કચ્છ જિલ્લાને લગતા પ્રશ્નો અને પ્રજાકીય સમસ્યાઓના ઉકેલ માટે ઘણી વાર લોકોમાં અને મીડિયામાં એવી ટકોર થતી રહે છે કે આપણા ધારાસભ્યોએ પક્ષાપક્ષીથી દૂર હટીને સરકાર સમક્ષ રજૂઆત કરવી જોઈએ. આ બાબતે કચ્છના ધારાસભ્યોએ પશ્ચિમ કચ્છના ઉચ્ચ શિક્ષણને લગતા પ્રશ્ને કરેલી રજુઆત નું સફળ પરિણામ આવ્યું છે. વાત નખત્રાણાની જીએમડીસી કોલેજ નાણાકીય ગ્રાન્ટના અભાવે બંધ થાય તેવી પરિસ્થિતિની રજુઆત અંગેની છે. છેલ્લા ઘણા સમયથી આ મુદ્દે ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા રજુઆત કરતા રહ્યા છે. દરમ્યાન આ પ્રશ્ને રાજ્ય મંત્રી વાસણભાઇ આહીર, ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય અને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાની સંયુક્ત આગેવાની માં નખત્રાણા જીએમડીસી કોલેજનું એક પ્રતિનિધિ મંડળ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને મળ્યું હતું. પશ્ચિમ કચ્છમાં ઉચ્ચ શિક્ષણ આપતી એક માત્ર કોલેજ ચાલુ રાખવા માંગણી કરી હતી. પ્રશ્ન ની ગંભીરતા સમજી શિક્ષણ મંત્રીએ તાત્કાલિક એક કરોડ ₹ ફાળવવાની જાહેરાત કરી હતી. તેમ જ ચાલુ વર્ષે બીજા બે કરોડ ₹ ડિસ્ટ્રીકટ મિનરલ ફંડ માંથી ફાળવવાની જાહેરાત કરી હતી. તે ઉપરાંત નખત્રાણા ની જીએમડીસી કોલેજ ને ભવિષ્યમાં કોઈ નાણાકીય મુશ્કેલી ન પડે તે માટે જીએમડીસી તેમ જ રાજ્ય સરકાર દ્વારા ૨૫ થી ૩૦ કરોડનું કોર્પસ ફંડ ભેગું કરવાનું આયોજન કરવાની ખાત્રી આપી હતી. કોલેજ ચાલુ રહે તે માટે ના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ના નિર્ણયને પગલે ભાવુક બની ગયેલા કોંગ્રેસી ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ કહ્યું થેંક્યું રૂપાણી સરકાર!! આ રજુઆતને સફળ બનાવવામાં સહયોગ આપનાર રાજયમંત્રી વાસણભાઈ આહીર અને ડૉ. નીમાબેન આચાર્ય નો પણ પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ આભાર માન્યો હતો. આમ ઉચ્ચ શિક્ષણ નો પ્રશ્ન ઉકેલવા કચ્છ ના ભાજપ અને કોંગ્રેસ ના ધારાસભ્યો એક થયા હતા અને તેમની આ રજુઆત સફળ પણ રહી હતી.
કોણ કોણ હતું બેઠકમાં?
શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે યોજાયેલી આ બેઠક માં કચ્છના પ્રજાકીય પ્રતિનિધિઓ ની સાથે ખાણ ખનીજ વિભાગના સચિવ રૂપવંતસિંહ, જીએમડીસીના જનરલ મેનેજર એ. કે. માંકડિયા, આયોજન અધિકારી મહાવીરસિંહ રાઉલજી, કોલેજ ના ટ્રસ્ટીઓ અબજીભાઈ કાનાણી, મોહન છાભૈયા, મનસુખ રૂડાણી, અન્ય આગેવાનો અર્જુનદેવસિંહ ચુડાસમા, કે.બી. જાડેજા, પ્રિન્સિપાલ વિષ્ણુ ત્રિવેદી, સાહિત્ય અકાદમી ના રજિસ્ટ્રાર અજયસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.