લોકોમાં વિજ્ઞાનના વિષય પરત્વે જાગૃતતા અને અભિરૂચિ કેળવાય તે હેતુથી રાજયના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા રૂ.૮૪.૯૬ કરોડના ખર્ચે બનનાર રીજીયોનલ સાયન્સ મ્યુઝિયમની આજે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ખાતમૂહૂર્તવિધિ કરાઇ હતી. મુખ્યમંત્રી દિપ પ્રાગટય કર્યા બાદ ખાતમૂહૂર્તની તકતીનું અનાવરણવિધિ કરી હતી. તેમજ સાયન્સ મ્યુઝિયમના મોડલનું નિરીક્ષણ કર્યુ હતું. ભુજીયા ડુંગર પાસે આકાર પામનાર આ સાયન્સ મ્યુઝિયમ માટે ૧૦ એકર જમીનની ફાળવણી કરાયેલી છે. આ સાયન્સ મ્યુઝિયમમાં ૬૧૦૦ ચો.મી.નું બાંધકામ કરવામાં આવશે. આ રીજીયોનલ સાયન્સ મ્યુઝિયમમાં વિજ્ઞાનના વિવિધ વિષયોને આવરી લેતી થીમ બેઈઝ આધારિત સાયન્સ ગેલેરી, એનર્જી એજયુકેશન ગેલેરી, બ્રોન્સાઇ ગેલેરી, મરીન નવીગેશન ગેલેરી, નેનો ટેકનોલોજી ગેલેરી અને ફિલ્ડ મેડલ ગેલેરી વિગેરેનો સમાવેશ કરાયો છે. આ પ્રસંગે રાજયમંત્રી વાસણભાઇ આહિર, સાંસદ વિનોદભાઇ ચાવડા, ભુજ ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય, માંડવી-મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામ વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, ભુજ નગરઅધ્યક્ષા લતાબેન સોલંકી, સાયન્સ અને ટેકનોલોજી વિજ્ઞાનના સેક્રેટરી ધનંજય દ્વિવેદી , એડીશનલ સેક્રેટરી ડો.સુભાષ સોની, સાયન્સ સીટીના એકઝીકયુટીવ ડાયરેકટર એસ. ડી.વોરા, ગુજકાસ્ટના એડવાઈઝર મેમ્બર સેક્રેટરી ડો.નરોત્તમ શાહુ, સુમિત વ્યાસ, બિરજુ શાહ, વિવિધ શાળાઓના વિધાર્થીઓ, આમંત્રીતો ઉપસ્થિત રહયા હતા.
જાણો કેવી રીતે નજીક દેખાશે સુરજ, ચાંદ, અને તારા?
ભુજીયા ડુંગર મધ્યે બની રહેલા સાયન્સ મ્યુઝિયમ ની વિશેષતા વિશે વાત કરતા વૈજ્ઞાનિક અને ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના એડવાઇઝર નરોત્તમ શાહુએ ન્યૂઝ4કચ્છ ને રસપ્રદ માહિતી આપી હતી. આ સાયન્સ મ્યુઝિયમ માં બનનારી કુલ છ ગેલેરી પૈકી એક ગેલેરી અવકાશ વિશે વિશિષ્ટ માહિતી આપશે. આ ગેલેરીમાં મુકાનાર ખાસ પ્રકારના દૂરબીન વડે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સુરજને અને રાત્રે ચંદ્ર ને નજીક થી નિહાળી શકાશે. જેને કારણે આપણે સુરજ અને ચંદ્ર ની આંતરિક રચના કેવી હોય છે તે વિશેની જિજ્ઞાસાભરી માહિતી જાણી શકીશું. તે સિવાય તારા મંડળ તેમ જ અન્ય ગ્રહો, નક્ષત્રો સહિત અવકાશ વિશે પણ જાણકારી મેળવી શકાશે. આ સાયન્સ મ્યુઝિયમને તૈયાર થતા ૨ વર્ષ લાગશે.