Home Current કચ્છી સાહિત્ય મંડળ દ્વારા ભુજમાં ‘વ્રજગજકંધ’ના ઉજવાયેલ ‘એંસી વરેજો ઑછવ’ મા...

કચ્છી સાહિત્ય મંડળ દ્વારા ભુજમાં ‘વ્રજગજકંધ’ના ઉજવાયેલ ‘એંસી વરેજો ઑછવ’ મા મહેંકી કચ્છીયતની સુવાસ

1133
SHARE
કોઈ પણ ભાષા કે લોકબોલીને જીવંત રાખવામાં તે ભાષાના કવિઓ, લેખકો, સર્જકોનું બહુમૂલ્ય યોગદાન હોય છે. આપણી બાંબેલી કચ્છી ભાષાની જ્યારે વાત આવે ત્યારે બળુકી કલમના કસબી એવા વ્રજલાલ ગજકંધનું તેમના તખલ્લુસ ‘વ્રજગજકંધ’ના નામે વધુ જાણીતા છે નવી અને જૂની પેઢીના કચ્છી સર્જકો હોય કે પછી તેમની સાથે સંપર્ક ધરાવતા કચ્છી માડુઓ હોય સૌ કોઈ ‘વ્રજગજકંધ’ની કલમના અને તેમની સાદગી, સરળતા, સૌજન્યશીલતાના ચાહક છે. શિક્ષક તરીકે હજારો છાત્રોના જીવનમાં જ્ઞાનનો દીપ પ્રગટાવનાર ‘વ્રજગજકંધ’ છંદ અને પ્રાસના સારા જાણકાર છે, તેમ જ કચ્છી, ગુજરાતી ભાષા વ્યાકરણના તજજ્ઞ તરીકેનું પણ ઊંડું જ્ઞાન ધરાવે છે. તેમના જીવનના ૮૦ માં વર્ષના પદાર્પણ પ્રસંગે કચ્છી સાહિત્ય સભા દ્વારા ‘એંસી વરેજો ઓછવ’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમમાં કાર્યક્રમ અધ્યક્ષ ડૉ. કાન્તિભાઈ ગોર “કારણ’, અતિથિ વિશેષ વરિષ્ઠ પત્રકાર કીર્તિભાઈ ખત્રી, સાહિત્યકાર જયંતિ જોશી ‘શબાબ’, કચ્છી સાહિત્ય મંડળના સંયોજક લાલજી મેવાડા ‘સ્વપ્ન’ ના સંયોજન હેઠળ ‘વ્રજગજકંધ’ દ્વારા કચ્છી, ગુજરાતી સાહિત્યમાં અપાયેલા બહોળા પ્રદાન બદલ તેમનું સન્માન અને અનુમોદના કરવામાં આવી હતી. પ્રારંભે સંચાલનનો દોર સંભાળતા કૃષ્ણકાંત ભાટિયા ‘કાન્ત’એ કચ્છી સાહિત્યની સરાહના કરતાં કહ્યું હતું કે, ‘ઘરના ઉંબરથી આભની યાત્રા કરાવે એ કવિતા’, વાણીના દરેક પ્રકારોમાં કવિતા હોય જ છે. એવા દરેક પ્રકારોના ખેડાણ ‘વ્રજ ગજકંધ’ સાહેબે કર્યું છે. કચ્છી સાહિત્ય મંડળ અંતર્ગત ‘એંસી વરેંજો ઑચ્છવ’માં તેમને સન્માનત કરતાં અતિ હર્ષ થાય છે.
કચ્છી સાહિત્ય મંડળ વતી સહુને આવકારતા ‘યાજ્ઞ્વલક્ય જોશી ‘દ્વિજ’એ કહ્યું હતું કે, આ કાર્યક્રમને ‘સહસ્ત્ર ચન્દ્રદર્શનમ્’ નામ આપવું જોઈએ, આમ પણ કચ્છ પ્રદેશમાં ચંદ્ર દર્શનનો મહિમા છે ત્યારે ગજકંધ સાહેબે એંસી વર્ષમાં એક હજાર ચન્દ્રદર્શન કર્યા છે એમ કહી શકાય. એમના નવમા દાયકામાં પ્રવેશ વખતે તેમના નિરામય જીવનની આશા વ્યક્ત કરી હતી. કાન્તિભાઈ ગોર ‘કારણ’નું પુષ્પથી સન્માન સંયોજક લાલજી મેવાડા ‘સ્વપ્ન’એ, અન્ય સન્માનોમાં ર્કીર્તિભાઈ ખત્રીનું જયંતી જોશી ‘શબાબ’, નારાયણ જોશી ‘કારાયલ’નું સંજય ઠાકર, કચ્છ યુનિવર્સિટી અંગ્રેજી વિભાગના અધ્યક્ષા કાશ્મિરાબહેન મહેતાનું નિર્મલાબહેન ત્રિપાઠી, ચંન્દ્રવદન ધોળકિયાનું લાલજી મેવાડા ‘સ્વપ્ન’, ‘ઉમિયા દર્પણ’ના તંત્રીશ્રી રતિલાલ પટેલનું દીપક શેઠિયા ‘ચિંતન’, છઠ્ઠીબારી મહિલા મંડળના પ્રમુખ પુષ્પાબેન વૈદ્યનું સરોજચંદ્ર ગોર ‘સરોજ’, ઝવેરીલાલ સોનેજીનું ગૌતમ જોશીએ સન્માન કર્યું હતું. ‘વ્રજગજકંધ’ નો પરિચય આપતા ગૌતમ જોશીએ કહ્યું હતું કે, તેમની નિશ્રામાં જે કવિતા પાંગરી છે, તે આજે વટ્વૃક્ષ બની છે, તેમણે વિતેલા સમયના તેમના સ્મરણોને યાદ કર્યાં હતાં. સન્માન પત્રનું વાચન લાલજી મેવાડાએ કર્યું હતું. અને મંચસ્થ મહાનુભાવોના હસ્તે શાલ અને પુષ્પ સાથે કવિ ‘વ્રજ ગજકંધ’ને સન્માન પત્ર અર્પણ કરાયું હતું. વરિષ્ઠ નાગરીકોની સંસ્થા સાંધ્યદીપ વતી ચંદ્રવદન ધોળકિયાએ, ઉમાદર્પણ વતી રતિલાલ પટેલ, રમેશ પટેલ ઉપરાંત શિવજીભાઈ મોઢ, રસીક મામતોરા, વંચિત કુકમાવાલા, દીપક ચૌહાણ ‘બેબશ’, દીપક શેઠિયા અને ‘કચ્છી સાહિત્ય કલા સંઘ’ (નખત્રણા) વતી નારાયણ જોશી ‘કારાયલ’, બ્રહ્મક્ષત્રિય યુવા મંડળ તેમ જ વરિષ્ઠ પત્રકાર કીર્તિભાઈ ખત્રી દ્વારા કવિ ‘વ્રજગજકંધ’ માટેના શુભેચ્છા સંદેશનું વાચન કરવામાં આવ્યું હતું. ‘વ્રજગજકંધ’નું તેમના પરિવાર વતી પણ વિશેષ સન્માન કરાયું હતું. લાલ રાંભિયા, મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’, જગદીશ ગોર ‘શરમાળ’, અને મહેશ સોલંકી ‘બેનામ’ એ શુભેચ્છા સંદેશા પાઠવ્યા હતા.
તેમના સર્જન ‘સબધ સન’ પર ભાવક મુલ્યાંકન કરતાં સંજય ઠાકરે વિશદ છણાવટ કરી હતી, અને કહ્યું હતું કે, ‘વ્રજગજકંધ’નું આ પુસ્તક અભ્યાસ નિબંધની રીતે કચ્છીભાષાનું પ્રથમ પુસ્તક છે અને આવા પુસ્તકો કચ્છી સાહિત્યના ઘરેણા છે. ઓનલાઈન શુભેચ્છા પાઠવતા મુંબઈથી ડો. વિસન નાગડાએ કચ્છીભાષામાં ‘વ્રજગજકંધ’ના પ્રદાનને ગોવર્ધન પર્વત જેવું ગણાવ્યું હતું અને કચ્છી ભાષા-સાહિત્યના વિકાસને સાથે મળીને આગળ વધારવાની આશા વ્યક્ત કરી હતી. અમદાવાદથી રવિ પેથાણી ‘તિમિર’એ તેમના બહોળા સાહિત્ય પ્રદાનને વંદન કર્યાં હતા. ગોવાથી જગદીશભાઈ ગોરીએ શુભેચ્છા પાઠવી હતી. નારાયણ જોશી ‘કારાયલ’એ ‘વ્રજગજકંધ’ની ગઝલ, છંદ પરની હથરૉટીને કાબીલે દાદ ગણાવી હતી. જ્યારે કીશોર શાહએ જણાવ્યું હતું કે આજે બે વ્યક્તિનું સન્માન થઈ રહ્યું છે. એક બૂઝર્ગ સાહિત્યકારનું અને બીજું મા શારદાનું. એટલા માટે કે, ગજકંધસાહેબે પોતાના સર્જનમાં મને ‘કોઇક લખાવે છે’ એમ કહ્યું છે ત્યારે અહીં આજે બે વ્યક્તિનું સન્માન થઈ રહ્યું છે, એ સાબિત થાય છે. જયંતી જોશી ‘શબાબ’ એ ‘વ્રજગજકંધ’નું અભિવાદન કરતા તેમના પુસ્તક ‘મંધીયાણી’ વિશે વિશદ ચર્ચા કરી હતી. અને તેમને ‘મશાલચી એ ઇન્કલાબ’ જેવા ગણાવ્યાં હતા. ‘વ્રજગજકંધ’ના વ્યક્તિત્વના વિવિધ પાસાઓ ઉપર પ્રકાશ પાડતા તેમણે એક સારા કાર્ટુનિસ્ટ, બી.વ્રજ, ‘યાજ્ઞેય’, ‘અધા’. સારા પાકશાસ્ત્રી, કાષ્ઠશિલ્પી, રંગકર્મી, વાર્તાકાર, વિવેચક, કચ્છી લિપિના નિર્માતા જેવા વિશેષણોથી તેમને સન્માન્યા હતા. ‘મંધીયાણી’ કાવ્ય સંગ્રહ પર વિશદ શાસ્ત્રીય છણાવટ કરી હતી. કીર્તિભાઈ ખત્રીએ કચ્છી ભાષાના કેટલાક સાહિત્યનું ગુજરાતીમાં અનુવાદ થાય તેવી આશા વ્યક્ત કરી હતી. અધ્યક્ષ સ્થાનેથી કાન્તિભાઈ ગોર ‘કારણ’એ જણાવ્યું હતું કે, આ જ્ઞાનનું સન્માન છે, અવસ્થાનું નહીં. મંડળને કેટલાક ઉપયોગી સૂચનો બાદ તેમણે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. બહોળા સર્જક-ભાવકોની હાજરી વચ્ચે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કૃષ્ણકાન્ત ભાટિયા ‘કાન્ત’એ ‘વ્રજગજકંધ’ના કાવ્યોની પંક્તિઓને ટાંકીને રોચક બનાવ્યું હતું. જ્યારે આભારવિધિ દીપક શેઠિયા ‘ચિંતન’એ કરી હતી.