કચ્છના મોટા રણમાં બાનીયારી (ભચાઉ) નજીક યાયાવર ક્રેન પક્ષીઓ મોટી સંખ્યામાં મૃત અને ઘાયલ અવસ્થામાં મળી આવતાં વન તંત્ર દોડતું થયું હતું. આજે બપોરે બાનીયારી ગામના સરપંચે આ અંગે વન વિભાગને જાણ કરી હતી. પૂર્વ કચ્છ વન વિભાગના ડીએફઓ પી.એ. વિહોલે આપેલી માહિતિ અનુસાર બાનીયારી પાસેના મોટા રણના વિસ્તારમાં ૫૬ જેટલા કોમન ક્રેન (કુંજ) પક્ષીઓ મૃત અવસ્થામાં જ્યારે ૧૭ કોમન ક્રેન (કુંજ) પક્ષીઓ ઘાયલ અવસ્થામાં મળી આવ્યા હતા. આ કામગીરીમાં પશુ પાલન વિભાગ પણ સાથે જોડાયું હતું. આ વિશે વધુ વાત કરતા ડીએફઓ શ્રી વિહોલે જણાવ્યું હતું કે, પ્રાથમિક દ્રષ્ટિએ આ પક્ષીઓના મોતનું અને ઇજાનું કારણ બરફના કરાનો વરસાદ છે. બરફના મોટા કરાની માર સહન ન કરી શકતા રશિયા અને સાઈબીરિયા થી દર શિયાળામાં કચ્છ આવતા આ વિન્ટર વિઝીટર યાયાવર કોમન ક્રેન (કુંજ) પક્ષીઓના મોત થયા હતા. જ્યારે અમુક પક્ષીઓ ઇજાગ્રસ્ત થયા હતા, તેમને ભચાઉ મધ્યે જીવદયા કેન્દ્રમાં સારવાર અપાઈ રહી છે. બરફ વર્ષાના કારણે મોટા રણના અન્ય વિસ્તારમાં પણ પક્ષીઓ ઇજાગ્રસ્ત થયા છે કે નહીં તે અંગે સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. ડીએફઓ શ્રી વિહોલે ગામ લોકોને પણ આ અંગે તપાસ કરીને વન વિભાગને જાણ કરવા અપીલ કરી છે.