જયેશ શાહ.ગાંધીધામ: ગયા મહિને વીસમી તારીખે કચ્છનાં ક્રીક એરિયામાં શેખરનપીર વિસ્તારમાંથી પશ્ચિમ કચ્છ પોલીસે ચરસના પેકેટ પકડ્યા ત્યારે તે એક સામાન્ય બોર્ડર રિલેટેડ ક્રાઇમની ઘટના હતી પરંતુ ત્યારબાદ વીસ દિવસમાં એક પછી એક છ ઘટનામાં ચરસ પકડાયું ત્યારે સુરક્ષના જાણકારો સહિત કચ્છ સ્થિત ઇન્ટેલિજન્સ એજન્સીઓ પણ ચોંકી ઉઠી હતી અને આ અંગે તપાસ ચાલુ જ છે ત્યાં ખબર પડી કે એક તરફ જયાં છેલ્લા વીસ દિવસથી કચ્છનાં ક્રીક એરિયામાં પોલીસ અને એજન્સીઓ ચરસના પેકેટ પકડી રહ્યા હતા ત્યાં બીજી તરફ પાકિસ્તાન ક્રીક એરિયામાં, ખાસ કરીને સિરક્રીકમાં એક અલાયદી નવી નેવલ બટાલિયન ઉભી કરી દીધી હતી પાકિસ્તાને 32મી ક્રીક બટાલિયનને રેઇઝ કરવાની તમામ તૈયારીઓ પુરી કરી લીધી છે હાલમાં જયાં ભારતનો કચ્છનો ક્રીક એરિયા છે ત્યાં બરાબર સામે આ બટાલિયનને ઉભી કરી દેવામાં આવી છે અત્યાર સુધી પાકના સિંધ પ્રાંતનાં બદીનથી લઈને ઝીરો પોઇન્ટ સુધી અહીં માત્ર એક, 31મી બટાલિયન જ તૈનાત હતી હવે આ જ વિસ્તારનાં બે ભાગ પાડીને ક્રીક એરિયાને નવી ઉભી કરેલી 32મી બટાલિયનને સોંપવામાં આવ્યો છે.
ઇન્ટેલિજન્સ એજન્સીના સુત્રોનાં જણાવ્યા પ્રમાણે, ગયા મે મહિનામાં જ પાક નેવલના કોસ્ટલ કમાન્ડ હેઠળ આવતા ક્રીક બ્રિગેડ અંતર્ગત આ નવા નેવલ યુનિટને ઉભું કરવામાં આવ્યું છે જેના પ્રથમ કમાન્ડિંગ ઓફિસર તરીકે તાહિર જબરાન ખાન નામનાં ઓફિસરને નિમણુંક પણ કરી દેવામાં આવ્યો છે સિંધના સુજાવલ નામનાં શહેરથી નીચે કચ્છ તરફ આવેલા જતી નામની જગ્યાએ આ નવી બટાલિયનનું હેડ ક્વાર્ટર બનાવવામાં આવ્યું છે જયાં હવે પાકિસ્તાને સૈનિકોને મોકલી પણ દીધા છે.
નવી બટાલિયન ઉપરથી ધ્યાન ભટકાવવા ચરસ ફેલાવ્યું ?
જે રીતે કચ્છનાં ક્રીક એરિયામાં છેલ્લા વીસ દિવસથી સમયાંતરે ચરસ મળી રહ્યું છે તે ભારતીય એજન્સીઓ માટે પણ એક સંશોધનનો વિષય છે બરાબર આ સમય દરમિયાન પાકિસ્તાન કચ્છની સામે આવેલા ક્રીક એરિયામાં નવું ડિફેન્સ સેટઅપ ઉભું કરી રહ્યું હતું આમ આ બંને ઘટનાક્રમમાં કયાંક ને કયાંક સંબંધ હોવાનું ડિફેન્સના જાણકારો દાવો કરી રહ્યા છે જેને કારણે હાલ તો કચ્છથી માંડીને દિલ્હીમાં રાયસીના હિલ્સ સુધીની ઓફિસમાં આ મામલે મંથન શરૂ થઈ ગયું છે પાકિસ્તાનના સહરદ ઉપરના આ નવા સાહસને પગલે ભારતે પણ કચ્છમાં તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેની ચર્ચા અહીં ટાળવામાં આવી છે.