સમગ્ર કચ્છમાં ચર્ચા જગાવનાર દરગાહ તોડફોડ પરકરણનું પગેરું શોધવાની દિશામાં પોલીસે શરૂઆત કરી છે.પશ્ચિમ કચ્છ પોલીસે આજે પત્રકાર પરિષદ યોજીને આ ચકચારી પ્રકરણમાં મોટો ખુલાસો કર્યો છે.અબડાસા તાલુકાના મોથાળા,સુથરી અને ભવાનીપરમાં દરગાહને નુકસાન પહોંચડાયું હતું.જે પૈકી મોથાળા ની દરગાહની તોડફોડનો આરોપી ઝડપાયો હોવાનો ખુલાસો પોલીસે કર્યો છે.પશ્ચિમ કચ્છ ડીએસપી મહેન્દ્ર ભરાડા ના જણાવ્યા પ્રમાણે નાગીયારી ગામના જુસબ જાકબ ત્રાયા એ મોથાળા ની દરગાહ ને નુકસાન પહોંચાડી લખાણ લખ્યું હતું.આરોપી જુસબ મૂંગો બહેરો છે.એટલે પોલીસે મુક બધિર લોકોને શીખવાડતા શિક્ષકોની મદદ લીધી હતી.આ આરોપીએ માત્ર મોથાળાની દરગાહની જ તોડફોડ કરી હોવાનો પોલીસે ખુલાસો કર્યો છે.કચ્છમાં દરગાહ તોડફોડના બનાવો વધ્યા બાદ મુસ્લિમ સમાજે આ બાબતે આરોપીઓને પકડી પાડવા વારંવાર રજૂઆતો કરી હતી.આ બાબતે કચ્છના મુસ્લિમ સમાજે વિરોધ રેલી અને ધરણા પણ કર્યા હતા.તો આ મામલે રાજકારણ પણ ગરમાયું હતું.એક બાજુ કોંગ્રેસના લઘુમતી આગેવાનોએ દરગાહ તોડફોડ મામલે કચ્છ કોંગ્રેસના મૌન બદલ નારાજગી વ્યક્ત કરી હતી.તો અમુક આગેવાનો એ રાજીનામુ પણ આપ્યું હતું.બીજી બાજુ વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પણ દરગાહ તોડફોડ પ્રકરણમાં મુસ્લિમ સમાજને ટેકો જાહેર કરી ભૂજમાં યોજાયેલ વિરોધ કાર્યક્રમમાં હાજરી આપી હતી.દરગાહ તોડફોડ પ્રકરણે મુસ્લિમ સમાજના વિરોધની સાથે રાજકીય માહોલ ગરમાયા બાદ હરકતમાં આવેલ રાજ્ય સરકારે ATS ને તપાસ સોંપી હતી.
મૂંગા બહેરા જુસબે ગુનો કેવી રીતે કબૂલ્યો ? પોલીસે કોની લીધી મદદ ?
દરગાહ તોડફોડ નો આરોપી જુસબ ત્રાયા મૂંગો બહેરો છે.નાગીયારીમાં રહેતો જુસબ માંડવીની દિવ્યાંગ સ્કૂલમાં ૩ ધોરણ સુધી ભણેલો છે.તેણે ગુનો શા માટે આચર્યો અને પોલીસ કેવી રીતે તેના સુધી પહોંચી એ હકીકત રસપ્રદ છે.પશ્ચિમ કચ્છ ડીએસપી મહેન્દ્ર ભરાડાએ પત્રકારોને આપેલી માહિતી અનુસાર આરોપી જુસબે માનકુવામાં ડેરીની બહાર દીવાલ ઉપર લખેલું લખાણ અને મોથાળાની દરગાહ બહાર લખેલું લખાણ એક જેવું જ હોઈ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.મૂંગા બહેરા જુસબ સાથે વાત કરવા માટે સ્પેશિયલ એજ્યુકેટર એવા મુક બધિર બાળકોના શિક્ષક રોહિત જોશીની મદદ લીધી હતી.ઈશારા ની ભાષા વડે જુસબે પોલીસની હાજરીમાં કબૂલ કર્યું હતું કે મોથાળાની દરગાહમાં ચાદર તેણે સળગાવી હતી,લખાણ તેણે લખ્યું હતું અને તોડફોડ પણ કરી હતી.પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી જુસબ ત્રાયા એગ્રેસીવ માનસિકતા ધરાવે છે,અગાઉ મોથાળાની દરગાહમાં તે ગયો હતો ત્યારે તેની સાથે ગેરવર્તન થયું હોઈ તે અપમાનનો ગુસ્સો મનમાં રાખીને તેણે આ કૃત્ય આચર્યું હતું.