ભૂકંપ પછી ઔદ્યોગિક વિકાસને કારણે ગામડાઓમાં ઉદ્યોગો આવતાં કચ્છના ગ્રામીણ ક્ષેત્રે સરપંચ પદનું મહત્વ વધ્યું છે અને ભ્રષ્ટાચારની ફરિયાદો પણ વધી છે ત્યારે એસીબી દ્વારા કેરા ગામના સરપંચને લાંચ માંગી હોવાની ફરિયાદ મળતા તેમની સામે લાંચ માંગી હોવાની ફરિયાદ દાખલ કરી છે આ ઘટનાને પગલે પટેલ ચોવીસી સહિત કચ્છના ગ્રામીણ રાજકારણમાં હલચલ મચી ગઇ છે એસીબી પીઆઇ એમ.ડી.ઝાલાએ લાંચની રકમ ૮૦ હજાર રૂપિયા માંગી હોવાની ફરિયાદ કેરા ગામના સરપંચ દિનેશ હરજી મહેશ્વરી સામે દાખલ કરતા કેરા ગામમાં પણ ખળભળાટ મચી ગયો હતો એસીબીના જણાવ્યાનુસાર રહેણાંકના મકાનને તોડીને ત્યાં દુકાનો બનાવવાની મંજુરી આપવા માટે સરપંચ દિનેશ હરજી મહેશ્વરીએ ૮૦ હજાર રૂપિયા લાંચ પેટે માંગતા અરજદારે એસીબીને ફરિયાદ કરી હતી. એસીબી દ્વારા સરપંચ દિનેશ મહેશ્વરી વિરુદ્ધ જાહેરસેવક તરીકે હોદ્દાનો દુરુપયોગ કરવાનો અને ભ્રષ્ટાચાર અંગેનો ગુનો નોંધાયો છે. આ કેસની વધુ તપાસ એસીબી પીઆઇ એ.એ.પંડ્યાને સોંપાઈ છે. લાંચ અંગેના સફળ દરોડાની કામગીરી બોર્ડર રેન્જ એસીબીના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના માર્ગદર્શન નીચે હાથ ધરાઈ હતી.