
સામાન્ય રીતે દારૂ, જુગાર, પેટ્રોલ, ડીઝલ ચોરીના કિસ્સાઓ પકડતી એલસીબી પોલીસ આ વખતે રેતી ચોરી કરનારા ખનીજ માફિયાઓ ઉપર ત્રાટકી હતી પશ્ચિમ કચ્છ એલસીબી પોલીસે અબડાસા તાલુકામાં ગેરકાયદેસર રેતી ઉપાડીને વેંચી નાખનારા ખનીજ માફિયાઓને પકડીને ખાણ ખનીજ વિભાગને ઊંઘતું ઝડપી લીધું છે ઈન્ચાર્જ પોલીસ ઈન્સેપેકટર એમ.બી.ઔસુરા અને એલસીબી. સ્ટાફને પેટ્રોલીંગ દરમ્યાન ખાનગી રાહે ચોકકસ બાતમી મળેલ કે, કોઠારા ગામથી વાંકુ તરફ જતા મેઇન રોડ પર આગળ જતા નર્સરીની બાજુમાંથી જતા કાચા રસ્તાની દક્ષીણે આવેલ નદીમાં અમુક ઇસમો ગેરકાયદેસર રીતે ખનીજનું ખોદકામ કરી રેતીની હેરાફેરી કરે છે, જેથી પંચો સાથે બાતમી હકીકત વાળી જગ્યાએ રેડ કરતાં અમુક ઇસમો લોડર મારફતે હાઇવા (ડમ્પર) માં રેતી ભરેલા જોવામાં આવતા ડમ્પરમાં ગેરકાયદે લીઝ તથા રોયલ્ટી વગર રેતી ચોરી કરતાં રેતીના જથ્થા તથા સાધનો (વાહનો) પકડી પાડેલ છે. (૧) દાનસંગજી વંકાજી રાઠોડ, રહે.નાના વાલ્કા, તા.નખત્રાણા વાળાના કબ્જાના હાઇવા (ડમ્પર) નં. GJ-12 BW-8708 માં ર૫ ટન રેતી કી.રૂ.૬,૨૫૦/-, તથા હાઇવા (ડમ્પર), કિ.રૂા.૧૫,૦૦,૦૦૦/- (ર) કનુભા દાનસંગજી જાડેજા, રહે.જુનાચાર, તા.લખપત, વાળાના કબ્જા માંથી રજી. નંંબર વગરનુું ડમ્પર (હાઇવા) માં ૪૪ ટન રેતી કી.રૂ.૧૧,૦૦૦/-, તથા હાઇવા (ડમ્પર), કિ.રૂા.૧૫,૦૦,૦૦૦/- (૩) પૃથ્વીરાજસિંહ શેરસિંહ સોઢા, રહે.મોટી છેર, તા.લખપત વાળાના કબ્જામાંથી આઇવા (ડમ્પર) રજી નં.GJ-12-BW-8562, જેની કિ.રૂા.૧૫,૦૦,૦૦૦/- (૪) અબ્દુલસકુર હારૂન હાલેપૌત્રા, રહે.રાયધણજર તા.અબડાસાવાળાના કબ્જામાંથી રેતી ભરવા માટેનું લોડર જેની કિ.રૂા.૩,૦૦,૦૦૦/- સહિત આ રેઈડ દરમ્યાન રેતી ટન ૬૯, કી.રૂ.૧૭,૨૫૦/- તથા ત્રણ આઇવા (ડમ્પર) કિ.રૂ.૪૫,૦૦,૦૦૦/-, તથા રેતી ભરવા માટે ઉપયોગમાં લીધેલ લોડર કી.રૂ.૩,૦૦,૦૦૦/- એમ કુલ્લે રૂ.૪૮,૧૭,૨૫૦/- નો મુદામાલ સી.આર.પી.સી. કલમ-૧૦ર મુજબ કબ્જે કરેલ છે તથા આગળની કાર્યવાહી થવા જખૌ પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલ છે.
અત્યારે રાપર, અંજાર અને મુન્દ્રામાં ચાલતી ખનીજ ચોરી રાજકીય વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર
કચ્છમાં ખનીજ ચોરી એ નવી વાત નથી. મોટી સિમેન્ટ કંપનીઓ અને રાજકીય ઓથ ધરાવતા ખનીજ માફિયાઓ હમેંશા ચર્ચામાં રહ્યા છે. કચ્છની ખાણ ખનીજ કચેરી ભ્રષ્ટાચાર માં લિપ્ત રહેતી હોઈ ક્યારેક કયારેક પોતાની હાજરી પુરાવવા માટે ચેકીંગ કે દરોડા પાડે છે જોકે, આઈજી કચેરી દ્વારા ખનીજ માફિયાઓ સામે હેલ્પ લાઈન શરૂ કરાઇ હતી પણ, ખનીજ ચોરીના કિસ્સાઓમાં પોલીસની કાર્યવાહી પછી પણ અંકુશ આવ્યો નથી રાજકીય વર્તુળો અને લોકોમાં ચર્ચાતી વાત માનીએ તો કચ્છમાં થઈ રહેલા ખનીજ ચોરી પાછળ રાજકીય ઓથ વધુ જવાબદાર છે.