મહાશિવરાત્રીની પૂર્વ રાત્રે મહિલા અભયમ્ ટીમ ભુજને તેમની હેલ્પલાઇન 181 નંબર ઉપર ફોન આવે છે, કે ભુજના રેલવે સ્ટેશને લાંબો સમય થયો એક અજાણી મહિલા આંટા મારી રહી છે. ફોન કરનારે એ પણ જણાવ્યું કે, પરપ્રાંતીય લાગતી આ મહિલા અત્યારે રેલવે સ્ટેશને છે કે, જે સમયે કોઈ ટ્રેન પણ નથી. બરાબર રાત્રે ૧૨/૫૬ એટલે કે મધરાતે એક વાગ્યાનો સમય અભયમ્ ટીમના કાઉન્સેલર નિરૂપા બારડ અને મહિલા કોન્સ્ટેબલ રીટા અસારીને લાગ્યું કે, મામલો કંઈ ગંભીર છે, નહીં તો, ટ્રેન ના સમય વગર કોઈ મહિલા રાત્રે એક વાગ્યે થોડી રેલવે સ્ટેશને આંટા મારતી હોય. અભયમ્ ની ટીમ મારતી ત્વરાએ ભુજ રેલવે સ્ટેશને પહોંચી. તો, તેમણે ગભરાયેલી હાલતમાં ફરતી આ મહિલાને જોઈ. રાત્રિ નો સમય અને એકલી અટૂલી મહિલા હોય એટલે સ્વાભાવિક તે ડરેલી અને ગભરાયેલી જ હોય. પણ, અભયમ્ ટીમ ના નિરૂપાબેન અને રીટાબેને કુનેહપૂર્વક એ મહિલાને સાંત્વના આપી, ચિંતા નહીં કરવા જણાવ્યું અને તેઓ મદદ માટે આવ્યા હોવાની ધરપત આપી હતી. ડર, ભય અને ચિંતા થી ઘેરાયેલી એ મહિલા પોતાને મદદરૂપ થનાર મહિલા અભયમ્ ટીમને જોઈ થોડી નિશ્ચિન્ત બની હતી. ડર જતો રહ્યો એટલે તેણે જણાવ્યું કે તે પોતે પંજાબની છે, અહીં કચ્છમાં પોતાની બેન પાસે ખેત મજૂરી માટે આવી છે. પણ, તે ભૂલી પડી જતાં મૂંઝાઈ ને ભુજ ના રેલવે સ્ટેશને છેલ્લા ૪ કલાક થી આંટા મારી રહી છે. ગભરાયેલી એ મહિલાની સાંત્વનાપુર્વકની પૂછપરછ કરતા તેણીએ જણાવ્યું કે, પોતે ચુનડી (માંડવી) ગામે પોતાની બહેન સાથે ખેતમજૂરીનું કામ કરે છે અને ત્યાં જ રહે છે. તરત જ અભયમ્ ટીમના નિરૂપા બારડ અને રીટા અસારીએ ભુજ માંડવી રોડ ઉપર આવેલ ચુનડી ગામ નો સંપર્ક મેળવી ને એ મહિલા ના સગાંવહાલાં ને જાણ કરી. તેઓ તરત થોડા સમયમાં જ પહોંચી આવ્યા. આમ, એક ફોન દ્વારા અજાણી પોતાના સ્વજનો થી વિખૂટી પડેલી એક પરપ્રાંતીય અજાણી મહિલા પોતાના સ્વજનો સુધી પહોંચી. મધરાતે એક અજાણી દુઃખી મહિલાને જોઈ મહિલા હેલ્પલાઇન 181 ઉપર ફોન કરનાર સજ્જન વ્યક્તિને અભિનંદન, તો, મધરાતે એ અજાણી મહિલાને મદદરૂપ બની માનવીય સંવેદના દર્શાવનાર મહિલા અભયમ્ ટીમના કાઉન્સેલર નિરૂપાબેન બારડ અને કોન્સ્ટેબલ રીટાબેન અસારીને પણ વંદન. તેમની સતર્કતા થી એક મહિલા કોઈ પણ અસામાજિક તત્વોની હેરાનગતિ કે મુશ્કેલીનો ભોગ બન્યા વગર સલામતીપૂર્વક પોતાના સ્વજનો સુધી પહોંચી શકી.