Home Social માતાના મઢમાં રાજવી પરંપરા અનુસાર પતરી વિધિ સંપન્ન – આશાપુરા માતાજીએ આપ્યો...

માતાના મઢમાં રાજવી પરંપરા અનુસાર પતરી વિધિ સંપન્ન – આશાપુરા માતાજીએ આપ્યો કચ્છના સારા ભવિષ્યનો સંકેત

1939
SHARE
માતાના મઢ મધ્યે કચ્છની ચારસો વર્ષની રાજવી પરંપરા અનુસાર ચામરયાત્રા અને પતરીવિધિ ગઈકાલે રવિવારે સંપન્ન થઈ હતી. શનિવારે મોડી રાત્રે હવનવિધિ દરમ્યાન માતાના મઢ જાગીરના અધ્યક્ષ રાજાબાવા યોગેન્દ્રસિંહજીએ હવનમાં બીડું હોમ્યું હતું. આ પ્રસંગે હજારો માઇભક્તોના ‘આશાપુરા માત કી જય’ ના જયઘોષ સાથે મંદિર સંકુલ ગાજી ઉઠ્યું હતું. જ્યારે ગઈકાલે આઠમના રવિવારે સવારે માતાના મઢમાં રાજવી પરિવાર દ્વારા થતી ધાર્મિક પૂજા વિધિ અનુસાર કચ્છના રાજવી પરિવાર વતી દેવપર ઠાકોર કૃતાર્થસિંહે ચાચરા કુંડમાં સ્નાન કર્યા બાદ ચાચરા ભવાની મંદિરે બ્રાહ્મણો દ્વારા કરાયેલી પૂજાવિધિમાં ભાગ લીધો હતો. પછી ચાચરા કુંડથી દેવપર ઠાકોર કૃતાર્થસિંહ ખુલ્લા પગે મા આશાપુરા ના મંદિરે ચામરયાત્રા સાથે નીકળ્યા હતા. વાજતેગાજતે નીકળેલી આ ચામરયાત્રામાં જાડેજા ભાયાતો મોટી સંખ્યામાં જોડાયા હતા. મા આશાપુરાના નિજ મંદિરની અંદર કૃતાર્થસિંહજીએ પાલવ ફેલાવીને આર્શીવાદ માંગ્યા હતા, જે દરમ્યાન ઢોલ ડાકલાના નાદે પૂજારી પરિવાર દ્વારા માતાજીની આરતી કરાઈ હતી. આ આરતી દરમ્યાન રાજવી પરિવાર વતી કચ્છ અને કચ્છની પ્રજા ઉપર માતાજીની મહેર ઉતરે તેવી પ્રાર્થના કરવામાં આવે છે. આ પ્રાર્થના અને પૂજા વિધિ દરમ્યાન માતાજીની મૂર્તિ ઉપર પતરી (વનસ્પતિ) આર્શીવાદ રૂપે રાજવી પરિવારના સભ્ય દ્વારા ફેલાવેલી ઝોળીમાં પડે તો તેને અતિ શુભ સંકેત સાથે માતાજીના આર્શીવાદ મનાય છે. આ વર્ષે માતાજીએ ઠાકોર કૃતાર્થસિંહ ઉપર માત્ર ૨૧ સેકન્ડ માંજ પતરીના આર્શીવાદ વરસાવીને કચ્છના સારા ભવિષ્યનો સંકેત આપ્યો છે. આ પરંપરાગત પતરી વિધિ છે. જે પૂર્ણ થયા બાદ રાજવી પરિવાર દ્વારા મંદિરના અધ્યક્ષ રાજાબાવાની શુભેચ્છા મુલાકાત લઈને આર્શીવાદ મેળવાય છે. ત્યારબાદ મંદિરના અધ્યક્ષ રાજાબાવા માતાના મઢ મધ્યે આવેલ રાજવી પરિવારના ઉતારાની મુલાકાત લઈને સૌની મંગલકામના માટેની શુભેચ્છાઓ પાઠવે છે.
તસવીર વિડિયો સૌજન્ય મનોજ ઠકકર (ફોટો મેજિક,ભુજ)

પતરી વિધિનો વિડિયો જોવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો