(ન્યૂઝ4કચ્છ) સોમવારે સવારે વલસાડ સ્ટેશને કચ્છ એક્સપ્રેસમાં પાસ હોલ્ડરો ચડી જતા કચ્છી પ્રવાસીઓ એ ચેન ખેંચીને ટ્રેન અટકાવી હતી. જોકે, સતત ૬ વખત ટ્રેન પુલીંગ કરાયા બાદ માંડ માંડ ટ્રેન ઉભી રખાઈ હતી. પાસ હોલ્ડરોના ત્રાસ થી ઊકળી ઉઠેલા પ્રવાસીઓએ ઉગ્ર વિરોધ દર્શાવીને વલસાડ સ્ટેશન માસ્ટર અને RPF પોલીસને પાસ હોલ્ડરોને તાત્કાલિક ટ્રેન માંથી ઉતારી મુકવા માંગ કરી હતી. જોકે, રેલવે પોલીસે પ્રવાસીઓને ધમકાવતા મામલો ઉગ્ર બન્યો હતો. રેલવે પોલીસે પ્રવાસીઓને વારંવાર ચેન પુલીંગ કરવા બદલ પોલીસ કેસ કરવાની ધમકી આપી હતી. પાસ હોલ્ડરો સામે પગલાં ભરવાને બદલે રેલવે પોલીસે કચ્છી પ્રવાસીઓને આપેલી ધમકી સામે સમગ્ર કચ્છી સમાજમાં આક્રોશ ફેલાયો છે.
ટ્વીટ સાંભળતા રેલવે મંત્રી પ્રવાસીઓની હેરાનગતિ માટે ચૂપ કેમ ?
રેલવે મંત્રી પિયુષ ગોયલ ટ્વીટર ઉપર કરાયેલી ફરિયાદનું તરતજ નિરાકરણ કરે છે.પણ સુપરફાસ્ટ કચ્છ એક્સપ્રેસ ટ્રેનના પ્રવાસીઓની ફરિયાદો રેલવેની તપાસમાં પણ સાચી નીકળે છતાં તેનું નિરાકરણ કેમ કરતા નથી ? દારૂ પ્રકરણ માં રેલવેની તપાસ કમિટીએ પણ કબુલ્યું કે કચ્છ એક્સપ્રેસ માં દારૂની હેરફેર થાય છે. મહિલા પ્રવાસીઓની છેડતીની પણ પોલીસ ફરિયાદ થઈ ચૂકી છે. ટ્રેનના ડબ્બાના સુરક્ષા ગાર્ડ ખરે સમયે ગુમ થઈ જાય છે.
કચ્છી સંસ્થાઓની ફરિયાદ
કચ્છ પ્રવાસી સંઘ આ મામલે સતત જાગૃત છે.અને દરેક વખતે પ્રવાસીઓની પડખે ઉભા રહીને રેલવે તંત્રનું ધ્યાન દોરે છે. કચ્છ યુવક સંઘ પણ કચ્છના રેલવે પ્રવાસીઓની મુશ્કેલીઓ અંગે ઉગ્ર રજુઆત અને વિરોધ કરે છે. કચ્છની વિવિધ સંસ્થાઓએ પણ અનેક વખત રજુઆત કરી છે.પણ,રેલવે તંત્ર દ્વારા ફરિયાદોનું નિરાકરણ કરાતું નથી.આજે વલસાડમાં પાસ હોલ્ડરો અને રેલવે પોલી ના ગેરવર્તનના કચ્છી સમાજ માં ભારે ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા છે.