Home Social હેલ્થ ટીપ્સ- દર ૧૧ વ્યક્તિઓમાંથી ૧ ને છે ડાયાબીટીસ, જાણો ડાયાબીટીસથી બચવાના...

હેલ્થ ટીપ્સ- દર ૧૧ વ્યક્તિઓમાંથી ૧ ને છે ડાયાબીટીસ, જાણો ડાયાબીટીસથી બચવાના સાવ સહેલા, સરળ ઉપાય

934
SHARE
હા એ સાચી જ વાત છે કે જીવન હંમેશા મધુરતા થી ભરપૂર હોવું જોઈએ અને એ જ સુખ ની ચાવી છે, પરંતુ શરીર માં જ્યારે મધુરતા વધી જાય ત્યારે એ દુખો નું મૂળ બની જાય છે. આપણો આજનો વિષય પણ એવા રોગ ની ચર્ચા કરવાનો છે કે જેનાથી વિશ્વ નાં ૪૨ કરોડ ૨૦ લાખ (વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ના ૨૦૧૪ નાં સર્વેક્ષણ અનુસાર) જેટલા લોકો પીડાય છે. આ રોગ છે “ડાયાબિટીસ” અથવા તો આપણે જેને સાદી ભાષા માં “મધુપ્રમેહ” તરીકે ઓળખીએ છીએ તે. આપણો દેશ આ રોગ ધરાવતા લોકો ની સંખ્યા માં વિશ્વ માં પ્રથમ ક્રમે છે જે ખુબ ચિંતાજનક બાબત છે. ભારત માં ૭ કરોડ જેટલા લોકો આ રોગ નો શિકાર છે જેમાં સ્ત્રીઓ ની સંખ્યા પણ ઘણી વધુ છે. ડાયાબીટીસ ના મુખ્ય બે પ્રકાર છે. ટાઈપ ૧ અને ટાઈપ ૨. એમાં ટાઈપ ૨ ને ડાયાબીટીસ મેલાઇટસ પણ કહેવાય છે અને વિશ્વ ના ૯૫% જેટલા ડાયાબીટીસ ના દર્દીઓ ટાઈપ ૨ ડાયાબીટીસ થી પીડાય છે. ડાયાબીટીસ સામે જાગૃતિ અર્થે ૧૪ મી નવેમ્બરનો દિવસ ‘વિશ્વ ડાયાબીટીસ ડે’ તરીકે ઉજવાય છે. કચ્છમાં પણ ડાયાબીટીસ ના દર્દીઓની સંખ્યા ચિંતાજનક છે, ત્યારે આ રોગ અને તેનાથી બચવાના સરળ ઉપાય વિશે આપણે કચ્છના જાણીતા આયુર્વેદિક તબીબ ડો. આલાપ અંતાણી પાસેથી માહિતી મેળવીશું.
* ડાયાબીટીસથી કિડની, બ્લડ પ્રેસર, ન્યુરો પ્રોબ્લેમ, હૃદયરોગ થઈ શકે છે…
ડાયાબિટીસ માં શરીર ની અંદર લોહી માં જરૂરી પ્રમાણ કરતા “સુગર (શર્કરા)” વધી જાય છે. ખરેખર તો શર્કરા એ આપણા શરીર નાં એક એક કોષ ને કાર્ય કરવા માટે જરૂરી ઉર્જા નો સ્ત્રોત છે. પરંતુ આ શર્કરા લોહી માંથી સીધે સીધી કોષો સુધી પહોચી શકતી નથી. તેને કોષ ની અંદર પ્રવેશ કરાવવા માટે ઇન્સ્યુલીન નામની ચાવી ની જરૂર પડેછે. આ ઇન્સ્યુલીન પેન્ક્રીયાઝ (સ્વાદુપિંડ) દ્વારા ઉત્પન્ન થાયછે. ડાયાબિટીસ માં આ સ્વાદુપિંડ માંથી ઇન્સ્યુલીન બનવાનું બંધ થઇ જાયછે અથવા અપૂરતા પ્રમાણ માં બને છે જેના કારણે જરૂરી માત્રા માં આ શર્કરા લોહી માંથી કોષો સુધી પહોચી શકતી નથી અને લોહી માં શર્કરા નો જમાવડો વધતો જાયછે જેને આપણે “મધુપ્રમેહ” તરીકે ઓળખીએ છીએ. લોહી માં સંગ્રહિત આ વધારા ની શર્કરા શરીર નાં વિવિધ અંગો ને નુકશાન પહોચાડી શકેછે (યાદ રાખીએ કે વધુ પડતી મીઠી બોલી પણ આપણને સાંભળવી નથી ગમતી તો લોહી માં વધુ પડતી મીઠાસ આપણા અંગો કેમ સહન કરી શકે!!). ખાસ કરીને કીડની, આંખ અને ચેતાતંત્ર ને સહુથી વધુ નુકશાન થવાની શક્યતા રહેછે. બીજી તરફ કોષો ને શર્કારારૂપી ઇંધણ પૂરતું ન મળતા શરીર ની કાર્યક્ષમતા ઘટતી જાયછે. આથી જ આ જરૂરીયાત પૂર્ણ કરવા ડાયાબિટીસ નાં દર્દીઓ ને ભૂખ વધુ લાગે છે અને અશક્તિ જેવા લક્ષણો જણાય છે. આ ઉપરાંત અત્યધિક મૂત્રપ્રવૃત્તિ, વધુ પડતી તરસ લાગવી, ભૂખ સહન ન થવી,પગ નાં તળિયે બળતરા થવી કે ખાલી ચડી જવી, ઘાવ માં જલ્દી રુજ ન આવે, મોઢું સુકાઈ જવું, ચામડી માં ખંજવાળ થવી જેવા લક્ષણો પણ સામાન્યત ડાયાબીટીસ ના દર્દીઓ માં જોવા મળેછે. જો આ શર્કરા અત્યંત વધી જાય તો એ મૂત્ર દ્વારા પણ શરીર ની બહાર નીકળે છે.
એક સમયે “રાજરોગ” કહેવાતો મધુપ્રમેહ આજે સર્વસામાન્ય રોગો માં સમાવિષ્ટ છે. આજથી થોડા જ દશકાઓ પહેલા રાજાશાહી જમાના માં રાજપરિવાર જ એવો હતો કે જેમનાં માટે સર્વ પ્રકાર ની સુવિધાઓ ઉપલબ્ધ હતી જેને કારણે એમને ખાસ કોઈ શારીરિક કામ કરવાના રહેતા નહિ, અને એ સ્થૂળ શરીર માં ધીરે ધીરે આ રોગ દેખા દેતો. આજના સમય માં દરેક મનુષ્ય “એ” રાજા જેવો છે. મુસાફરી હોય કે પછી કોઈ ખરીદી, સફાઈ હોય કે પછી રસોઈ – દરેક કામ સુખ સુવિધાઓ થી ભરપૂર છે. અરે કેટલાક ઘરો માં તો આવા કામોI માટે પણ “કામવાળા” છે. અહી આપણે આધુનિકતા નો વિરોધ નહિ કરીએ પણ એ વ્યવસ્થાઓ આપના શરીર ને નુકશાન તો નથી કરી રહીને એ તો સમજવું જ પડશે. કારણકે ડાયાબિટીસ થવાના મુખ્ય કારણો માં આનુવાંશિક કારણો ની સાથે સાથે સ્થૂળતા અને નિયમિત વ્યાયામ નો અભાવ મુખ્ય છે. આ બંને માટે “બેઠાડું જીવન” જવાબદાર છે.
* ડાયાબીટીસ થી બચવાના આ રહ્યા સરળ ઉપાયો…
નિયમિત રીતે વ્યાયામ, ચાલવા કે દોડવા જવું, યોગાસનો, પ્રાણાયામ કે પછી કોઈપણ મનગમતી શારીરિક રમત ને નિયમિત રીતે રમતા રહેવાની આદત આપણ ને ફક્ત મધુપ્રમેહ જ નહીં પણ અન્ય કેટલાય રોગો થી બચાવી શકેછે. આપણે સહુ ભુજવાસીઓ ને રવિવાર કે રજાઓ ના દિવસો માં હમીરસર તળાવ ની પાળ “હાઉસફૂલ” કરવી ગમેછે પરંતુ એ જ હમીરસર ની આસપાસ બનેલા વોકવે પર સવાર ના ભાગ માં નિયમિત રીતે ચાલવા આવતા લોકો ની સંખ્યા એનાથી ૫ ટકા જેટલી પણ નથી હોતી !! નિયમિત વ્યાયામ પ્રત્યે ની “આળસ” ને કારણે સ્થૂળતા વધે છે અને જે આગળ જતાં પાચનપ્રક્રિયા ને પણ નુકશાન કરે છે. પરિણામે ડાયાબીટીસ જેવા રોગો માથું ઊંચકે છે. જેમને ડાયાબીટીસ છે એવા લોકો એ પણ લોહી માં રહેલી શર્કરા ને બાળવા માટે નિયમિત વ્યાયામ કરવો જ પડે. જો શારીરિક પરિશ્રમ દ્વારા શક્તિ નહીં વપરાય તો વધૂ ને વધુ શર્કરા લોહી માં જમા થતી રહેશે.
યોગ્ય ખોરાક નું સેવન મધુપ્રમેહ સામે લડવાનું સહુથી મહત્વ નું સાધન છે. એ માટે આયુર્વેદ માં મધુપ્રમેહ ના દર્દીઓ માટે જણાવેલ આહારસેવન અત્યંત ઉપયોગી બનેછે. આ યાદી માં જવ, ચણા, લીલા શાકભાજી અને તેમાં પણ ખાસ કરીને કડવા શાકભાજી, મેથી, હળદર, જાંબુ, આમળા, દૂધી, તુરીયા, કારેલાં નો ઉપયોગ અગ્રિમ સ્થાને છે. આ બધા પદાર્થો માં શર્કરા નું પ્રમાણ ઓછું અથવા નહિવત હોયછે અને ઉપરાંત શરીર ને જરૂરી શક્તિ પણ પૂરી પાડેછે. આથી વિપરીત મેદાવાળી, આથાવાળી વાનગીઓ, મિષ્ટાન્ન, દૂધ તથા દૂધ ની વાનગીઓ, ખાંડ, સાકર, બ્રેડ, બિસ્કિટ વગેરે બેકરી પ્રોડક્ટ માં શર્કરા નું પ્રમાણ ઘણું વધારે હોવાથી એનો ઉપયોગ ટાળવો જોઈએ. ઘર ના રસોડે બનતી પૌષ્ટિક રસોઈ માં હડતાળ કરીને દર રવિવારે હોટેલ ના ભોજન થી જો તમે ‘ટેવાઇ’ ગયા છો તો યાદ રાખજો કે ભવિષ્ય માં ડાયાબીટીસ જેવા રોગો થી પણ તમારે ‘ટેવાઇ’ જવું પડશે.
ડાયાબીટીસ એક એવી “પ્રસિદ્ધ” બીમારી છે કે જેને થઈ છે કે નથી થઈ, પણ એના વિષેની અમુક સામાન્ય માહિતીઓ થી આપણે સહુ પરિચિત જ હોઈએ છીએ અને તેમ છતાં પણ આપણા દેશ માં દર ૧૧ વ્યક્તિ એ એક વ્યક્તિ આ રોગ થી પીડાય છે, અને અન્ય અન્ય કેટલાય લોકો હજૂપણ નિદાન થી વંચિત છે. આવી પરિસ્થિતી સર્જાવા નું મુખ્ય કારણ આયુર્વેદ માં ખૂબ સુંદર રીતે દર્શાવાયું છે અને જે છે “પ્રજ્ઞાપરાધ”. કોઈપણ વસ્તુ કે આદત કે ખોરાક આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયી નથી એ જાણતા હોવા છતાં પણ આપણે એનુ અનુકરણ કરીએ એને કહેવાય પ્રજ્ઞાપરાધ. ખાસ કરીને ડાયાબીટીસ જેવા અસાધ્ય રોગ નો સામનો કરવા માટે જરૂરી ઉપરોક્ત સૂચનો ની જાણ હોવા છતાં જો આપ માત્ર ને માત્ર આળસ ના કારણે એનું અનુસરણ નથી કરી શકતા તો શરીર પર એની દૂરગામી અસરો થાય જ.