ભાજપ દ્વારા કાશ્મીરમાં કલમ ૩૭૦ નો અમલ, રાષ્ટ્દ્રોહના કાનૂનને કડક બનાવવાની જાહેરાત, ખેડૂતો માટે સબસીડી, કિસાન ક્રેડીટ કાર્ડ અને વ્યાપારીઓ માટે પેન્શન સહિતની યોજનાઓ વિશે પણ જાહેરાતો
૧૭ મી લોકસભા બેઠકનો ચૂંટણી જંગ હવે ધીરે ધીરે પરાકાષ્ટા ભણી આગળ ધપી રહ્યો છે. ત્યારે ભાજપ વતી પ્રચારઝુંબેશ આક્રમક બની રહી છે. મોરબી કચ્છ લોકસભા બેઠક માં ગઈ ચૂંટણીમાં ૨ લાખ ૫૫ હજાર મતોથી વિજેતા બનેલા ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા ફરી આ વખતે પણ મેદાનમાં છે. પોતાની સ્વચ્છ ઇમેજ અને મત વિસ્તાર તરફ સતત જાગૃતિના કારણે પ્રચાર દરમ્યાન વિનોદ ચાવડાને કચ્છ,મોરબી અને માળીયા વિસ્તારના લોકો દ્વારા ઉમળકા ભર્યો પ્રતિસાદ મળી રહ્યો છે. તો, ભાજપ દ્વારા પણ લોકસંપર્ક માટે અગ્રગણ્ય આગેવાનો અને કર્મઠ કાર્યકરોની ટીમ પણ મેદાનમાં છે. કેન્દ્ર સરકારના રાજયમંત્રી મનસુખભાઇ માંડવીયા અને ગુજરાતના રાજયમંત્રી વાસણભાઇ આહીર સાથે મોરબી,માળીયા વિસ્તારમાં ઉમેદવાર વિનોદ ચાવડાએ વ્યાપક પ્રમાણમાં લોકસંપર્ક કર્યો હતો. લોકો સાથેના સીધા સંવાદમાં મનસુખભાઇ માંડવીયાએ ગુજરાતના સપૂત નરેન્દ્રભાઈ મોદીને મજબૂત ઈરાદા વાળા વડાપ્રધાન ગણાવી ફરી એકવાર ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્રભાઇને દેશનું સુકાન સોંપવા હાકલ કરી હતી. એરસ્ટ્રાઈક દ્વારા આતંકવાદીઓનો સફાયો કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇરાદાઓ સામે કોંગ્રેસ જે રીતે શંકા કરે છે તેની આકરી ઝાટકણી કાઢી હતી. કાશ્મીરમાં કલમ ૩૭૦નો અમલ અને રાષ્ટ્રદ્રોહના આકરા કાયદાને અમલમાં લાવવા માટે ભાજપ મક્કમ હોવાનું મનસુખભાઇ અને વાસણભાઈએ જણાવ્યું હતું. તો, આર્થિક નબળી પરિસ્થિતિ ધરાવતા યુવાનો માટે શિક્ષણ અને સરકારી નોકરીઓમાં અપાયેલ ૧૦ ટકા અનામતનો અમલ શરૂ થઈ ગયો હોવાનું , ખેડૂતો માટે વર્તમાન સબસીડી, દેવામાફી, ઉપરાંત હવે કિસાન ક્રેડીટ કાર્ડ અને વ્યાપારીઓ માટે પેન્શન સહિતની આગામી યોજનાઓ માટે પણ ભાજપ સરકારનું આયોજન હોવાનું મનસુખભાઇ માંડવીયા અને વાસણભાઇ આહીર દ્વારા જણાવાયું હતું.
ગુજરાતના સપૂત નરેન્દ્ર મોદીની રાષ્ટ્રવાદી વિચારધારા સાથેની મજબૂત સરકાર રચવા હાકલ
પોતાની પાંચ વર્ષની કામગીરીનો હિસાબ આપતા વર્તમાન સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ કેન્દ્રની એનડીએ સરકારે દેશના વિકાસ અને જનકલ્યાણ માટે ૧૨૯ યોજનાઓને સફળતાપૂર્વક અમલમાં મૂકી છે. અમે લોકો સુધી કેન્દ્ર સરકારની યોજનાઓ પહોંચાડવા ‘નવી ઉર્જા- નવી ગતિ’ નો રાહ પકડ્યો છે. કોંગ્રેસનો રસ્તો તોડવાનો છે, જ્યારે અમારો રસ્તો હ્ર્દયોને જોડવાનો છે. ત્યારે ફરી એકવાર દેશના વિકાસને સમર્પિત ગુજરાતના સપૂત નરેન્દ્રભાઈની રાષ્ટ્રવાદી મજબૂત સરકાર બનાવીએ. પોતે સતત લોકોની વચ્ચે રહ્યા છે અને ચૂંટાયા પછી પણ લોકોની વચ્ચે રહેશે એવી ખાત્રી વિનોદ ચાવડાએ આપી પોતાને ફરી એકવાર ચુંટી કાઢવા લોકોને અપીલ કરી હતી. મોરબી વિસ્તારના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કાર્યકર્તાઓ અને જનતા જનાર્દનને ૨૦૧૯ માં ફરીવાર ગુજરાતના સપૂત નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપની બહુમતિવાળી સરકાર બને તે માટે સંકલ્પ લેવાનું આહવાન કર્યું હતું. મોરબી માળીયા સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં કરાયેલા આ લોકસંપર્ક કાર્યક્રમમા ઉપરોક્ત આગેવાનો સાથે ભાજપના સ્થાનિક આગેવાનો, જિલ્લા, તાલુકાના સંગઠનના વિવિધ હોદ્દેદારો, બુથ કમિટીના સદસ્યો, સ્થાનિક કાર્યકરો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. પ્રચાર પ્રસાર દરમ્યાન લોકોનો ઉમળકા ભર્યો પ્રતિસાદ અને જન સમર્થન મળ્યું હોવાનો દાવો કરાયો હતો.