૨૦૧૯ની આ લોકસભા ચૂંટણીએ ભારત સાથે ગુજરાત અને કચ્છમાં પણ સસ્પેન્સ સર્જ્યું હતું કચ્છ ભાજપમાં ચાલતા આંતરકલહ, અનુસૂચિત જાતિના આંતરિક જાતિવાદ અને અબડાસામાં ભાજપના બે પૂર્વ ધારાસભ્યોની ગેરહાજરી વચ્ચે વિનોદ ચાવડા સામે કચ્છ ભાજપનો ગઢ હોવા છતાંયે જીતનો પડકાર સર્જાયો હતો વળી, મોરબી કચ્છ એ લોકસભા ક્ષેત્રમાં ૭ વિધાનસભા બેઠકો પૈકી ત્રણ ધારાસભ્ય તો કોંગ્રેસના હોઈ વિનોદ ચાવડા માટે કચ્છની સીટ ભાજપના પક્ષે જાળવી રાખવાનો પડકાર ધાર્યા કરતાં કપરો હતો પણ, વિનોદ ચાવડાએ ભાજપની એક નવી યુવા ટીમ સાથે કચ્છ ભાજપના વરિષ્ઠ નેતાઓના સહયોગથી સ્ટ્રેટેજી બનાવીને મોરબી કચ્છ લોકસભા બેઠક ઉપર ફરી ભગવો લહેરાવ્યો એટલું જ નહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કચ્છી પ્રજા વતી એ સંદેશો આપ્યો કે, કચ્છ પણ આપની સાથે છે વિનોદ ચાવડાની આ જીત એટલે પણ મહત્વની છે કે, આ વખતે ભાજપ સંગઠન નહીં પણ ઉમેદવાર એકલો ચૂંટણી લડતો હોય તેવો માહોલ હતો પણ, ૨૦૧૯ની કચ્છ મોરબી લોકસભા બેઠકનો ચૂંટણી જંગ હોય કે પછી ચૂંટણીના પરિણામની વાત હોય ન્યૂઝ4કચ્છ એ આપ સૌ વાંચકો સુધી સ્પષ્ટ અને તટસ્થ સમાચારો આપવાનો નમ્ર પ્રયાસ કર્યો છે તેમજ ચૂંટણી પરિણામો દરમ્યાન છેક છેલ્લે સુધીની આંકડાકીય માહિતી આપી છે, જે બદલ દેશ વિદેશના હજારો વાચકોએ ન્યૂઝ4કચ્છની ટીમને અભિનંદન પણ આપ્યા છે.
મતગણતરીની શરૂઆત સાથે જ દરેક વિધાનસભા ક્ષેત્રમા વિનોદ ચાવડાના રોલર તળે કોંગ્રેસ કચડાઈ, જાણો વિશેષ
મોરબી કચ્છ લોકસભા બેઠકમાં સાત વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે ૨૩ મી એપ્રિલે કચ્છમાં ચૂંટણી પુરી થઈ અને એક મહિના પછી ૨૩ મી મે મતગણતરી હતી આ એક મહિનાની ઇન્તેજારી દરમ્યાન એક્ઝીટ પોલ પણ ચર્ચામાં રહ્યા જોકે, વિનોદ ચાવડા બેઠક જાળવી રાખશે એવું તો ભાજપના તેમના વિરોધીઓ પણ માનતા હતા પણ વિનોદ ચાવડા આટલી જંગી બહુમતી મેળવશે એવી કોઈને કલ્પના પણ નહોતી ઇવીએમની મતગણતરી પૂર્ણ થયા બાદ સાંજે કચ્છના વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાયેલા લોકસભા ચૂંટણીના પરિણામોના આકડાઓએ વિનોદ ચાવડાથી નારાજ એવા ભાજપના નેતાઓને ભુજની એન્જીનયરિંગ કોલેજના મતગણતરી કેન્દ્ર સુધી દોડતા કરી દીધા હતા દરેક વિધાનસભા બેઠક દીઠ પાંચ વીવીપેટની મતગણતરી અને ૮૯૦૦ જેટલા પોસ્ટલ બેલેટ પેપરની મતગણતરી બાકી હોઈ છેલ્લે સુધીના આકડાઓમાં કદાચ થોડો ફેરફાર થઈ શકે છે આજે ઇવીએમ ખુલ્યા તે સાથેજ ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરી ઉપર હાવી રહ્યા એક પણ વખત કોંગ્રેસ આગળ નીકળી શકી નહીં એટલે સુધી કે, ખાવડા બન્ની પંથકમાં જ્યાં કોંગ્રેસે ગત વખતે ૨૯ હજાર મતની લીડ મેળવી હતી ત્યાં ભાજપે ૫૫૦૦ મતની સરસાઈ મેળવી તો ભુજના લઘુમતી વિસ્તારોમાં પણ કોંગ્રેસની બહુમતી ખૂબજ પાતળી માંડ માંડ ત્રણ આંકડામાં હતી આમ, વિનોદ ચાવડાનું વિજયી રોડ રોલર એવું ફર્યું કે, અબડાસા લખપતમાં જ્યાં કોંગ્રેસ જીતી હતી ત્યાં ભાજપના બે પૂર્વ ધારાસભ્યોની ગેરહાજરી વચ્ચે વરિષ્ઠ આગેવાન તારાચંદભાઈ છેડાએ મોરચો સંભાળ્યો અને ભાજપનો ૨૭,૭૦૩ મતની સરસાઈ મળી એજ રીતે રાપરમાં કોંગ્રેસ જીતી હોવા છતાંયે ભાજપે ૨૮,૨૬૫ મતોની સરસાઈ મેળવી, તો મોરબીમાં પણ વિધાનસભામાં કોંગ્રેસ જીતી હોવા છતાંયે ભાજપે અહીં ૪૬,૪૫૩ મતની સરસાઈ મેળવી હવે જોઈએ આંકડાકીય વિશ્લેષણ
મોદીની જેમ વિનોદ ચાવડાએ પણ સર્જ્યો ઇતિહાસ..,નોટાને પણ મળ્યા વિક્રમી મત,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જે રીતે ભાજપે ફરી એકલે હાથે બહુમત મેળવીને જેમ દેશમાં રાજકીય ઇતિહાસ સર્જ્યો તેમ કચ્છમાં પણ વિનોદ ચાવડાએ સતત બીજી વખત પોતાનો જ રેકર્ડ તોડીને ત્રણ લાખ જેટલા મતથી વિજય મેળવ્યો એ વિજય પણ કચ્છના રાજકીય રીતે ઐતિહાસિક છે આંકડાકીય રીતે વાત કરીએ તો આ વખતે કુલ ૫૮.૨૨ ટકા મતદાન થયું જેમાં ૧૦ લાખ ૧૫ હજાર ૧૯૯ મતદારોએ મતદાન કર્યું હતું આ તમામ મતોની મત ગણતરી પૂર્ણ થઈ ગઈ છે, જોકે, સૌથી તમામ ૮ અપક્ષ ઉમેદવારોની ડિપોઝીટ ડુલ થઈ ગઈ છે જ્યારે નોટામાં ૧૮,૨૫૭ મત પડ્યા હતા, જે અપક્ષ ઉમેદવારોને મળેલા મત કરતા પણ વધુ છે જે કદાચ કચ્છ બેઠકમાં એક વિક્રમ છે જેમાં વિનોદ ચાવડાને ૬,૨૭,૬૩૪ મત મળ્યા, જયારે કોંગ્રેસના નરેશ મહેશ્વરીને ૩,૨૭,૦૬૩ મત મળ્યા આમ, ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા ૩ લાખ ૫૭૧ મતથી જીતી ગયા હવે વિધાનસભા ક્ષેત્ર દીઠ જીતના આંકડા જાણીએ
(૧) અબડાસા- વિનોદ ચાવડા ૭૭,૨૨૬ મત, નરેશ મહેશ્વરી ૪૯,૯૧૯ મત, ★ વિનોદ ચાવડાને ૨૭,૩૦૭ મતની લીડ
(૨) માંડવી- વિનોદ ચાવડા ૯૩,૪૧૪ મત, નરેશ મહેશ્વરી ૫૨,૧૯૮ મત, ★ વિનોદ ચાવડાને ૪૧,૨૧૬ મતની લીડ
(૩) ભુજ- વિનોદ ચાવડા ૯૮,૭૦૪ મત, નરેશ મહેશ્વરી ૪૯,૧૪૫ મત ★ વિનોદ ચાવડા ૪૯,૧૪૫ મતથી આગળ
(૪) અંજાર- વિનોદ ચાવડા ૯૬,૦૮૪ મત, નરેશ મહેશ્વરી ૪૦,૯૭૪ મત ★ વિનોદ ચાવડા ૫૫,૧૧૦ મતથી આગળ
(૫) ગાંધીધામ- વિનોદ ચાવડા ૯૬,૦૮૪ મત, નરેશ મહેશ્વરી ૪૫,૯૨૩ મત ★ વિનોદ ચાવડા ૫૨,૬૭૧ મતથી આગળ
(૬) અંજાર- વિનોદ ચાવડા ૬૧,૩૧૩ મત, નરેશ મહેશ્વરી ૩૩,૧૦૮ મત ★ વિનોદ ચાવડા ૨૮,૨૬૫ મતથી આગળ
(૭) મોરબી- વિનોદ ચાવડા ૧,૦૨,૨૪૯ મત, નરેશ મહેશ્વરી ૫૫,૭૯૬ મત ★ વિનોદ ચાવડા ૪૬,૪૫૩ મતથી આગળ
ફરી એકવાર કચ્છ કોંગ્રેસ માટે ઘરના બન્યા ઘાતકી
કચ્છ કોંગ્રેસ માટે આ હાર આઘાતજનક નથી હા, આ વાત સાચી છે અનેક પત્રકારોને કચ્છ કોંગ્રેસના અનેક નેતાઓએ જાહેર તેમજ ખાનગીમાં એવી વાત કરી હતી કે, આ વખતે ઉમેદવાર નરેશ મહેશ્વરી ભલે સ્થાનિક છે, પણ અમારા માટે જીત કપરી છે આ વાત સાથેજ તેમનો એવો ઈશારો પણ હતો કે, કોંગ્રેસ માટે ભાજપના જુથવાદનો લાભ લેવો મુશ્કેલ છે, તેનું કારણ કચ્છ કોંગ્રેસના ‘અમુક’ નેતાઓ ભલે સાથેને સાથે દેખાતા હોય પણ તેઓ કોંગ્રેસની સાથે નથી ખેર, એ વાત અલગ છે કે, હવે કચ્છ કોંગ્રેસ પોતાની હારનું વિશ્લેષણ કરે તો, કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોથી માંડીને મીડીયાના કોઓરડીનેશન સુધી કચ્છ કોંગ્રેસમાં કચાશ વરતાઈ.