૩૩ વર્ષ જુના અકસ્માતના કેસમાં કચ્છના વાગડના એક શ્રમજીવી પરિવારની વીમા કંપની સામેની લાંબી કાનૂની લડાઈ બાદ જીત થઈ છે. એપ્રિલ ૧૯૮૭ માં વાગડ વિસ્તારના વતની શ્રમજીવી હાસમ દિનમામદ ઉપરાંત અન્ય મહિલા શ્રમજીવી ફાતમાબાઈ અબ્દુલ્લા તેમના સંતાનો સાથે ટ્રક માં રાધનપુર થી રાપર મજૂરી અર્થે આવી રહ્યા હતા. ત્યારે તેમને અકસ્માત નડતાં પતિ હાસમભાઈ દિનમામદ તેમ જ ફાતમાબેન અબ્દુલ્લાને ગંભીર ઈજાઓ થઈ હતી અને ફાતમાબેન અબ્દુલ્લાની સગીર પુત્રી શરીફા નું મોત નીપજ્યું હતું. આ અંગેનો કેસ કચ્છ ની અદાલતમાં કરાયા બાદ કચ્છ ટ્રીબ્યુનલ સમક્ષ ઇજાગ્રસ્તો માટે ૩-૩ લાખ રૂપિયા અને મૃતક બાળકી માટે ૨ લાખ રૂપિયાનું વળતર વીમા કંપની સમક્ષ માંગવામાં આવ્યું હતું. કચ્છ ટ્રીબ્યુનલે અકસ્માતમાં ટ્રક ચાલકની બેદરકારી માનીને વીમા કંપનીની ટેક્નિકલ દલીલો ફગાવીને હાસમભાઈ દિનમામદને રૂપિયા ૨.૧૮ લાખ, ફાતમાબેન અબ્દુલ્લાને રૂપિયા ૨.૧૯ લાખ તથા ફાતમાબેનની મૃતક સગીર પુત્રી શરીફાબાઈ ના પિતા અબ્દુલ્લાભાઈને ને રૂપિયા ૨ લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો હતો. જોકે, વીમા કંપનીએ કચ્છ ટ્રીબ્યુનલ ના ચુકાદા સામે હાઇકોર્ટ માં અપીલ કરી હતી. જે કેસ ચાલી જતાં હાઇકોર્ટે વીમા કંપનીની દલીલ માનીને વળતરની રકમ ઘટાડી બન્ને શ્રમજીવી પરિવાર એવા હાસમભાઈ દિનમામદ અને ફાતમાબેન અબ્દુલ્લાને રૂપિયા ૬૦-૬૦ હજાર તેમ જ મૃતક શરીફાના પિતા અબ્દુલ્લાભાઈને રૂપિયા ૬૪,૫૦૦ આપવાનો આદેશ કરી વ્યાજનો દર પણ ૧૫% માં થી ઘટાડી ૧૨% કર્યો હતો. હાઇકોર્ટના આદેશ સામે કચ્છના આ શ્રમજીવી પરિવારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. જ્યાં ચાલેલી કાનૂની લડાઈમાં સુપ્રીમ કોર્ટ શ્રમજીવી પરિવારની તરફેણ માં વાત માની ને કચ્છ ટ્રીબ્યુનલ દ્વારા અપાયેલ ચુકાદો માન્ય રાખીને હાસમભાઈ દિનમામદને રૂપિયા ૩.૨૨ લાખ, ફાતમાબેન અબ્દુલ્લાને રૂપિયા ૩.૨૪ લાખ અને મૃતક શરીફા ના પિતા અબ્દુલ્લાભાઈને રૂપિયા ૨.૭૫ લાખ ૧૨ % વ્યાજ સાથે ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યો હતો. આ કેસમાં અરજદારો ના વકીલ તરીકે ભુજના વરિષ્ઠ ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે, ઊર્મિશ સચદે, હિરેન સચદે જ્યારે સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ એ.પી. મેઢ અને યદુનંદન બંસલ હાજર રહ્યા હતા.