આર્ચીયન કંપની સાથે મીઠાના ટ્રાન્સપોર્ટેશન બાબતે થયેલા વિવાદમાં કંપનીની ટ્રકોમાં કરાયેલી તોડફોડ સંદર્ભે અબડાસાના કોંગ્રેસી ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાના પુત્ર અર્જુનસિંહ જાડેજા સહિત કુલ ૨૨ સામે પોલીસ ફરિયાદ કરાઇ હતી. આ સંદર્ભે આજે નખત્રાણા પોલીસમાં અર્જુનસિંહ પ્રદ્યુમ્નસિંહ જાડેજા સહિત કુલ ૧૨ આરોપીઓ સામેથી હાજર થયા હતા તપાસનીશ પોલીસ અધિકારી પીએસઆઇ જી.કે. ભરવાડે આરોપીઓની ધરપકડ કરી કોર્ટ કાર્યવાહી હાથ ધરી હતી આર્ચીયન કંપનીની ૬ ટ્રકોમાં તોડફોડ કરાઈ હતી.
આર્ચીયન કંપની વતી રોહિત શંકરલાલ જોશીએ નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી. ગઈકાલે મધરાતે નખત્રાણા પોલિસે દાખલ કરેલ ગુના રજીસ્ટર નંબર ૬૫/૧૯ મુજબ કુલ ૧૨ જણાના નામ જોગ અને અન્ય ૧૦ અજાણ્યાઓ એમ કુલ ૨૨ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પીએસઆઇ જી.કે. ભરવાડે નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં મુખ્ય આરોપી તરીકે ફરિયાદ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાના પુત્ર (૧) અર્જુનસિંહ પ્રદ્યુમ્નસિંહ જાડેજા (મોટી વિરાણી), ઉપરાંત (૨) વનરાજસિંહ જાડેજા (ખોંભડી), (૩) દિલુભા સોઢા (નખત્રાણા), (૪) વિરલસિંહ (નખત્રાણા), (૫) ભાવેશ બાવાજી (નખત્રાણા), (૬) બાબુભાઇ ભાદાણી (નખત્રાણા), (૭) હિમતસિંહ (દેશલપર), (૮) હીરાલાલ ગરવા (દેવીસર), (૯) હિતેશ ગઢવી (મોરજર), (૧૦) અલી સમા (મથલ), (૧૧) ઈદ્રિશ હાજી જુસબ (લુણા, ભુજ), (૧૨) રમજાન સાટી (નખત્રાણા) તેમજ અન્ય ૧૦ અજાણ્યા શખ્સોએ ગેરકાયદે મંડળી રચીને આર્ચીયન કંપનીની ૬ ટ્રકો ઉપર લાકડીઓ વડે પ્રહાર કરીને કાંચની તોડફોડ કરી નુકસાન પહોચાડ્યું તે ઉપરાંત ટ્રકો ભટકાડીને પણ નુકસાન પહોચાડ્યું હોવાનું જણાવ્યું હતું.
આ આખોયે મામલો પશ્ચિમ કચ્છ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને આર્ચીયન કંપની વચ્ચે મીઠાના ટ્રાન્સપોર્ટેશન વચ્ચેનો છે ખુદ કંપનીએ પોલીસ ફરિયાદમાં આ હકીકત લખાવી છે તે મુજબ કંપનીની ૬ ટ્રકો દ્વારા મીઠાનું પરિવહન કરાતાં પશ્ચિમ કચ્છ ટ્રક એસોસીએશનને એ ડર લાગ્યો હશે કે હવે તેમની ટ્રકોને ધંધો નહીં મળે અત્યારે અર્જુનસિંહ પ્રદ્યુમ્નસિંહ જાડેજા પશ્ચિમ કચ્છ ટ્રક એસોસિએશન ના પ્રમુખ છે. જોકે, ચર્ચાતી હકીકતો મુજબ પશ્ચિમ કચ્છમાં ટ્રક ટ્રાન્સપોર્ટ હોય કે અન્ય કોન્ટ્રાકટ હોય ઔદ્યોગિક એકમો સામે ધાકધમકી, રાજકીય દબાણની ચર્ચા હમેંશા ચર્ચામાં રહી છે. જોકે, લાખો રૂપિયાના ફાયદાવાળા કોન્ટ્રાક્ટના આ મોનોપોલીના ધંધામાં કચ્છના તમામ રાજકીય પક્ષોના મોટા નેતાઓ અને તેમના પુત્રો લોકોમાં તેમજ મીડિયામાં ચર્ચામાં રહ્યા છે.