જિલ્લા સંકલન સમિતિની બેઠક પ્રજાકીય કાર્યો માટે ઘણી જ મહત્ત્વની ગણાય છે. પરંતુ, આ વખતે પણ સંકલન સમિતિની બેઠક માં માત્ર બે જ ધારાસભ્યો પ્રદ્યુમ્નસિંહ જાડેજા અને વિરેન્દ્રસિંહ જાડેજા હાજર રહ્યા હતા. અન્ય પ્રજાકીય પ્રતિનિધિઓની ઉદાસીનતા વચ્ચે સંકલનની આ વખતની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ૨૦૧૯ ની ચૂંટણી પહેલા મહત્વની મનાતી કિસાન સબસીડીનો મુદ્દો મુખ્ય ચર્ચામાં રહ્યો હતો. જોકે, એના સિવાય સુરજબારી થી પસાર થતી નર્મદાની પાણીની પાઇપ લાઇન મીઠા ના અગરો પાસેથી પસાર થતી હોઇ તે જલ્દી થી સડી જશે અને તેમાં વારંવાર ભંગાણ પડવાની ચિંતા ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ વ્યક્ત કરી હતી. તે સિવાય ધારાસભ્યોની ગ્રાન્ટ માટેની ગાઈડલાઈન વારંવાર બદલાતી હોવાની ફરિયાદ સાથે પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ગ્રામીણ કક્ષાએ ગ્રામ પંચાયત દ્વારા કામ કરાવવા સંદર્ભે માહિતી માંગી હતી. તો, કડોલના મીઠાના અગરો સંદર્ભે હાઇકોર્ટે પગલાં ભરવા કરેલા આદેશ બાદ પીજીવીસીએલ તેમજ વન વિભાગ દ્વારા શું કાર્યવાહી થઈ તે અંગે કલેકટરે રેમ્યા મોહને સમીક્ષા કરી હતી.
જાણો સંકલન બેઠકની ચર્ચા
જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહનના અધ્યક્ષપદેથી પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ નાના ખેડૂતોને રૂ. ૬૦૦૦/-ની સહાય આપવાના પંચાયત અને મહેસુલ વિભાગમાં દિવસ-રાત ચાલી રહેલા કાર્યને પ્રથમ અગ્રતા આપવાનો કલેકટરે નિર્દેશ આપી નોડલ અધિકારીઓને અને પ્રાંત કક્ષાએથી મોનીટરીંગ કરવા સૂચનાઓ આપી હતી. સાચો લાભાર્થી સહાયથી વંચિત ન રહી જાય તેની કાળજી રાખવા સાથે કામગીરીમાં ઝડપ લાવવા તેમણે અનુરોધ કર્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષીએ કિસાન સબસીડીની કામગીરીનું બીજા તબકકામાં ફોલોઅપ લેવા અધિકારીઓને અનુરોધ કર્યો હતો.
નરા જુથ ગ્રામ પંચાયતની રજૂઆત સંદર્ભે ધોરડોથી માતાના મઢને જોડતો હાજીપીર-નખત્રાણા માર્ગ વેળાસર રીપેર થાય તે માટે કલેકટર દ્વારા પંચાયત વિભાગના માર્ગ – મકાન વિભાગને તાત્કાલિક દરખાસ્ત મોકલી આપવા સૂચના અપાઈ હતી. પદાધિકારીઓનાં પ્રશ્નોમાં જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા રવ મોટી મુકામે પોલીસ કવાર્ટર જર્જરીત હોવાની અને ડાવરી ગામે જર્જરીત વીજપોલ બદલવાની રજુઆત કરી હતી. તેમણે રાપર-ફતેહગઢ માર્ગ ખરાબ હોઇ કયારે રીપેર કરાશે તેની વિગતો જાણવા માંગી હતી. માર્ગ-મકાન વિભાગ તરફથી રાડાની હદમાં આવતા રસ્તા સિવાયના માર્ગની દુરસ્તી બાબતે માર્ગ-મકાન વિભાગના કે.આર.પટેલે દ્વારા વિગતો પૂરી પડાઇ હતી.
માંડવી-મુંદરાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ બાગાયતી પાકોમાં દાડમ અને કેરીમાં સહાયના ધોરણો બાબતે પૃછા કરતાં બાગાયત અધિકારી શ્રી મોઢ દ્વારા તેમને વિગતો પૂરી પડાઇ હતી. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા ધારાસભ્યની ગ્રાંટમાંથી શેડ બનાવવા સંદર્ભે ગાઇડલાઇન મંગાતા જિલ્લા આયોજન અધિકારીશ્રી રાઓલે તાલુકા અને જિલ્લા મથકે શેડ બનાવવા મંજૂરી અપાતી હોવાનું જણાવી સંકલિત માર્ગદર્શિકાની નકલ પૂરી પાડી હતી. આ સિવાય અબડાસાના લાલા વિસ્તારમાં લોડ વધતા મોટરો બળી જતાં હોવાનું જણાવી સબ-સ્ટેશનનું આયોજન અંગે જાણવા માંગ્યું હતું. સામખીયાળી-સુરજબારી નર્મદા પાઇપલાઇન આસપાસ મીઠાના પ્લોટને કારણે તે સડી જવાની શકયતા દર્શાવતાં જિલ્લા કલેકટર દ્વારા પ્રાંત કચેરી, નર્મદા અને પાણી પુરવઠા વિભાગની ટીમ બનાવી હકિકત તપાસવા નિર્દેશ આપ્યો હતો.
સામાજીક ન્યાય સમિતિના ચેરમેન વસંતભાઈ વાઘેલાએ ચર્ચામાં ભાગ લીધો હતો. આગામી ૨૩મી ફેબ્રુઆરીથી જિલ્લા શરૂ થનારા સુજલામ-સુફલામ જળ અભિયાન કાર્યક્રમ માટેની માસ્ટર પ્લાનની કામગીરી પૂર્ણતાના આરે હોવાનું સિંચાઇ વિભાગના શ્રી સોનકેસરીયાએ વિગતો આપી હતી. ૩૧મી મે સુધી ચાલનારા આ કાર્યક્રમને વેગવંતો બનાવવા જિલ્લા કલેકટરે પણ અધિકારીઓને સૂચના આપી હતી. અધિક કલેકટર કે.એસ.ઝાલાએ અધિકારીઓની સમીક્ષા બેઠકમાં સરકારી બાકી લેણાંની વસૂલાત, પેન્શન કેસો, નાગરિક અધિકારપત્ર, પ્રાથમિક તપાસ તેમજ એસીબીના કેસો સંબંધે વિભાગોને સૂચના આપી સમીક્ષા કરી હતી. તેમણે સંબંધિત વિભાગોને નિયમિતપણે માહિતી મોકલવા તાકીદ કરી હતી. આ બેઠકમાં પશ્ચિમ વિભાગના પોલીસ વડા એમ.એસ.ભરાડા, સિવિલ સર્જન ડો. કશ્યપ બુચ, પૂર્વ કચ્છના ડીવાયએસપી શ્રી વાઘેલા, અંજાર પ્રાંત વી.કે.જોષી, અબડાસા પ્રાંત ડી.એ.ઝાલા, મુંદરા પ્રાંત અવિનાશ વસ્તાણી, નખત્રાણા પ્રાંત જી.કે.રાઠોડ, ભચાઉ પ્રાંત શ્રી જોષી, સીડીએચઓ ડો. પંકજકુમાર પાંડે, પશુપાલન વિભાગના ડો.બ્રહ્મક્ષત્રિય, ખેતીવાડીના શ્રી શિહોરા, આર.ટી.ઓ.શ્રી યાદવ, પ્રોજેકટ ઓફિસર રવિરાજસિંહ ઝાલા, ડે.ડીડીઓ અશોક વાણિયા સહિતના જુદાં-જુદાં વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(સોર્સ – જિલ્લા માહિતી કચેરી)