આ વર્ષે કચ્છ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં ખુબ જ ઓછો વરસાદ થતાં જિલ્લાના જળાશયોમાં પાણીના જથ્થાનો ખુબ જ ઓછો સંગ્રહ થયો છે. ત્યારે જિલ્લામાં સરદાર સરોવર નર્મદા નિગમ લીમીટેડની માળીયા (મિ.) બ્રાંચ કેનાલ, કચ્છ બ્રાન્ચ કેનાલ મારફતે ઉપલબ્ધ કે મળતા પીવા માટે તેમજ સિંચાઇ માટેના પાણીનો ઉપયોગ જરૂરિયાત મુજબ વ્યાજબી અને કરકસરયુકત થાય તે જરૂરી અને અનિવાર્ય જણાય છે. કચ્છમાંથી પસાર થતી નર્મદા કેનાલની સમાવિષ્ટ બ્રાંન્ચ કેનાલમાંથી પાણીની ચોરી થતી અટકાવવા માટે વિરોધાત્મક કે અટકાયતી પગલાં લેવા અત્યંત જરૂરી અને આવશ્યક જણાય છે. તેમજ જિલ્લાના મુખ્ય જળાશયોમાં રહેલ પાણીની ચોરી અટકાવવી ખુબજ અનિવાર્ય બની જાય છે. પાણીના જથ્થામાંથી કોઇ વ્યકિત/સંસ્થા બિનઅધિકૃત રીતે પાણીનો જથ્થો મેળવવા કેનાલના નટવર્કને તોડફોડ અને નુકશાન પહોંચાડવાના ગેરકાનૂની કૃત્યો પ્રાથમિકતાના ધોરણે વિના વિલંબે અટકાવવા જરૂરી જણાય છે. તદ્ઉપરાંત જિલ્લા કક્ષાએ યોજાતી પાણી સમિતિમાં સઘન ચર્ચા અને સંવેદનશીલ સમીક્ષા બેઠકમાં લેવાયેલાં નિર્ણય મુજબ કચ્છ વિસ્તારમાંથી પસાર થતી પાઇપલાઇનોમાં તથા નર્મદના કેનાલોની શાખાઓમાં ચેડા ન કરવામાં આવે અને પાણીના જથ્થાનું પીવા માટે કે સિંચાઇ માટે ન્યાયિક રીતે સમાન ધોરણે વિતરણ કરવાના ઉમદા હેતુસર અને લોકહિતને ધ્યાને રાખી પાણી ચોરી અટકાવવા માટે કચ્છ જિલ્લા મેજીસ્ટ્રેટ રેમ્યા મોહન ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧) (એમ) હેઠળ તેમને મળેલ સત્તાની રૂએ જિલ્લામાં સમાવિષ્ટ જળાશયો, સરદાર સરોવર નર્મદા નિગમ લી.ની કચ્છ જિલ્લામાંથી પસાર થતી કેનાલ, પેટા કેનાલ અને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ તેમજ જી.ડબલ્યુ.આઇ.એલ.ની પીવાના પાણી માટેની પાઇપલાઇનના વિસ્તારમાં કોઇપણ વ્યકિત કે સંસ્થાએ બિનઅધિકૃત રીતે ઈલેકટ્રીક મોટર/પંપસેટ દ્વારા, ટેન્કર દ્વારા અથવા અન્ય કોઇ બીજા સાધનો દ્વારા બકનળીઓ નાખીને પાણી ચોરી કરવી નહીં જળાશયની હદથી ૫૦૦ મી.ની. ત્રિજયામાં નવા બોર કરવા નહીં કે કરાવવા નહીં, તેમજ બિનઅધિકૃત નવા ડીપવેલ, સબમર્શિબલ પંપ મૂકવા નહીં કે કોઇપણ પાઇપલાઇનો તોડી પાણી ચોરી કરવી નહીં. જાહેરનામા દ્વારા તા.૩૧/૭/૨૦૧૯ સુધીના સમયગાળા દરમ્યાન મનાઇ ફરમાવેલ છે.
આ જાહેરનામા અથવા તેના કોઇપણ ખંડનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.
આ જાહેરનામું જાહેર સેવકો અને ટેન્કરો કે પાણી પુરવઠાનું વિતરણ કરતાં કોઇપણ અધિકૃત વાહનોના અધિકૃત ધારણ કર્તા વ્યકિત કે ચાલકોને આ હુકમ લાગુ પડશે નહીં તેમ વધુમાં જણાવાયું છે.
*સ્ત્રોત-માહિતી કચેરી