અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ થયેલા આદિપુર સ્થિત કોરોનાના દર્દીને સતત ૨૪ દિવસ ઓક્સિજન ઉપર રાખી, દેહમાં ‘પ્રાણ’ પુરી ફરી હેમખેમ શ્વાસ લેતા કરી દેતા તેમને નવજીવન પ્રાપ્ત થયાનો અહેસાસ તબીબો, નર્સિંગ સ્ટાફે કરાવ્યો છે. આદિપુરના આધેડ વયના ગોવિંદભાઈ કિશનચંદ ચંદનાનીને ૨૫ દિવસ પહેલા ૧૯મી એપ્રિલના રોજ કાળમુખો કોરોના આભડી ગયો અને જોતજોતામાં પરિસ્થિતી એટલી ગંભીર બની ગઈ કે, તેઓ શ્વાસ પણ લઈ શકતા નહોતા અને લગભગ બેભાન કહી શકાય તેવી અવસ્થામાં હતા, ત્યારે તેમને જી.કે.માં દાખલ કરવામાં આવ્યા. ફરજ પરના નર્સ પ્રવીણ બ્રધરે કહ્યું કે, તબીબોએ તેમને ચકાસતા તેમનું ઓક્સિજનનું સ્તર નીચું હતું. પ્રથમ તો તેમને ઓક્સિજન સંતૃપ્ત(સેચ્યુરેટેડ) કરવાનું નક્કી કર્યું. તબીબોના આ પ્રયાસને અને દર્દીના સદનસીબે આંશિક સફળતા મળતા એ જ ઉપચાર ચાલુ રાખવાનો નિર્ણય કર્યો અને સતત ઓક્સિજન અને બાયપેપ દ્વારા જ તેમનામા જરૂરી ઓક્સિજનની પૂર્તિ થતાં હોસ્પિટલમાથી જ નહીં કોરોનામાથી પણ મુક્તિ આપવામાં આવી. ગોવિદભાઈ કિશનચંદે કહ્યું કે, ‘હું આવ્યો ત્યારે શ્વાસ લેવામાં તળી તકલીફ હતી કે, મારા ઘરના લોકોને કહી દીધું હતું કે ‘હું હવે પાછો નહીં આવું’ પરંતુ, મારી સતત સારવાર કરી અને ઓક્સિજને જ મારામાં પ્રાણ નાખ્યો છે. એટલું જ નહિ પરંતુ, ડોકટરોને કહેતો કે, ‘મને કબજિયાત જેવા રોગો પણ છે. એનીય સારવાર આપતા ખાધેપીધે અને સારવારમાં કોઈએ કમી રાખી નથી.’ લાગલગાટ ૨૫ દિવસ સુધી દરેક તબીબો અને નર્સોએ તેમની સારવાર કરી હતી અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં ઓક્સિજન અછતની સતત ફરીયાદો વચ્ચે આ કિસ્સો પ્રેરણારૂપ છે.