Home Current જીએચસીએલને કચ્છના સોડા એશ ગ્રીનફીલ્ડ પ્લાન્ટ માટે પર્યાવરણીય મંજૂરી !

જીએચસીએલને કચ્છના સોડા એશ ગ્રીનફીલ્ડ પ્લાન્ટ માટે પર્યાવરણીય મંજૂરી !

1580
SHARE
લાંબા સમયથી કંપની સામે સ્થાનીક ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે તે વચ્ચે કેમિકલ કંપની જીએચસીએલને ગુજરાતના કચ્છમાં આવેલા તેના સોડા એશ ગ્રીનફીલ્ડ પ્રોજેક્ટ માટે કેન્દ્રીય પર્યાવરણ, વન અને ક્લાઇમેટ ચેન્જ મંત્રાલય પાસેથી પર્યાવરણીય મંજૂરી મળી.

અમદાવાદ, 13 ડિસેમ્બર,
ભારતની અગ્રણી કેમિકલ કંપની જીએચસીએલને ગુજરાતના કચ્છમાં આવેલા તેના સોડા એશ ગ્રીનફીલ્ડ પ્રોજેક્ટ માટે કેન્દ્રીય પર્યાવરણ,વન અને ક્લાઇમેટ ચેન્જ મંત્રાલય પાસેથી પર્યાવરણીય મંજૂરી મળી ગઈ છે.12 ડિસેમ્બર, 2024ના રોજ આપવામાં આવેલી આ પર્યાવરણીય મંજૂરી કંપનીને રૂ. 6,500 કરોડના ખર્ચે આગામી 6 વર્ષમાં 1.1 MMTPAનો સોડા એશ પ્લાન્ટ સ્થાપવાની કામગીરી શરૂ કરવામાં મદદરૂપ થશે.આ સોડા એશના નવા પ્લાન્ટને મળેલી મંજૂરી ગ્રીન એનર્જી અને આત્મનિર્ભરતાના ભારતના વિઝનને હાંસલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવૉટની ગ્રીન એનર્જીની ક્ષમતા સ્થાપવાનો ઉદ્દેશ્ય ધરાવતા ભારતમાં સોડા એશની માંગ 7.0 MTPA રહે તેવો અંદાજ છે. હાલમાં ભારત 3.6 MTPA સોડા એશનું ઉત્પાદન કરે છે, જે સોડા એશના ઉત્પાદનની વૈશ્વિક ક્ષમતાના ફક્ત 6% છે. જીએચસીએલ હાલમાં ભારતમાં સોડા એશની બીજી સૌથી મોટી ઉત્પાદનકર્તા કંપની છે અને તે લગભગ ચાર દાયકાથી હાજરી ધરાવે છે. આ આગામી ગ્રીનફીલ્ડ પ્રોજેક્ટ તેની ઉત્પાદન ક્ષમતાને લગભગ બમણી કરી દેશે. ગ્રીનફીલ્ડમાં આ આગામી પ્લાન્ટ ગ્રીન ઊર્જા સંસાધનોના ઉપયોગની શક્યતા ચકાસીને કાર્બન ન્યુટ્રાલિટી પર ધ્યાન કેન્દ્રીત કરવાની સાથે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ હશે. આ પ્લાન્ટ સીએસઆર અને સસ્ટેનેબિલિટીની પહેલ દ્વારા આસપાસ વસતા સમુદાયોને સમર્થન પૂરું પાડી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી પેદા કરશે. તે લોજિસ્ટિક્સ અને પેકેજિંગ મટીરિયલના સેગમેન્ટમાં માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (એમએસએમઈ)ની સ્થાપનાને પ્રોત્સાહન આપશે, સ્થાનિક સમુદાયોની સમૃદ્ધિ વધે અને તેમનું આર્થિક ઉત્થાન થાય તેની ખાતરી કરશે તથા સ્થાનિકોના વિકાસની સુવિધા પૂરી પાડશે.તેવુ કંપનીની એક યાદીમાં જણાવાયુ છે.

સ્થાનીકે 20 ગામનો ભારે વિરોધ
જીએચસીએલે કચ્છના સોડા એશ ગ્રીનફીલ્ડ પ્લાન્ટ સ્થાપવા માટે કરેલા પ્રયત્નો બાદ સ્થાનીક ગ્રામજનો દ્રારા તેનો ભારે વિરોધ થઇ રહ્યો છે અગાઉ પણ 20 જેટલા ગામના લોકોએ કંપની આવવાથી પર્યાવરણ સાથે ખેતી-પશુપાલન, પ્રવાસન સહિતની સમસ્યા ઉપસ્થિત થશે તેવી દહેસત સાથે વિરોધ કર્યો હતો. જો કે લાંબા સમયથી આ વિરોધ શાંત હતો પરંતુ તાજેતરમાં ફરી 20 ગામના લોકોએ કંપની સામે ગામમાં તથા રેલી સ્વરૂપે તંત્રને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો સાથે સ્થાનીક ચુંટાયેલા પ્રતિનીધીઓ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. ગ્રામજનોએ વિવિધ મુદ્દાઓ સાથે આસપાસના 20 ગામના લોકો તથા ત્યાના આગેવાનો સાથે રેલી યોજી કંપની આવવાથી નુકશાન સંદર્ભે લેખીત માંગણીઓ કરી હતી જો કે હવે કંપનીને પર્યાવરણીય મંજૂરી મળી જતા પ્લાન્ટ સ્થાપવા માટેનો માર્ગ મોકળો બન્યો છે. જો કે ગ્રામજનો આ મામલે કાયદાકીય લડત કરવા પણ તૈયાર છે. તેવામાં આગામી દિવસોમાં હવે સ્થાનીક ગ્રામજનો શુ કરે છે તે જોવુ મહત્વનુ રહેશે