ન્યૂઝ4કચ્છ નેટવર્ક.ગાંધીધામ કચ્છનાં વહીવટી તંત્ર અને પોલીસ વિભાગને સોશિયલ મીડિયામાં બદનામ કરવાનું કાવતરું એક વર્તમાન અને એક પૂર્વ સરપંચ સહિત ચાર શખ્સને ભારે પડ્યું છે પશ્ચિમ કચ્છમાં લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે કામ ચાલી રહ્યું છે એવા ફોટાવાળા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા હતા જેને તંત્ર અને પોલીસ દ્વારા ગંભીરતાથી લઈને માનસિક રીતે વિકૃત કહી શકાય તેવા શખ્સોને કાયદાનો પાઠ ભણાવવાનું નક્કી કરીને કાયદેસરની કાર્યવાહી કરીને ગુન્હો દાખલ કર્યો છે તેમજ અન્ય લોકોની પણ આ કાવતરામાં સંડોવણી છે કે કેમ તેની પોલીસ તપાસ કરી રહી છે.
નખત્રાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRમાં ખુદ પોલીસ ઇન્સ્પેક્ટર જયદીપસિંહ રાઠોડ દ્વારા ફરિયાદ આવી હતી કે, તેમનાં મોબાઈલ ઉપર નખત્રાણા રહેતા સુરેશદાન શંભુદાન ગઢવી દ્વારા (મૂળ રહેવાસી ગામ લાખિયાવીરા) વોટ્સએપ મેસેજ કરવામાં આવ્યો હતો જેમાં તેણે કેટલાક મજૂરોના ફોટા મોકલીને એમ દાવો કરવામાં આવ્યો હતો કે લાખિયાવિરા ગામમાં કેપી એનર્જી કંપનીનાં મજૂરો લોકડાઉનમાં પણ કામ કરી રહ્યા છે મેસેજને પગલે પોલીસની ટીમ મોકલીને તપાસ કરાવી તો વાત ખોટી હોવાનું બહાર આવ્યું હતું આથી તેમણે વાયરલ કરાયેલા ફોટામાં દેખાતા શખ્સને શોધવાનું શરૂ કર્યું હતું તપાસ કરતા તે વ્યક્તિ નખત્રાણા તાલુકાનાં વિથોણ ગામનો હોવાનું બહાર આવતા વિકાસ દિનેશભાઇ જોશી નામના શખ્સને ઝડપી લીધો હતો વિકાસની પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા તેને આ કામ કરવા માટે વિથોણ ગામનાં જ પૂર્વ સરપંચ રતિલાલ પ્રેમજી ખેતાણી નામના શખ્સે મોકલ્યો હોવાનું કબુલ્યું હતું
પોલીસનાં હાથમાં આવી ગયેલા વિકાસે એમ પણ જણાવ્યું કે, તેને આ કામ પોલીસ બનીને કરવા માટે મોટા અંગીયા ગામનાં સરપંચ ઇકબાલ આદમ ઘાંચી તથા રતીલાલે જ કહ્યું હતું આથી તેણે લેબર કેમ્પમાં જઈને “પોલીસ રિપોર્ટ તૈયાર કરવાનો છે”તેવું જણાવીને મજુરોના ફોટા પાડીને વોટ્સએપથી રતીલાલને આપ્યા હતા રતીલાલે આ ફોટા ઇકબાલ ઘાંચીને શોસીયલ મીડિયા થકી શેર કર્યા હતા ઘાંચીએ આ જ ફોટા કમેન્ટ સાથે સુરેશદાન ગઢવીને મોકલી આપતા ગઢવીએ આ બધી માહિતી પોલીસ ઇન્સ્પેક્ટર જે.કે.રાઠોડ તથા નખત્રાણાનાં પ્રાંત અધિકારી એવા નાયબ કલેક્ટર રાઠોડને મોકલીને ખોટી રજુઆત કરી કે, લોકડાઉનમાં પણ કામ ચાલુ છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ પ્રકારના મેસેજને કારણે કચ્છ કલેક્ટર સહિત બોર્ડર રેન્જના આઈજી તથા એસપીએ ખૂબ જ ગંભીરતાથી લીધો હતો અને આવા માનસિક રીતે વિકૃત કહી શકાય તેવા તત્વોને ઝડપી લેવા પોલીસને હુકમ કર્યો હતો જેને પગલે નખત્રાણા પોલીસનાં ઇન્સ્પેક્ટર દ્વારા પણ મામલાની ગંભીરતા જોઈને રાતોરાત તપાસ કરી સોશિયલ મીડિયામાં કંપની તેમજ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસને બદનામ કરનારા આ તત્વોને પૈકી વિકાસને બુધવાર રાતે જ જયારે ઇકબાલ, રતિલાલ અને સુરેશને ગુરુવારે સવારે દબોચી લીધા હતા.
પોલીસે મોટા અંગીયા ગામનાં સરપંચ ઇકબાલ ઘાંચી, વિથોણ ગામનાં પૂર્વ સરપંચ રતિલાલ પ્રેમજી ખેતાણી અને વિકાસ દિનેશ જોશી તથા હાલ નખત્રાણા રહેતા સુરેશદાન શંભુદાન ગઢવી વિરુદ્ધ ઇન્ડિયન પીનલ કોડની કલમ 170 (પોલીસ હોવાની ખોટી ઓળખ ઉભી કરવી), આઈપીસીની કલમ 182 (ખોટી ફરિયાદ કરવી), કલમ 109(અન્ય લોકો ઉશ્કેરાય તેવું કૃત્ય કરવું તથા આવા ગુન્હા કરીને લોકોમાં ભય ફેલાવવા(કલમ 505(1)b) તેમજ ઇન્ડિયન ડિઝાસ્ટર એક્ટની કલમ 54(લોકોમાં આપત્તિ અંગે ભય ફેલાવવા) હેઠળ એફઆઈઆર નોંધી કાર્યવાહી આગળ હાથ ધરી હતી.
ટાવર તોડવાનો અને વાયર કાપવાનો ભેદ ઉકેલાઇ શકે છે
થોડા સમય પહેલા કચ્છમાં આ જ કે.પી. એનર્જી કંપનીનો સુખપર રોહા ગામની સીમમાં આવેલો મોટો ટાવર કાપીને તોડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ ઘટનામાં વાયર મધરાતે ભુજ-નલિયા હાઇવે ઉપર પડ્યા હતા જેમાં મોટી જાનહાનિ ટળી હતી ત્યારબાદ આ જ જગ્યાએ ફરી એકવાર કેબલ કાપી નાખવામાં આવ્યા હતા આ બંને ઘટના અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે સૂત્રોનું માનીએ તો ઝડપાયેલી આ ચંડાળ ચોકડી તથા તેમના માસ્ટર માઇન્ડનો તેમાં હાથ હોવાનું ચર્ચાઈ રહ્યું છે પોલીસ જો આ આરોપીઓનાં કોલ ડીટેઇલ્સ રેકોર્ડ(CDR) ચેક કરાવે તો ઉપરોક્ત બંને ઘટનાનું પણ પગેરું મળી શકે છે.
કાવતરા પાછળ ઇકબાલ મંધરાનું ભેજું ?
કંપની સહિત તંત્ર અને પોલીસને બદનામ કરવાનાં આ કાવતરા પાછળ અબડાસા તાલુકાનાં ઈકબાલ મંધરા નામનાં શખ્સનું ભેજુ કામ કરી રહ્યુ હોવાનો દાવો સૂત્રો કરી રહ્યા છે આ ઇકબાલ મંધરા એટલે બીજુ કોઈ નહીં પરંતુ કચ્છમાં જેનો એક સમયે દાણચોરી માટે ડંકો વાગતો હતો તેવા ઇભલા શેઠનો દીકરો મંધરાને કેપી કંપનીનાં કામનો કોન્ટ્રાકટ મળ્યો હતો પરંતુ તે કરાર પ્રમાણે નિયત સમયમાં કામ કરી શક્યો ન હતો જે તે સમયે કંપનીનું કામ કરવા માટે ઈકબાલ મંધરાએ મોટા અંગીયાના સરપંચ ઇકબાલ ઘાંચી તથા વિથોણનાં પૂર્વ સરપંચ રતિલાલ પ્રેમજી સાથે મળીને ટીમ બનાવી હતી સૂત્રોએ કરેલા દાવા પ્રમાણે, કંપની તરફથી મળેલા કરોડો રૂપિયા તેણે ઇકબાલ ઘાંચી અને રતિલાલને ન આપી તેમને કંપની વિરુદ્ધ ઉકસાવ્યા હતા અને જેને લીધે ઘાંચી તથા રતિલાલે કંપનીને તંત્ર અને પોલીસ સમક્ષ ખરાબ ચીતરવા માટે સોશિયલ મીડિયામાં લોકડાઉન ભંગના ખોટા મેસેજ સાથેના ફોટા વાયરલ કરવામાં આવ્યા હતા જેમાં અંતમાં તેઓ ખુદ ગુનાહિત કૃત્ય કરવા બદલ ઝડપાઈ ગયા હતા જેમાં મજૂરોનાં ફોટા લેવા જનાર વિકાસ રાજગોર એટલા માટે સકંજામાં આવી ગયો કે તે રતિલાલની ઓફિસમાં કામ કરતો હતો અને તેને રતિલાલે જ મોકલ્યો હતો.