કચ્છમાં અવારનવાર ઇન્ટરનેશનલ એર સેવા શરૂ કરવાની વિદેશ રહેતા કચ્છી માડુઓની લાગણી હવે ટૂંક સમયમાં જ સાકાર થશે. જોકે, આ સેવા શરૂ કરવાનો શ્રેય અદાણી ગ્રુપને ફાળે જશે. ગુજરાતમાં અમદાવાદ પછી મુન્દ્રા બીજું ઇન્ટરનેશનલ એરપોર્ટ બનશે. જાણીતા અંગ્રેજી બિઝનેસ દૈનિક મની કન્ટ્રોલમાં છપાયેલા એક અહેવાલ અનુસાર મુન્દ્રા ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રાઇવેટ લિમિટેડને કેન્દ્ર સરકારના પર્યાવરણ વિભાગ દ્વારા ચોક્કસ શરતોને આધીન ક્લિયરન્સ મળી ગયું છે. હવે મુન્દ્રા ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ MIAPL દ્વારા સેફટી અને ઉડ્ડયનના નિયમોના પાલન, સુવિધા માટે DGCA ડાયરેકટર જનરલ સિવિલ એવિયેશન અને AAOI એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને અરજી કરી છે. જોકે, મુન્દ્રા એરપોર્ટ આગામી બે વર્ષ દરમ્યાન ૨૦૨૧-૨૨ સુધી કામ કરતું થઈ જશે. એટલે બે વર્ષ પછી મુંબઈ, દિલ્હી, ચેન્નાઇ, બેંગલુરુ સહિત દેશના અન્ય મોટા શહેરો સાથે મુન્દ્રા હવાઈ સેવા દ્વારા જોડાઈ જશે. એ જ રીતે ઇન્ટરનેશનલ હવાઈ સેવાના કારણે મસ્ક્ત, દુબઈ, આફ્રિકા, અમેરિકા, લંડન, ચાઈના, ઓસ્ટ્રેલિયા સહિત જેવા જે દેશો નો પોર્ટ સેકટર સાથે વ્યાપાર હશે તે દેશો પણ મુન્દ્રા સાથે હવાઈ સેવા દ્વારા જોડાશે. જોકે, અત્યારે ક્યાં ક્યાં હવાઈસેવા શરૂ થશે તે વિશે કોઈ માહિતી નથી અપાઈ પણ દેશ વિદેશના શહેરો સાથે કચ્છ હવાઈસેવા દ્વારા જોડાઈ શકશે. કચ્છમાં હવે ભુજ, કંડલા પછી મુન્દ્રા હવે ત્રીજું એરપોર્ટ બનશે. જોકે, દેશમાં સૌ પ્રથમ ખાનગી બંદર, ખાનગી રેલવે લાઇન શરૂ કરનાર અદાણી ગ્રુપ દ્વારા સૌ પ્રથમ ખાનગી એરપોર્ટ પણ શરૂ કરીને ભારતીય વાહન વ્યવહારના ઇતિહાસમાં ક્રાંતિ સર્જી છે.
જાણો હાઇફાઈ મોટા પ્લેન ઉતરી શકે તેવા આ એરપોર્ટ માટે કેટલા રૂપિયા ખર્ચાશે? અને કયારે શરૂ થશે વિમાનીસેવા?
MIAPL મુન્દ્રા ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ એ અદાણી પોર્ટ અને મુન્દ્રા સેઝ દ્વારા શરૂ કરાયેલ કંપની છે. મુન્દ્રાની દરિયાઈ પટ્ટીથી છેક લુણી ગામ સુધી ૫૨૨ હેકટર (૧૩૦૦ એકર) જમીનમાં ૧૪૦૦ કરોડ રૂપિયાને ખર્ચે આ એરપોર્ટ બનશે. આ એરપોર્ટ એટલું વિશાળ હશે કે જ્યાં બોઇંગ 747 અને એરબસ A 350 જેવા વિશ્વના જમ્બો ગણાતાં પેસેન્જર પ્લેન ઉતરી શકશે. જોકે, મુન્દ્રા એરપોર્ટ એ કાર્ગો માટે પણ પ્રથમ કક્ષાનું એરપોર્ટ બનશે. એટલે મુન્દ્રાથી દેશ વિદેશમાં પ્લેન દ્વારા માલ સામાન મોકલી શકાશે. અદાણી ગ્રુપ લોજીસ્ટિક સેક્ટરમાં પોર્ટ, રેલ અને કાર્ગો પ્લેન સેવાને પગલે નંબર વન બનશે, જે પાણી દ્વારા, જમીન દ્વારા અને હવાઈ ક્ષેત્ર દ્વારા માલ સમાનનું પરિવહન કરતું હોય. અદાણી ગ્રુપનું ધ્યાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ઉપર હોઈ આ હવાઈ સેવાના કારણે દેશ વિદેશના ઉદ્યોગકારો મુન્દ્રા પોર્ટ સરળતાથી પહોંચી શકશે.
અદાણી ગ્રુપે તેમની સામે વિવાદ સર્જતાં પર્યાવરણના વિરોધના તમામ અવરોધોને પાર કર્યા
અદાણી ગ્રુપ અને વિવાદ એ બન્ને કચ્છમાં હંમેશા ચર્ચામાં રહ્યા છે. અદાણી પોર્ટ સામે ચેરીયાના નાશ કરવાના, અદાણી સેઝ સામે ગૌચર જમીન, જંગલ વિભાગની જમીન લેવાના આક્ષેપો, અદાણી દ્વારા બનતી રેલવે લાઇન સમયે ખેડૂતોના ખેતરમાં બળજબરી ઘુસી રેલવે ટ્રેક નાખવાના આક્ષેપો, અદાણી પાવર સામે દરિયામાં પ્રદુષિત પાણી છોડવાના આક્ષેપો અને અદાણી દ્વારા બની રહેલ એરપોર્ટ સામે પગડીયા માછીમારોનો રસ્તો બંધ કરવાના આક્ષેપો થયા. પર્યાવરણવાદીઓ દ્વારા અદાણી ગ્રુપ સામે ખેતી, પશુપાલન, માછીમારી જેવા પરંપરાગત ઉદ્યોગોને નુકસાન કરવાના આક્ષેપો થયા. પર્યાવરણ અંગેના અમુક કેસો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા તેમ જ ચુકાદાઓ પણ કાયદાવિદો માં ચર્ચામાં રહ્યા. ચૂંટણી સમયે રાજકીય પક્ષો દ્વારા પણ અદાણી ગ્રુપ સામે આક્ષેપો થયા. જોકે, અદાણી ગ્રુપ દરેક પડકારને પહોંચીને આગળ વધી રહ્યું છે. અત્યારે વર્તમાન સમયમાં દેશના ઉદ્યોગ જગતમાં અદાણીનો સિતારો સૂર્યની જેમ ચમકી રહ્યો છે.