છેલ્લા કેટલાક સમયથી ભુજના બાગ, બગીચા સહિત વોક-વે અને જાહેર ફરવા લાયક સ્થળો પર કેટલાક યુવકો સીન સપાટા સાથે યુવતીઓ અને મહિલાઓ ની મજાક કરતા હોવાની રાવ ઉઠી રહી છે જોકે આવા આવારા તત્વો કે યુવાનીના કેફમાં રાચતા યુવકોને પડકારવા માટે યુવતીઓ જાણે હિંમત હારી રહી હોય અથવા બદનામી ના ડરે મૌન રહેતી હોય છે, આવા જ છુપા ગણગણાટ વચ્ચે શુક્રવારે સાંજે વોક-વે પર ચાલવા નીકળેલી યુવતીને છુપાઈને બેઠેલા તરુણોએ ભૂત જેવા બુરખા સાથે ડરાવતા યુવતીઓ ગભરાઈ ને ચીસો સાથે ભાગવા માંડી હતી, આજ સમયે ચાલવા નીકળેલા અન્ય બે મિત્રોએ આ આખોય ઘટનાક્રમ જોઈને એ ટીખળખોરોને પડકાર્યા હતા સગીર વયના જણાતા એ ટીખળખોરોએ ઠઠા મશ્કરી સાથે પડકારનાર યુવાનોને થાય તે કરી લો એવો ઉડાઉ જવાબ આપતા પડકારનાર યુવાને પોલીસ સ્ટેશને ફોન કરતા તરતજ ધસી આવેલી મોબાઈલે મસ્તીખોરોનો ઉધડો લીધો હતો જોકે ડરી ગયેલી યુવતીએ પોલીસ ફરિયાદ ટાળતા પોલીસે એ છેલબટાઉ તરૂણોને જવા દીધા હતા. અહીં ટીખળખોરો સગીર હોઈ એની ઓળખ આપી નથી પરંતુ લોક જાગૃતિ માટે આ વિગતો મૂકી છે, છેલ્લા ઘણા સમયથી બાઈક સવાર યુવકો અને મોબાઈલ સાથે ફરતા કેટલાક યુવકો આવા સ્થળ પર યુવતીઓ કે મહિલાઓની મજાક કે છેડતી કરતા હોવાની ફરિયાદ ઉઠતી રહી છે ખાસ કરીને ખેંગાર પાર્ક વિસ્તાર, વોક-વે તેમજ ઇન્દિરાપાર્ક અને ત્યાં આવેલા વોક-વે પાસે છેલબટાઉ યુવકો આંટા ફેરાની સાથે સીન સપાટા મારતા જોવા મળતા રહે છે પરંતુ લોકલાજે કે બદનામીના ભયથી કોઈ આવા તત્વોને પડકારતું નથી કે ફરિયાદ કરતું નથી યુવતીઓ અને મહિલાઓ માટે ગઈકાલે બનેલા આ લાલબત્તી સમાન કિસ્સા બાદ મહિલાઓએ જાગૃત બનીને પોલીસની મહિલા હેલ્પલાઇન કે પોલીસનો સંપર્ક કરવો જોઈએ, શોશિયલ માધ્યમના આ યુગમાં યુવકો પર થઈ રહેલી નકારાત્મક અસર હવે ભુજ શહેરમાં પણ વિસ્તરી રહી છે ત્યારે લોક જાગૃતિની સાથે કાયદાના રક્ષકો પણ આવા તત્વો સામે કડક બને એ સમયની માંગ છે.