Home Current આફ્રિકન દેશ ઝામ્બીયા શીખશે કચ્છ પાસેથી ખેતી – પ્રારંભે ૧૦ હજાર એકરમાં...

આફ્રિકન દેશ ઝામ્બીયા શીખશે કચ્છ પાસેથી ખેતી – પ્રારંભે ૧૦ હજાર એકરમાં વાવેતરનું આયોજન

801
SHARE
પાંચ દિવસ માટે રાજકોટ મધ્યે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ SVUM દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ ટ્રેડ શો દરમ્યાન આફિકન દેશ ઝામ્બીયા અને કચ્છ વચ્ચે ખેતી માટે મહત્વના MOU થયા હતા. વિશ્વના અલગ અલગ દેશોના ૫૦ જેટલા પ્રતિનિધિઓ તેમજ સૌરાષ્ટ્ર કચ્છના વ્યાપાર ઉદ્યોગ ક્ષેત્રના પ્રતિનિધિઓએ સાથે મળીને એકબીજા સાથે વ્યાપાર ઉદ્યોગની તકો વધારવા વિશે મહત્વના MOU કર્યા હતા. આ ટ્રેડ શોમાં કચ્છમાંથી ભુજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ અનિલ ગોર અને ઉપપ્રમુખ રાજેન્દ્ર ટાંક ઉપસ્થિત રહ્યા હતા. આયોજક સંસ્થા SVUM વતી પ્રમુખ પરાગ તેજુરાએ આ ટ્રેડ શોનો હેતુ વ્યાપાર ઉદ્યોગ ક્ષેત્રે નવી નવી તકો વધે અને નાના નાના જિલ્લાઓ માં વિવિધ વ્યાપાર ઉદ્યોગ સાથે સંકળાયેલા સાહસિક વ્યવસાયકારો માટે વ્યાપારના નવા દ્વાર ખુલે તે હોવાનો જણાવ્યું હતું.

જાણો કચ્છ અને ઝામ્બીયા વચ્ચે થયેલા કરાર

આ ટ્રેડ શોમાં ભુજના ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ લિમિટેડના મુખ્ય ડાયરેક્ટર્સ રાજેન્દ્ર ટાંક અને હિમાંશુ ટાંકે ઝામ્બીયાના ફિડાના ગ્રુપના સેકન્ડ પ્રમોટર, CEO ડોન ફિડેલીસ ચુલુ સાથે ખેતી ક્ષેત્રે કામ કરવાના કરાર કર્યા હતા. આ સંદર્ભે ન્યૂઝ4કચ્છ ને માહિતી આપતા રાજેન્દ્ર ટાંક અને હિમાંશુ ટાંકે જણાવ્યું હતું કે, તેમનું ઓધવ ગ્રુપ અને ઝામ્બીયાનું ફિડાના ગ્રુપ સાથે મળીને ઝામ્બીયામા સાથે મળીને ખેતી કરશે. કચ્છનું ઓધવ ગ્રુપ ખેતીની ટેક્નિક શીખવશે. શરૂઆતમાં ત્યાંના શહેરો સોલવેઝી, કોંગ્વે, મકુશી અને મુમ્બવામા કુલ મળીને ૧૦ હજાર એકર જમીનમાં કઠોળની ખેતી ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે. જોકે, ઝામ્બીયા નુ ફિડાના ગ્રુપ તેમના દેશમાં મગફળીની ખેતી તેમજ મધનું ઉત્પાદન કરવા માટે કચ્છના ઓધવ ગ્રુપનો સહકાર લેવા માંગતું હોવાનું CEO ડોન ચુલુએ જણાવ્યું હતું. ભુજ ચેમ્બરના અનિલ ગોર તેમજ રાજેન્દ્ર ટાંકે આફ્રિકન દેશોમાં કચ્છના પટેલ સમાજના હજારો પરિવારો વ્યવસાય માટે સ્થાયી થયા હોવાનું જણાવ્યુ હતું. કચ્છના અન્ય વ્યવસાયકારો સાથે ઝામ્બીયાની મુલાકાત લઈ ત્યાં વ્યાપાર વધારવાની તકો માટે ભુજ ચેમ્બર દ્વારા પ્રયાસ કરાશે. ઓધવ ગ્રુપે જે કરાર કર્યા છે તેનો અમલ કરતા પહેલા ઝામ્બીયા ની મુલાકાત લઈને જે વિસ્તારોમાં ખેતી કરવાની છે ત્યાંની જમીન, પાણી અને હવામાનનો અભ્યાસ કર્યા પછી જ કામ શરૂ કરાશે. અત્યારે ઝામ્બીયામાં માત્ર ૧૦ ટકા જ જમીન નો ઉપયોગ ખેતી માટે થાય છે. ત્યારે કચ્છી સાહસિકોના ટેક્નિકલ સહયોગ થકી ઝામ્બીયામા ખેતીની તક વધશે એવો આશાવાદ ડોન ચુલુએ વ્યક્ત કર્યો હતો.