વર્ષ 2011માં માંડવી તાલુકાના લાયજા ગામે કિંમતી જમીન આપવાના બહાને મહેશ પરષોત્તમ ઠક્કર સાથે ઠગાઇના ચકચારી કિસ્સામાં સી.આઇ.ડી ક્રાઇમમાં ફરીયાદ નોંધાયા બાદ હવે કેસમાં જેની સામે આરોપ છે. તેવા 3 વ્યક્તિની ધરપકડ માટે વોરંટ મેળવવા સી.આઇ.ડી ક્રાઇમે કોર્ટ માંથી મંજુરી મેળવી છે. ચકચારી એવા આ કિસ્સામાં માંડવી તાલુકાના લાયજા ગામે પોર્ટનો વિકાસ થવાનો છે તેવુ કહી જમીન પેટે 3 વ્યક્તિઓએ 2 કરોડ રૂપીયા લીધા બાદ જમીનના દસ્તાવેજો ન બનાવી ફરીયાદી સાથે ઠગાઇ આચરી હતી જે મામલો સી.આઇ.ડી ક્રાઇમ સુધી પહોચ્યો હતો. અને સી.આઇ.ડી ક્રાઇમમાં આ મામલે પાંચોટીયાના વિજય કરશન ગઢવી,પ્રભુ રામ ગઢવી રહે,ખાખર તથા રમેશ કાનગર ગુંસાઇ સામે 120-બી,406,409,420 સહિતની કલમો તળે ફરીયાદ નોંધાઇ હતી. જો કે ફરીયાદ નોંધાયા બાદ તેની અલગ-અલગ સ્થળોએ સી.આઇ.ડી ક્રાઇમે તપાસ કરી હતી. પરંતુ ફરીયાદમાં જેના પર આક્ષેપ છે તેવા 3 ઠગાઇ કરનાર મળી ન આવતા સી.આઇ.ડી ક્રાઇમ દ્વારા તેનુ વોરન્ટ મેળવવા કોર્ટ કાર્યવાહી કરાઇ હતી જેને મંજુરી મળતા હવે આ કેસમાં ટુંક સમયમાં આરોપીઓની ધરપકડ થાય તેવા સંકેતો મળી રહ્યા છે. તો વોરન્ટ મેળવવા સાથે ફરીયાદમાં દર્શાવાયેલા એક વ્યક્તિનુ નામ ખોટુ લખાયુ હોવાની પણ અરજ કરાઇ છે. મુળ ફરીયાદમાં દર્શાવેલા 3 નામો પૈકી વિજય ગઢવીનુ નામ શરતચુકથી લખાઇ ગયાનુ જણાવી સી.આઇ.ડી ક્રાઇમે વોરન્ટ કરશન કેશવ ગઢવીના નામનો હુકમ કરવા પણ જણાવ્યુ છે.ચકચારી એવા કિસ્સામાં આક્ષેપીતો લાંબા સમયથી પકડાતા ન હોઈ સી.આર.પી.સી 70 મુજબનુ વોરન્ટ ભુજ ચીફ કોર્ટમાંથી મેળવી CID ક્રાઇમે તપાસ તેજ કરી છે.