ન્યૂઝ4કચ્છ નેટવર્ક.ભુજ સચોટ બાતમીને આધારે પશ્ચિમ કચ્છ પોલીસ તથા એટીએસ તેમજ કોસ્ટગાર્ડનાં જોઈન્ટ ઓપરેશનમાં મધદરિયેથી કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો પકડી પાડયો છે સૌથી વધુ મહત્વની બાબત એ છે કે, રવિવારની રાતે હાથ ધરાયેલા આ દિલધડક ઓપરેશમાં પાંચ પાકિસ્તાની ઘૂસણખોરોને પણ તેઓ બોટમાંથી કૂદે એ પહેલા જ ઝડપી લેવામાં આવ્યા છે સમગ્ર ઓપરેશન ભારે ગુપ્તતા વચ્ચે સફળતાપૂર્વક પુરૂ થાય તે માટે પશ્ચિમ કચ્છનાં એસપી પણ જખૌ ખાતે હાજર રહ્યા હતા સુત્રોનાં જણાવ્યા પ્રમાણે, બોટમાંથી 175 કરોડથી વધુનો જથ્થો 36 પેકેટમાં હાથ લાગ્યો છે સમગ્ર ઓપરેશન આંતરરાષ્ટ્રીય જળ સીમાની નજીક હાથ ધરવામાં આવેલું હોવાથી કેસ કોણ અને કઈ જગ્યાએ દાખલ કરશે તે માટે ગુજરાત પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ વચ્ચે મહત્વની બેઠકો ચાલી રહી છે.
સીમા પારથી મળેલા ઇન્ટેલિજન્સ ઇનપુટને આધારે પશ્ચિમ કચ્છનાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ(એસઓજી) તથા ગુજરાત એટીએસ દ્વારા કચ્છનાં અરબી સમુદ્રમાં નાપાક બોટ જયારે ભારતીય સીમમાં પ્રવેશે ત્યારે ઝડપી લેવાનું ફુલપૃફ આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યવાહી દરિયામાં કરવાની હોવાથી પોલીસે આ ઓપરેશનમાં કોસ્ટગાર્ડનાં અધિકારીઓને પણ સામેલ કરવામાં આવ્યા હતા સચોટ લોકેશન મળતા જ પોલીસ અને કોસ્ટગાર્ડની ટીમ દ્વારા નાપાક બોટને ચારે બાજુથી કવર કરીને તેની ઉપર કબજો કરી લેવામાં આવ્યો હતો બોટમાંથી પાકિસ્તાનીઓ કૂદીને ભાગી ન જાય તે માટે પણ સાવચેતી રાખવામાં આવી હતી.
જોઈન્ટ ઓપરેશનનું સ્થળ મધ દરિયે હોવાને કારણે કેવી રીતે કેસ દાખલ કરવો તથા કરાંચીથી નીકળેલી આ બોટને ભારતમાં કોણ- કયાંથી ગાઈડ કરી રહ્યું હતું તેની તપાસ ચાલી રહી છે જેને લીધે આગામી દિવસોમાં કોઈ મોટો ખુલાસો થાય તેવું પણ માનવામાં આવી રહ્યું છે.