ભચાઉ પાસે મૃત હાલતમાં મળી આવેલી ૩૫ વર્ષીય યુવાનની લાશનો ભેદભરમ પોલીસે ઉકેલી લીધો છે. હત્યા કરેલી હાલતમાં મળી આવેલો આ યુવાન પાટવાડી નાકા બહાર જમાદાર ફતેહમામદના હજીરા પાસે રહેતો હોવાનું અને તેનું નામ સુલેમાન આમદ સરકી હોવાનું જાણવા મળ્યું છે. ૩૫ વર્ષીય સુલેમાન ગત તા/૧૦/૧૧ ના ગુમ થયો હોવાની ફરિયાદ તેના પરિવારજનોએ કરી હતી. જોકે, ભચાઉ પાસેથી લાશ મળી આવ્યા બાદ મૃતક સુલેમાનના ભાઈ સીદીક સરકીએ સનસનીખેજ આરોપ મૂક્યો હતો કે, પોતાના ભાઈની હત્યા ભાઈના જ સાસરિયાઓએ કરી છે. આ અંગે ભુજ એ ડિવિઝન પોલીસ દ્વારા મૃતક યુવાન સુલેમાન સરકીનો મૃતદેહ મળ્યા બાદ તેના ભાઈ સીદીક સરકીએ કરેલી ફરિયાદ અને આક્ષેપને પગલે ઝડપભેર કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ હતી. મૃતક સુલેમાનની હત્યા અંગે તેના ભાઈ સીદીકે પોતાના ભાભી સલમા સુલેમાન સરકી, ભાઈના સાસરિયાઓમાં સસરા અમિર અન્સારી, સાસુ અસના અન્સારી, સાળાઓ સોએબ અન્સારી, સમીર અન્સારી અને એક અન્ય ભૈયા નામના શખ્સ ઉપર આરોપ મૂક્યો હતો. આ અંગે સીદીક સરકીની ફરિયાદ દાખલ કરીને ભુજ એ ડિવિઝન પોલીસે હત્યાના આરોપીઓને રાઉન્ડ અપ કરવાની કામગીરી હાથ ધરી છે. સલમાનની હત્યા કર્યા બાદ તેની લાશ ભચાઉમાં ઓવરબ્રિજ નીચે ફેંકી દેવાઈ હતી. જોકે, આરોપીઓની અટકાયત અને પૂછપરછ દ્વારા પોલીસે હત્યાના કારણો તેમજ કઈ રીતે હત્યા કરાઈ તે દિશામાં તપાસ કરવાની ગતિવિધિ હાથ ધરી છે.