Home Social ઈતિહાસ;ગુજરાતની સૌ પ્રથમ ‘એકમો’ સર્જરીથી ભુજમાં વૃધ્ધાને મળ્યુ નવજીવન !

ઈતિહાસ;ગુજરાતની સૌ પ્રથમ ‘એકમો’ સર્જરીથી ભુજમાં વૃધ્ધાને મળ્યુ નવજીવન !

972
SHARE
કે. કે. પટેલ હોસ્પિટલે મેડિકલ ક્ષેત્રે ઈતિહાસ રચી સુખપરના ૬૦ વર્ષિય મહિલાને કૃત્રિમ હૃદય-ફેફસાં સાથે સ્ટેન્ડ બેસાડી આપ્યુ નવું જીવન બે વર્ષ પહેલાં કચ્છમાં જેની કલ્પના કરવી મુશ્કેલ હતી તેવી મેડિકલ જગતની જવ્વલેજ બનતી ઘટના ભુજમાં સાકાર કરાઇ
કે. કે. પટેલ હોસ્પિટલે સુખપરના ૬૦ વર્ષિય મહિલાને કૃત્રિમ હૃદય-ફેફસાં સાથે સ્ટેન્ડ બેસાડી નવજીવન આપ્યુ છે. મેડીકલ ક્ષેત્રે આશાના કિરણ સમી આ ઘટના ગુજરાતની પ્રથમ સર્જરી છે અને તે પણ ભુજમાં થઇ છે તેથી આરોગ્ય ક્ષેત્રે સરહદી કચ્છમાં આવેલા બદલાવની સરાહના થઇ રહી છે અને સફળ સર્જરી કરનાર સૌને અભિનંદન મળી રહ્યા છે.ભુજની કે. કે. પટેલ સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલમાં ૨૧ મે ના સુખપર(જૂનાવાસ) ગામના ૬૦ વર્ષિય મહિલા કુંવરબેન ભીખાલાલ મેપાણી શ્વાસની બીમારી સાથે દાખલ થયા હતા તપાસ કરતાં ઓક્સિજનનું પ્રમાણ તદ્દન ઓછું હતું. એન્જીયોગ્રાફી શક્ય નહોતી, વિલંબ જીવનનું જોખમ સર્જે તેમ હતું. મોટી હોસ્પિટલમાં પહોંચવું અશક્ય હતું. તેવે વખતે ક્રિટીકલ કેર ટીમે એકમો પ્રક્રિયા કરી સ્ટેન્ડ બેસાડી વૃધ્ધાનો જીવ બચાવ્યો. ત્રીજી જુને દર્દી સંપૂર્ણ તંદુરસ્તી સાથે ઘરે પહોંચ્યા અને ગુજરાતના મેડિકલ જગતમાં નવો અધ્યાય આલેખાઈ ગયો હતો. સર્જરી સબંધે વિગતો આપતાં મૂળ કચ્છી એવા કાડિયોલોજીસ્ટ ડૉ. મિત ઠક્કર કહે છે, કુદરતે આપેલું હૃદય કામ નહોતું કરતું, ૯૯ ટકા નસો બંધ હતી એટલે શ્વાસ રૂંધાતો હતો. તેની અસર મગજ, કિડની પર થવા લાગી હતી એટલે ચાલુ સર્જરીએ ડાયાલિસીસ થાય અને દર્દીના શરીરને ઓક્સિજનની માત્રા મળતી રહે તે માટે તેને કૃત્રિમ હૃદય અને કૃત્રિમ ફેફસાં ઉપર લઇ સર્જરી કરાઈ હતી આ પ્રક્રિયાને સીઆરઆરટી સાથે ‘એકમો’કહેવામાં આવે છે જે ગુજરાતમાં સૌ પ્રથમ ઘટના હતી. આ સંદર્ભે રાજ્યની એકમો ટીમે પણ સમર્થન આવ્યું કે ભુજમાં થયેલ સર્જરી પ્રથમ રહી હતી. આ પ્રક્રિયા ક્રિટીકલ કેર ટીમની મજબૂતાઈ અને આધુનિક મેડિકલ ઉપકરણોનો સમન્વય યોગ્ય સમયે થાય તે જરૂરી હોવાનું કે.કે. પટેલ ટીમના બાહોશ ક્રિટીકલ કેર તબીબ ડૉ. ઋગ્વેદ ઠક્કર અને ડો. અરવિંદ ચંદ્રશેખરને જણાવ્યુ હતુ સફળ શસ્ત્રક્રિયા માટે ટીમના ડો. જયદત્ત ટેકાણી, ડો. તેજસ નકુમ, ડો.નિશિથ રાજ્યગુરુ, એકમો ટીમ લીડર ડો. વિશાલ સરદારા, ડો.રોહિત લોંદે, આઈસીયુ અને કેથલેબ સ્ટાફ જોડાયા હતા. એક સમયે ભુજમાં નિષ્ણાંત તબીબો નહીં મળે તેવી ચિંતા વચ્ચે ગુજરાતની પ્રથમ એવી સર્જરી કચ્છમાં સફળ રીતે પાર પડાય તે આ સરહદી જીલ્લા માટે આશાસ્પદ સમાચાર છે. સાથે ભવિષ્યના મેડિકલ પ્રયોગો માટે નવતર આશા અને આત્મવિશ્વાસનો આધાર છે તેવું ટ્રસ્ટ અધ્યક્ષ અને સમગ્ર સર્જરી માટે મહેનત કરનાર અધ્યક્ષ ગોપાલ ગોરસિયાએ કહ્યું હતું. ત્રીજી જૂનના સાંજે જયારે આ મહિલાને નવાજીવન સાથે ઘરે જવા રજા અપાઈ ત્યારે પુષ્પવૃષ્ટિ સાથે તબીબ ટીમે આનંદ સાથે સંતોષ વ્યક્ત કર્યો હતો. એક જટિલ અને જવ્વલેજ થતી સારવાર થયાના સંતોષ સાથે ઉપાધ્યક્ષ કેસરા પિંડોરિયાએ તબીબ ટીમ, સમગ્ર દાતાઓની સેવાભાવના સાર્થક થયાનો ભાવ વ્યક્ત કર્યો હતો. આ સાથે સમગ્ર સારવાર સામાન્ય કરતાં ૭૫ % ઓછા ખર્ચે કરાઈ હતી અને સર્જરી દોઢ કલાકમાં પાર પડાઈ હતી જે કચ્છના બદલતા મેડીકલ ક્ષેત્રની સિધ્ધી સમાન છે. ટ્રસ્ટે વસાવેલ ‘એકમો’ અને સીઆરઆરટી ઉપકરણો અને અત્યાધુનિક કેથલેબની સુવિધાઓના કારણે આ સફળતા મળી હોવાની બાબત નોંધપાત્ર છે.