અંજારમાં થયેલી 40 લાખની લુંટમાં ઓફીસમાંજ કામ કરતા પટ્ટવાડાએ ટીપ્સ આપી હતી જેના આધારે 9 જેટલા લોકોએ સાથે મળી લુંટને અંજામ આપ્યો હતો. પોલીસે એક મહિલા,બે શગિર સહિત કુલ 7 વ્યક્તિની ધરપકડ-અટકાયત કરી રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. સીસીટીવી સહિત લુંટનો ભેદ ઉકેલવામાં મદદરૂપ થનારનુ એસપીએ સન્માન કર્યુ
અંજારની મહાવીર ડેવલોપર્સ પેઢીમાં થયેલી ૪૦ લાખની લૂંટ કેસનો ભેદ ઉકેલાઇ ગયો છે. અને પુર્વ કચ્છ પોલીસની ટીમે 7 જેટલા લોકોની અટકાયત કરી છે જેમાંથી બે બાળકો તથા એક મહિલાનો પણ સમાવેશ થાય છે. ચકચારી એવી આ લુંટ કેસમાં પ્રાથમીક તપાસમાંજ આશંકા હતી કે કોઇ જાણકારનો આમ હાથ છે અને તે સાચી ઠરી છે. ડેવલોપર્સ પેઢીમાં કામ કરતા પટ્ટાવાળાએ આપેલી ટીપ્સના આધારે સમગ્ર લૂંટને અંજામ અપાયો હોવાનુ પોલીસી તપાસમાં ખુલ્યુ છે. જેથી પટ્ટાવાળા સહિત કુલ્લ સાતની ધરપકડ કરવામાં આવી છે. જેમાં એક મહિલા અને ત્રણ કિશોરનો સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી લુંટમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે સાથે લુંટમાં ઉપયોગમાં લેવાયેલી બાઇકો પણ કબ્જે કરાઇ છે. લુંટનો આ સમગ્ર બનાવ ગુરૂવારે રાતે અંજારની મિસ્ત્રી કોલોની નજીક બન્યો હતો જેમાં મહાવીર ડેવલોપર્સના બે કર્મચારી થેલામાં રોકડા ૪૦ લાખ ભરી બેગ ગાડીમાં મુકવા જતા હતા ત્યારે બાઈક પર આવેલા ચાર શખ્સોએ ઝપાઝપી કરી ગણતરીની સેકન્ડમાં લૂંટને અંજામ આપી ફરાર થઇ ગયા હતા. અંજારના ધમધમતા વિસ્તારમાં છરીની અણીએ ૪૦ લાખની લૂંટ થતા આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ આઠ ટીમો પોલીસ દ્રારા બનાવાવમાં આવી હતી. ખુદ પુર્વ કચ્છ પોલીસવડા સ્થળ પર પહોચ્યા હતા અને સીસીટીવી તપાસમાં સહિત નાકાબંધી કરી લુંટનો ભેદતાત્કાલીક ઉકેલવા સુચન કર્યુ હતુ. જેમાં પોલીસને સફળતા મળી છે. આ અંગે શનિવારે પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારે એસપી કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજીને સમગ્ર કેસની સીલસીલાબંધ માહિતી આપી હતી.આરોપીઓ પૈકી ભુપેન્દ્ર અને ઈકબાલ અગાઉ ચોરી સહિતના ગુનામાં પોલીસ કાર્યવાહીનો સામનો કરી ચુક્યા છે.તો અન્ય આરોપીમાં એક મહિલા ત્રણ બાળકો સહિત કુલ 9 વ્યક્તિની સંડોવણી સામે આવી છે. જેમાંથી કિશોર સહિત કુલ 7 વ્યક્તિની પોલીસે અટકાયત કરી રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. આ કામગીરીમાં એલસીબી પીઆઈ એન.એન. ચુડાસમા, અંજાર પીઆઈ એસ. ડી. સીસોદીયા, તેમજ પૂર્વ કચ્છ એલસીબી, એસઓજી, બનાસકાંઠા એલસીબી, પ્રાગપર, ગઢશીશા, ભચાઉ અને અંજાર પોલીસ જોડાઈ હતી.
કઇ રીતે મળી સફળતા?
લુંટના ચકચારી બનાવ બન્યા બાદ આ ગંભીર ગુનામાં એલસીબી પીઆઈ એન.એન.ચુડાસમા અને અંજાર પીઆઈ એસ.ડી.સીસોદીયાની આગેવાનીમાં ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે જાહેર રસ્તા પર આવેલા તમામ કેમેરાના ફુટેજનું એનાલીસીસ કરવા સાથે મહાવીર ડેવલોપર્સના સ્ટાફની વારા ફરતી પુછપરછ કરી હતી જેમાં અહીં કામ કરતો કિશોર વયનો પટ્ટાવાળો શંકાસ્પદ જણાતા તેની ઉંડાણપુર્વકની પુછપરછ કરવામાં આવી હતી. જેમાં તેને લુંટનો ગુન્હો કબુલ્યો હતો.અને તેના મિત્ર તથા તેની માતાને ટીપ્સ આપ્યા બાદ તેઓએ લુંટનો પ્લાન ધડ્યો હોવાની માહિતી પોલીસને આપી હતી. અહીં કામ કરતો પટ્ટાવાળો છેલ્લા દોઢેક મહિનાથી આ જગ્યાએ નોકરી માટે લાગ્યો હતો .
પૈસાની હેરફેરથી લાલચ જાગી અને લુંટનો પ્લાન બન્યો
નવા નવા નોકરીએ લાગેલા પટ્ટાવાડાએ જ્યારે જોયુ કે અહી રોજબરોજના લાખો રૂપિયાની હેરફેર થાય છે ત્યારે લાલચમાં આવી ગયો હતો. અને તેની પડોશમાં રહેતા આરોપી મેઘપર બોરીચીની ફરઝાના ઉર્ફે મંજુ ઈમરાનખાન મલેક (ઉ.વ.૩૪)ને જાણ કરી હતી. ફરઝાનાએ તેના કિશોર વયના મિત્રને જાણ કરતા ત્રણેય જણા ભેગા મળીને લૂંટનું ષડયંત્ર રચ્યું હતું. ફરઝાનાના કિશોર વયના મિત્રએ તેના અન્ય મિત્રોને જાણ કરી લૂંટને અંજામ આપવા સ્થળ પર જવાનું નક્કી કર્યું હતું. પોલીસે આ ગુનામાં લૂંટ ચલાવનાર ગાંધીધામના એફસીઆઈ રોડ પર રહેતા ૧૯ વર્ષિય ભુપેન્દ્ર છોટેલાલ કેવર અને ખારીરોહરના ર૦ વર્ષિય હબીબ ઉર્ફે આદીલ હાજી કોરેજા તેમજ ગુનાહિત કાવતરૂં રચનાર અને ટીપ આપનાર પટ્ટાવાળો અને અન્ય કિશોર તેમજ ફરઝાના અને સ્થળ પર રેકી કરનાર અન્ય કિશોર સાથે મુદ્દામાલ છુપાવનાર વાંકીના ર૩ વર્ષિય ઈકબાલ મીઠુ બાયડની ધરપકડ કરી છે..જયારે લૂંટને અંજામ આપનાર અન્ય બે શખ્સો ભચાઉ હિંમતપુરાના ફારૂક જુમા નારેજા અને મીઠાપોર્ટ કંડલાનો મામદ બાવલા મથડા ફરાર છે.જેને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
ગુન્હો ઉકેલવામાં મદદરૂપ થનારનું સન્માન
૪૦ લાખની ચકચારી લૂંટનો ભેદ ઉકેલવામાં મદદરૂપ થનારા નાગરીક અને પોલીસ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મહાવીર ડેવલોપર્સ પેઢીમાં કામ કરતા જીગ્નેશ રમણીક દોશીએ આપેલી માહિતીના આધારે પોલીસને કડી પ્રાપ્ત થઈ હતી જયારે આ વિસ્તારમાં દવાખાનું ધરાવતા ડો.ઋત્વિક અંજારીયાએ લગાવેલા કેમેરા મદદરૂપ થયા હતા. એસપીએ બન્નેને પ્રમાણપત્ર આપી કામગીરી બિરદાવી હતી. જયારે આરોપીઓ સુધી પહોંચવામાં દિવસ -રાત એક કરનારા અંજાર પીઆઈ સીસોદીયા,એલસીબી પીઆઈ નારણ ચુડાસમા અને તેમની ટીમને પ્રમાણપત્ર ઉપરાંત રોકડા રૂા. ર૦ હજારનું ઈનામ આપી એસપીએ બિરદાવ્યા હતા. પુર્વ કચ્છ પોલીસવડાનો આ અભીગમજ પોલીસ તથા નાગરીકોનો ઉત્સાહ વધારનારો છે.
સમગ્ર મામલે ગુન્હાને અંજામ આપનાર તમામ લોકો પકડાઇ ગયા છે સાથે આ કેસમાં ગંભીર બાબત એ પણ સામે આવી છે કે ડેવલોપર દ્રારા સગીર વ્યક્તિને કામે રાખવામાં આવ્યો હતો.ત્યારે સમગ્ર મામલે સંલગ્ન વિભાગ આ દિશામાં પણ તપાસ કરી કાર્યવાહી કરે તો જાગૃતતા આવે.