માટે ઘણો સંઘર્ષ કર્યો હતો. ભારતીય સંસ્કૃતિના ગૌરવ માટે તેમણે પોતાનું સમગ્ર જીવન સમર્પતિ કર્યું હતું. ત્યારે, આવા વીરપુરુષોનો ઇતિહાસ ઉજાગર થાય એવું કરવાની સરકારની પણ જવાબદારી બને છે. શ્રી રૂપાણીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને કચ્છ પ્રદેશ અત્યંત પ્રિય છે. તેમણે કરેલા પ્રયત્નોના પરિણામે
કચ્છમાં પ્રવાસન પ્રવૃત્તિને ભારે વેગ મળ્યો છે. કચ્છની મુલાકાતે આવેલા પ્રવાસી સફેદ રણની સાથે કાળો ડુંગર પણ ફરે, સ્મૃતિવન- ભૂજિયો ડુંગર, માંડવી, જૈન દેરાસર, બૌદ્ધ સર્કિટની સાથે લખપતના ગુરુદ્વારાના દર્શને આવે એવી સુવિધા અહીં ઉભી કરવામાં આવશે. પ્રથમ પાતશાહી ગુરુદ્વારા અને બેટદ્વારકા ગુરુદ્વારામાં યાત્રિકો માટે વિવિધ સવલતો ઉભી કરવામાં આવશે. જેથી યાત્રિકોને કોઇ પણ પ્રકારની મુશ્કેલીનો સમાનો કરવો નહીં પડે. લખપતના ગુરુદ્વારાનો કૂલ રૂ. ૧૭ કરોડના ખર્ચથી વિકાસ થવાનો છે. બાકીની જવાબદારી શીખ સમુદાયે ઉપાડી લીધી છે. તે આવકારદાયક બાબત છે. મુખ્યમંત્રીશ્રીએ કચ્છના નાગરિકોને એવી ધરપત આપી હતી કે, ઉનાળામાં પીવાના પાણીની કોઇને પણ તકલીફ નહીં પડવા દેવામાં આવે. પાણી માટે સરકારે નક્કર આયોજન કર્યું છે. તેમણે એવી પણ વિગતો આપી હતી કે, આજે નારાયણ સરોવર સુધી મા નર્મદાના પાણી પહોંચી ગયા છે. આગામી સંક્રાંત સુધીમાં દરિયાના ખારા પાણીને મીઠા બનાવવાના બે પ્લાન્ટ કચ્છમાં મુંદ્રા અને માંડવી ખાતે નાખવાની કામગીરીની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે. તે પાણીથી ખેતીમાં ક્રાંતિ આવશે. વડાપ્રધાનની ૧૫ મુદ્દા અમલીકરણ સમિતિના સભ્ય સુશ્રી પરજીતકૌર છાબડાએ રાજ્ય સરકારનો આભાર માનતા કહ્યું કે, ૩૫૦ સાલાના ગુરુ ગોવિંદસિંઘ પ્રકાશવર્ષની ઉજવણીમાં મુખ્યમંત્રીશ્રીએ આ બે ગુરુદ્વારાનો વિકાસ કરવાની જાહેરાત કરી, તે પાળી બતાવી છે અને ગણતરીના દિવસોમાં તેની કામગીરી શરૂ કરી તે સરકારની સંવેદનશીલતા દર્શાવે છે. આ વેળાએ રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહીર અને સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ પ્રથમ ગુરુદ્વારાના દર્શન કર્યા હતા અને બાદમાં લંગર પ્રસાદ ગ્રહણ કર્યો હતો. શીખ સમુદાય દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ વેળાએ સંતશ્રી લખ્ખાસિંઘજી, અગ્રણીઓ સર્વશ્રી અનિરુદ્ધસિંહ, શ્રી વિમલભાઇ ગુજરાલ, શ્રી જુગરાજસિંઘ, શ્રી રાજુભાઇ સરદાર, શ્રીરવિભાઇ સુરિ સહિત શીખ સમુદાય મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો.