અત્યારે રાપર વિસ્તાર માટે જીવાદોરી સમાન સાબિત થઈ રહેલી નર્મદા યોજના ખેડૂતો અને પશુપાલકો માટે મહત્ત્વની છે પરંતુ આ કેનાલનું કામ ‘જાણે ઉતાવળે આંબા પકાવવા’ હોય તે રીતે કરાયું છે જયારથી કચ્છમાં નર્મદા કેનાલનું કામ શરૂ થયું ત્યારથી તેમાં ગાબડા પડી રહ્યા છે ગમે ત્યાં ગમે ત્યારે નર્મદા કેનાલમાં ભંગાણ પડવાના બનાવ વધી રહ્યા છે સૌ પ્રથમ જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી આનંદી બેન પટેલ ઉદ્ધાટન કરે તે પહેલાં બનાસકાંઠા અને કચ્છની વચ્ચેના રણમા બનાવવામાં આવેલા સાયફનમાં લીકેજ થયું એટલે તે સમયે ઉદ્ધાટન પાછુ ઠેલાયુ જોકે, ઉદ્ધાટન બાદ પણ અવારનવાર નર્મદા કેનાલમાં ગાબડા પડી રહ્યા છે હજી ગઈ કાલે રાપર ભચાઉ વચ્ચે આવેલા ભરુડીયા પાસે મુખ્ય કેનાલમાં મોટુ ગાબડું પડયું હતું અને લાખો લીટર પાણીનો વેડફાટ થયો તેમજ ખેતરોમાં પાણી ભરાયા હતા આ ગાબડાના રિપેરીંગ માટે એકાદ મહિનો લાગી જશે.
સામાન્ય વરસાદમાં માયનોર કેનાલ ધોવાઈ
મુખ્ય કેનાલમાં ગાબડાના રીપેરીંગના સમાચારોની ચર્ચા વચ્ચે રાપરના ગાગોદર ગામથી થોરીયારી તરફ જતી માયનોર કેનાલમાં સામાન્ય વરસાદમાં ગાબડુ પડ્યું છે હજી તો આ માયનોર કેનાલમાં નર્મદાનું પાણી છોડવામાં આવે તે પહેલાં જ આ કેનાલ ગોરાસર તળાવ પાસે અનેક જગ્યાએ તુટી પડી છે નર્મદા કેનાલ અને તેમાં પડી રહેલા ભ્રષ્ટાચારના ગાબડા સતત ચર્ચા, ચકચાર સાથે બાંધકામની નબળી ગુણવત્તા સામે અનેક સવાલો સર્જે છે કડવી વાસ્તવિકતા એ છે કે, જો નાના ગામો એ જતી માયનોર કેનાલમાં ભંગાણ પડે, ગાબડા પડે અને તુટી જાય તો સમજવું શું ? અહીં સવાલ નર્મદા કેનાલના ગાબડાના કારણે ધોવાઈ જતા ખેતર, લોકોની જાન માલની સલામતી અને વેડફાતા લાખો લીટર પાણી સામે છે હવે કેન્દ્ર અને રાજ્ય સરકાર જ્યારે જળ સંરક્ષણ માટે ઝુંબેશ ચલાવી રહી છે, ગુજરાત સરકાર પાણી ચોરી સામે કડક કાયદો લાવી છે ત્યારે સિંચાઈના પાણીની કેનાલમાં ગાબડા પડે અને પાણી વેડફાય તેવી પરિસ્થિતિ સર્જનાર નબળું બાંધકામ કરનાર કોન્ટ્રાકટર અને તે કેનાલના બાંધકામ સમયે સુપરવિઝન કરનાર સરકારી અધિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ.