અબડાસા વિસ્તારના ધારાસભ્ય પદ્યુમનસિંહ જાડેજાના પુત્ર અર્જુનસિંહ સામે ફરી ખનીજ ચોરીના આક્ષેપો થયા છે.અજુનસિંહની બ્લેક ટ્રેપની કોટડા જડોદર (તા.નખત્રાણા)ની લીઝ છે, પરંતુ લીઝ બહારથી માલ ઉપાડી લાખો ટનની ચોરી કરી સરકારી તિજોરીને કરોડોનું નુકશાન કર્યાનો આક્ષેપ કરી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરાઇ છે. અરજદાર વસંત લાલજી ખેતાણીએ મુખ્યમંત્રીને પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે, ધારાસભ્ય પોતાની છબી સાદી અને સરળ બતાવે છે, જ્યારે તેમના પુત્ર સતાના જોરે બેફામ ખનિજ ચોરી કરી રહેલ છે, કોઈ જાગૃત નાગરિક તેમની વિરૂદ્ધ અવાજ ઉઠાવે છે તો સતાના જારે સામ દામ અને દંડથી દબાવી નાખે છે. તેમના પોતાના નામે મોજે ગામ કોટડા જડોદર તા.નખત્રાણામાં બ્લેકટ્રેપ ની લીઝ છે, જે લીઝ વિસ્તારથી બહારથી લાખો ટન ખનિજની કોઈપણ જાતની રોક ટોક વગર ચોરી કરી રહેલ છે, જો માપણી સીટ મુજબ લીઝની તપાસ કરવામાં આવે તો સાચું તથ્ય બહાર આવે તેમ છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ અર્જુનસિંહ પોતાની ગાડીઓ ફુલ અવરલોડ રોયલ્ટી કરતા વધારે માલ ભરીને જાય છે, ગાડીઓ પર પારા બનાવીને માલ ભરે છે જેથી અકસ્માત થવાની દહેશત છે, ગાડીઓમાં મેટલ ભરે છે એ રોડ પર પડતી જાય છે જે અવરલોડના કારણે ડામર રોડમાં પણ નુકશાન થઈ રહેલ છે જેની નખત્રાણાની આજુ બાજુમાં તપાસ કરવામાં આવે તો તથ્ય બહાર આવે તેમ છે, સાથે ગાડીઓ ૫૨ PM JADEJA લખાયેલ હોય છે જે નામની બધી ગાડીઓ એમની છે તેમના ડ્રાયવરોને જાણે બધી સતા આપવામાં આવેલ હોય એવી રીતે બેફામ ગાડીઓ ચલાવે છે. અરજીમાં જણાવાયુ છે કે અબડાસા ધારાસભ્યના પુત્ર અર્જુનસિંહ તેમજ તેમના સાગરીતો સમગ્ર પશ્ચિમ કચ્છ નખત્રાણા,લખપત અબડાસા તાલુકાને બાનમાં લઈ અનેક ખનિજ ચોરીની ગેર પ્રવૃતિઓ કરી રહેલ છે જેમાં બેન્ટોનાઈટ, બોકસાઈડ, રેતી, પથ્થર વિગેરે જેવા ખનિજની ચોરી પોતાની ગાડીઓમાં રાત્રીના સમયે કાયદો હાથમાં લઈ હેરા ફેરી કરી રહેલ છે,સાગરીતો દ્રારા મંડળી રચી આધુનિક મશીનો દ્રારા બેફામ ખનિજ ચોરી કરી રીતસ૨નું કૌંભાડ ચલાવવામાં આવી રહ્યું છે અને સ૨કા૨ને લાખો રૂપીયાનું નુકશાન પહોંચડતા હોવાના અનેકવિધ આક્ષેપો કરી,કાયદેસરની કાર્યવાહી કરવા માંગ વસંત ખેતાણીએ કરી છે.
ફરીયાદ કરનાર પર હુમલાથી ચકચાર!
આજે સવારે સોસીયલ મીડિયામાં આ સબબની અરજી વાયરલ થઇ હતી અને થોડા સમય બાદ એક સી.સી.ટી.વી સામે આવ્યો છે. જેમાં વસંત ખેતાણીની ઓફીસ સ્થિત બે અજાણ્યા બુકાનીધારી આવે છે. અને તેને લાકડી-ધોકા વડે માર મારે છે. વસંત ખેતાણી હાલ સારવાર હેઠળ છે અને સોસિયલ મીડિયામાં આ હુમલો તેમની અરજી બાદ અર્જુનસિંહ દ્રારા કરાયો હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. વસંત ખેતાણી અગાઉ આમ-આદમી પાર્ટીમાંથી ચુંટણી માટેના દાવેદાર હતા પરંતુ ચુંટણીના થોડા દિવસો પહેલા અચાનક ગુમ થયા બાદ તેમણે અન્ય રાજકીય પાર્ટીને સમર્થન જાહેર કર્યુ હતુ ભાજપના મોટા નેતા અને કચ્છમા ફરજ બજાવી ગયેલા એક અધિકારીએ આ ઓપરેશન કર્યુ હોવાની ચર્ચાએ તે સમયે જોર પકડ્યુ હતુ. જો કે નખત્રાણા પોલીસ અધિકારીઓ તપાસમાં સામેલ થયા છે. ત્યારે તપાસ બાદ ફરીયાદ અને હુમલો કરનારની ઓળખ શક્ય છે જો કે કચ્છભરમાં આ કિસ્સાએ ચકચાર સર્જી છે.
અગાઉ પણ આક્ષેપો થયા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે આ પૂર્વે પણ અર્જુનસિંહ સામે આ પ્રકારની ફરિયાદો ઉઠી હતી, જેની ખાણ ખનીજ ખાતા દ્વારા સ્થળ તપાસ કરાઇ હતી અને કોઈ ગેરરીતી જણાઇ ન હતી,પરંતુ અન્ય નાની મોટી ક્ષતિઓ જોવા મળતા દંડ પણ ફટકારવામાં આવ્યો હતો તે સમયે સોશ્યલ મીડિયા માધ્યમ દ્રારા કેટલાક તત્વો બદનામ કરતા હોવાની પોલીસ ફરિયાદ પણ અર્જુનસિંહ જાડેજા દ્વારા નોંધવવામાં આવી હતી જોકે તેનું શું પરિણામ આવ્યું તે જાણી શકાયું નથી. પરંતુ આ વખતે ફરી ફરીયાદ થઇ છે. અને ત્યાર બાદ ફરીયાદી પર હુમલો થતા અબડાસા સહિત ગાંધીનગર સુધી આ મામલાની ચર્ચા ઉઠી છે. કરછમાં છાશવારે ખનીજ ચોરીના આક્ષેપો ઉઠતા રહે છે તાજેતરમાં અબડાસામાં મોટે પાયે મીલીભગતથી ખનીજ ખનનના કિસ્સાઓ ઝડપાયા પણ છે.
પોલીસ તાત્કાલીક ધરપકડ કરે;PM
ધારાસભ્ય પુત્રને સાંકળતા કેસમાં હજુ પોલીસ ફરીયાદ નોંધાઇ નથી પરંતુ ખનીજ ચોરીના આક્ષેપ અને ત્યાર બાદના હુમલામાં ધારાસભ્ય પુત્રનુ નામ ઉછળવા અંગે જ્ચારે ધારાસભ્યને આ અંગે પુછાયુ ત્યારે તેઓએ ધટનામાં જલ્દીથી પોલીસ ગુન્હેગારને પકડે તેવી માંગ કરી હતી અને તેના પુત્રને સંડોવણી હોય તો તેની સામે પણ કાયદેસર કાર્યવાહી કરે તેવી પ્રતિક્રીયા આપી હતી અંતમાં પદ્યુમનસિંહે ગેરકાયેદસર પ્રવૃતિ કે જે ફરીયાદ તેમના પુત્ર કે પરિવાર પર થઇ રહી છે તેમાં કોઇપણ એજન્સી તપાસ કરે તેમાં તેઓ સહકાર આપશે તેવુ જણાવી સમગ્ર ધટનામાં ખનીજચોરી બંધ કરવા માટે તેઓએ કરેલી રજુઆત બાદ આવી સડયંત્ર થતા હોવાની વાત ઉમેરી હતી.
નખત્રાણા સ્થિતી ઓફીસમા હુમલો થયા બાદ હાલ ભોગ બનનાર હોસ્પિટલમા છે. અને બનાવની જાણ થતા નખત્રાણા પોલીસના અધિકારીઓ તપાસ માટે દોડી ગયા છે જેથી આ મામલે મોડેથી અથવા આવતીકાલે ફરીયાદ નોંધાય તેવી પુરી શક્યતા છે.અને ત્યાર બાદ હુમલાનુ કારણ તથા કરનાર વ્યક્તિ અંગેની વિગતો સ્પષ્ટ થશે પંરતુ હાલ તો ધારાસભ્યના પુત્રને સાંકળતા કિસ્સાને લઇને કચ્છમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી સામે સવાલો ઉઠાવતા અનેક સંદેશાઓ વહેંતા થયા છે. જો કે ધારાસભ્યએ નિષ્પક્ષ તપાસ કરવા પોલીસને અનુરોધ કર્યો છે. ત્યારે પોલીસ તપાસ પર સૌની મીટ મંડાઇ છે.