Home Current કચ્છમાં બરફવર્ષા – ભુજ, માતાના મઢ, ખાવડામાં બરફના કરા, ઠંડા પવન સાથે...

કચ્છમાં બરફવર્ષા – ભુજ, માતાના મઢ, ખાવડામાં બરફના કરા, ઠંડા પવન સાથે વરસાદ, જુઓ હિલ સ્ટેશન જેવી તસવીરો, વીડીયો

13338
SHARE
હવામાન વિભાગ દ્વારા કચ્છમાં ૧૪ નવેમ્બરે માવઠું થવાની આગાહી સાચી પડી છે. અરબી સમુદ્રમાં બનેલી અપર સાયકલોનીક સિસ્ટમના કારણે કચ્છમાં શિયાળે બરફ વર્ષા થતાં કચ્છનો માહોલ હિલ સ્ટેશન જેવો થઈ ગયો હતો. તેમાંયે ખાસ કરીને ખાવડાના પચ્છમ વિસ્તાર તેમજ લખપતના માતાના મઢમાં તો શ્રીનગર અને સિમલા જેવી હિમવર્ષા થઈ હતી. ખાવડા પચ્છમથી ન્યૂઝ4કચ્છના શુભેચ્છક મિત્ર મુકીમ જુસબ સમાએ મુકેલી તસવીરો જાણે એ અહેસાસ કરાવે છે કે, કચ્છ એ કાશ્મીરના ગુલમર્ગ તેમજ સિમલાના કુલુ, મનાલી જેવું લાગી રહ્યું છે. આમ તો, ભુજમાં આજે સૂર્યોદય દરમ્યાન વાદળછાયા વાતાવરણ સાથે આખુંયે આકાશ પીળાશ રંગ સાથે અલગ ભાસતું હતું. જ્યારે ગઈકાલ મોડી રાતથી રાપર, ખડીર, લખપત અને ખાવડા પચ્છમમાં માહોલ બદલાયો હતો અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ખાસ કરીને ખાવડા પચ્છમના કાળા ડુંગર પાસે આવેલા ધ્રોબાણા, ખારી અને આજુબાજુના ગામોમાં તો રીતસર બરફ વર્ષા જ થઈ હતી. ઠેર ઠેર બરફ પડતાં રમણીય દ્રશ્યો સર્જાયા હતા. જોકે, સુસવાટા મારતા પવન અને ગાજવીજ સાથેની બરફ વર્ષાને કારણે વહેતું વરસાદી પાણી લોકોને અને પશુઓને ભારે ઠંડું લાગ્યું હતું.

ભુજમાં વીજળીના કડાકા ભડાકા, લખપતમાં વીજળી પડતા એક નું મોત

ભુજ અને માધાપરમાં બપોરે ૩ વાગ્યા પછી માહોલ બદલાયો હતો. ન્યૂઝ4કચ્છને માહિતી આપતા શુભેચ્છક મિત્ર ખેતશી ગજરાના જણાવ્યા પ્રમાણે માધાપરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગની સતાવાર માહિતી મુજબ ભુજમાં સાંજે અડધો ઇંચ વરસાદ પડી ગયો હતો. જોકે, વીજળીના ડરામણા કડાકા ભડાકા ભુજમાં મોડે સુધી ચાલુ રહ્યા હતા. દરમ્યાન માતાના મઢ, લખપત, ખાવડા, રાપર, ખડીર પંથકમાં સ્થાનિક આગેવાનોના જણાવ્યા પ્રમાણે છૂટો છવાયો ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદી ઝાપટા સાથે શિયાળામાં ચોમાસાનો અહેસાસ થયો હતો. બદલાયેલા મોસમના મિજાજ સાથે વીજળી ત્રાટકતા લખપત તાલુકામાં એકનું મોત નિપજયું હોવાનું જાણવા મળે છે. જોકે, એક બાજુ કચ્છમાં હિલ સ્ટેશન જેવો માહોલ ભલે સર્જાયો હોય પણ કચ્છના ખેડૂતોને આ માવઠા અને કમોસમી વરસાદે નુકસાન પહોચાડ્યું છે.