ભુજ નગરપાલિકામાં જુથ્થવાદ ચરમસીમાએ છે. અને તેના કેટલાક મામલા તો એવા છે કે જે ખુલ્લેઆમ બહાર પણ આવે છે. ખાસ કરીને આંતરીક જુથ્થવાદ સાથે ચીફ ઓફીસર અને કાઉન્સીલરો વચ્ચે બધુ બરોબર નથી તેવી ચર્ચા અનેકવાર સામે આવી છે. આ તમામ બાબતો વચ્ચે ભુજ નગરપાલિકાના કાઉન્સીલરે ફેસબુક તથા ભુજ શહેર ભાજપના વોટ્સઅપ ગ્રુપમાં ચીફ ઓફીસરના ફોટા સાથે ગેરરીતીના આક્ષેપો વાડી પોસ્ટ કરતા રાજકીય હડકંપ મચી ગયો છે.
ફરી એકવાર ભરતી મામલો સપાટી પર આવ્યો !
તાજેતરમાંજ ભુજ નગરપાલિકા ખોટી રીતે ભર્તી મામલે ચર્ચામાં આવ્યુ હતુ જ્યારે રાજકોટમાં ભુજ એસીબીએ છટકુ ગોઠવી અગાઉ ભુજમાં ફરજ બજાવી ગયેલા ફાયર ઓફીસરને લાંચ લેતા ઝડપ્યો હતો જેમાં તેની ભરતીજ ખોટી થઇ હોવાની બાબતો સપાટી પર આવી હતી. તો થોડા સમય પહેલા પણ નગરપાલિકામાં કામ કરતા કેટલાક કર્મચારીઓની ભરતી તથા તેને બરતરફ કરવા મામલે કાઉન્સીલરો તથા ચીફ ઓફીસર વચ્ચે બરાબરાનો કોલ્ડવોર શરૂ થયો હતો જો કે અંદરખાને થતો આ વિરોધ અને ટકરાવ આ વખતે ખુલ્લીને સામે આવ્યો છે. કેમકે ભુજ નગરપાલિકાના કાઉન્સીલર રાજેશ ગોર એ ફેસબુક તથા ભુજ શહેર ભાજપના ગ્રુપમાં ભુજ નગરપાલિકાના ચીફ ઓફીસર સરકારના પરિપત્રથી ઉપરવટ જઇને કર્મચારીઓને ફરજ પર પોતાના આર્થીક સ્વાર્થ માટે રાખતા હોવાની પોસ્ટ કરી હતી જે બાદમાં ડીલીટ કરી દેવાઇ હતી.
કાઉન્સીલરે પોસ્ટમાં કહ્યુ બધુ આર્થિક સ્વાર્થ માટે
ભુજ નગરપાલિકા વોર્ડ નંબર 4 ના કાઉન્સીલર કે જે અગાઉ કેટલાક વિવાદોને કારણે ચર્ચામાં રહ્યા છે. તેની એક પોસ્ટે ભુજ શહેરમાં ભારે હડકંપ મચાવ્યો છે. કેમકે ફેસબુક તથા શહેર ભાજપના ગ્રુપમાંથી એ પોસ્ટ ભલે ડીલીટ થઇ ગઇ હોય પરંતુ તેના સ્ક્રિનસોર્ટ વાયરલ થયા હતા જેમાં રાજેશ ગોરએ લખ્યુ હતુ કે ભુજ નગરપાલિકાના ચીફ ઓફીસર સાહેબશ્રી પોતાના નિયમ વિરોધ રાજ્ય સરકાર પરિપત્ર ઉપરવટ જઇને પોતાના અંગત સ્વાર્થ માટે અમુક કર્મચારીને કારણ વગર ભુજ નગરપાલિકામાં ફરજ પર રાખેલ છે. અને પોતે દરેક કર્મચારી પાસેથી પોતાના આર્થીક સ્વાર્થ માટે અને પોતાના હિત માટે દરેક કામગીરી કરાવે છે.
રાજેશ ગોર એ કહ્યુ હા મે લખ્યુ છે…..
આ સમગ્ર પોસ્ટ અને વિવાદ અંગે જ્યારે રાજેશ ગોરનો સંપર્ક કરાયો તો તેઓએ વાત કરતા કહ્યુ હતુ કે અગાઉ નગરપાલિકામાં કામ કરતા 4 કર્મચારીઓને બરતરફ કરવા માટે કારોબારીમાં નિર્ણય લેવાયો હતો. સામાન્ય સભામા તેને છુટા કરવા માટે બહાલી અપાઇ હતી. પરંતુ તેમ છંતા તમામ બાબતોને અવગણીને કોઇપણ ખર્ચની મંજુરી વગર આ તમામ ચાર લોકોને કામે રખાયા છે. જો કે ચીફ ઓફીસરના આ કર્મચારીઓ સાથે શુ હિત સંકલાયેલા છે. તે અંગે તેઓએ વધુ કહેવાનુ ટાળ્યુ હતુ આ મામલે રાજેશ ગોરે જવાબદાર તમામ લોકોનુ ધ્યાન દોર્યુ છે. અને રજુઆત પણ કરી છે. હવે આ મામલે જો યોગ્ય કાર્યવાહી નહી થાય તો તેઓ વ્યક્તિગત રીતે ન્યાયીક પ્રક્રિયા માટે આગળ વધશે..જો કે આ પહેલા પણ કેટલાક કાઉન્સીલરોએ આ ચાર કર્મચારીઓને રાખવા મુદ્દે વિરોધ દર્શાવ્યો હતો.
સમગ્ર વિવાદ મામલે ચીફ ઓફીસરનો સંપર્ક કરવા માટે પ્રયત્ન કરાયો હતો પરંતુ તેમનો સંપર્ક થઇ શક્યો ન હતો પરંતુ આ પોસ્ટે ભારે વિવાદ સર્જયો છે. કેમકે જ્યા ગુજરાત ભાજપ ભષ્ટ્રાચાર મુક્ત શાસનની વાત કરે છે તેમનીજ સત્તાવાડી ભાજપ પ્રેરીત ભુજ નગરપાલિકાના ચીફ ઓફીસર સામે આવા ગંભીર આક્ષેપ જવાબદાર કાઉન્સીલર દ્રારા થાય તે મોટી વાત ગણી શકાય.. ત્યારે ખરેખર આ મામલે ઉચ્ચકક્ષાએ તપાસ થાય તે જરૂરી છે. જો કે સમગ્ર વિવાદમાં હવે કોણ સાચુ તેતો આવનારો સમય કહેશે. પરંતુ ખુલ્લા આક્ષેપો સાથેની પોસ્ટનો વિવાદ વકરશે તે નક્કી છે. જો કે ભાજપના ઉચ્ચ હોદ્દેદારો આ મામલે હવે શુ પગલા લે છે તે જોવુ રહ્યુ….