Home Current ખેડૂતો પાસેથી ૨૧ હજાર કરોડ ઉઘરાવીને સરકારે માત્ર ૭૦૦ કરોડનું આપ્યું લોલીપોપ...

ખેડૂતો પાસેથી ૨૧ હજાર કરોડ ઉઘરાવીને સરકારે માત્ર ૭૦૦ કરોડનું આપ્યું લોલીપોપ – ભાજપને ચાબખા મારતા હાર્દિક પટેલે કચ્છ કોંગ્રેસને શું આપી સલાહ?

540
SHARE
કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા આયોજિત જનવેદના સંમેલનને ભુજ મધ્યે પ્રદેશ કોંગ્રેસના આગેવાનો હાર્દિક પટેલ અને ખુરશીદ સૈયદે સંબોધન કરતાં ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. જોકે, આ સંમેલનમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આવવાના હતા. પણ, ગુજરાત કોંગ્રેસના નવા સંગઠન માળખાની રચના સંદર્ભે તેઓ દિલ્હી ગયા હોઈ, તેમની આ કાર્યક્રમમાં ગેરહાજરી વર્તાઈ હતી. અનામત આંદોલન બાદ કોંગ્રેસમાં થોડા સમય પહેલાં જ જોડાનાર હાર્દિક પટેલે ભાજપ ઉપર ચાબખા વીંઝતા વીંઝતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત કચ્છ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને વણમાંગી સલાહ પણ આપી દીધી હતી. કચ્છમાં પાંનધ્રો જીએમડીસીની ખાણ બંધ કરવા, ભુજોડીનો ઓવરબ્રિજ ન બનતો હોવાના, કચ્છ યુનિવર્સિટીમાં કુલપતિ, રજીસ્ટ્રારની નિમણુંક નહી થવાના સ્થાનિક પ્રશ્નો સાથે હાર્દિકે વર્તમાન મંદીના કારણે હવે મોદી મોદી નું મંદી મંદી થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. તો, વધુ વરસાદને કારણે લીલો દુકાળ જાહેર ન કરવો પડે એટલે સરકાર ૭૦૦ કરોડના ખેડૂત પેકેજનું લોલીપોપ બતાવી રહી હોવાનું કહેતા હાર્દિકે આક્ષેપ કર્યો હતો કે, સરકારે ખેડૂતો પાસેથી પાક વીમાના ૨૧ હજાર કરોડ રૂપિયા ઉઘરાવી લીધા છે. પણ, ખેડૂતોને વીમાની ૧૦૦ % રકમ આપવા યોગ્ય હોવા છતાંયે વીમાના પૈસા ચૂકવાયા નથી. આ જનવેદના સંમેલનમાં કોંગ્રેસ દ્વારા પ્રજાકીય પ્રશ્નો અંગે કલેકટર સમક્ષ આવેદનપત્ર આપવાનું હોઈ હાર્દિકે આવેદનપત્ર અંગે જણાવ્યું હતું કે આપી બેસી રહેવાને બદલે પ્રજાના પ્રશ્નો માટે આંદોલન કરવાની સલાહ આપી હતી. ગાંધી અને સરદાર પટેલને ટાંકતા હાર્દિકે જણાવ્યું હતું કે, તેમણે આઝાદી માટે અંગ્રેજો સામે આવેદન આપીને બેસી રહેવાને બદલે આંદોલન કર્યું. લોકોને સાથે જોડ્યા. કચ્છમાં પણ કોંગ્રેસે પ્રજાકીય પ્રશ્નો માટે આંદોલન કરવું જોઈએ. ખુરશીદ સૈયદે મંદી, બેરોજગારી, ટ્રાફિકના ભારે દંડ સહિતના અનેક મુદ્દે સરકારને ઘેરી હતી. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના વિપક્ષીનેતા વી.કે. હુંબલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ પ્રાસંગીક પ્રવચનો કર્યા હતા. કાર્યક્રમમાં કચ્છ કોંગ્રેસના આગેવાનો આદમ ચાકી, ભચુભાઈ આરેઠીયા, જુમા રાયમા, નવલસિંહ જાડેજા, રવિન્દ્ર ત્રવાડી, ચેતન જોશી, સંજય ગાંધી, કલ્પનાબેન જોશી, સલમાબેન ગંઢ, દિપક ડાંગર, ધર્મેન્દ્ર ગોહિલ, ઘનશ્યામસિંહ ભાટી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની વ્યવસ્થા પ્રવક્તા ગની કુંભાર, અંજલિ ગોર, ધીરજ રૂપાણીએ સંભાળી હતી.