Home Special પશ્ચિમ કચ્છ પોલિસને આ બે ગુન્હાએ આપ્યા નવા અનુભવ !! જાણો કેમ?

પશ્ચિમ કચ્છ પોલિસને આ બે ગુન્હાએ આપ્યા નવા અનુભવ !! જાણો કેમ?

2784
SHARE
અનુભવ માણસનો શ્રેષ્ઠ શિક્ષક છે. અને તેથીજ અનુભવ તમને જે શીખવે તે બીજુ કોઇ શીખવી શકે નહી. અને આવુજ કઇક શીખ્યા પશ્ચિમ કચ્છ પોલિસના ખાસ જવાનો અને તેમની ટીમના સભ્યો !! કેમકે, આ પ્રકારે ગુન્હા ઉકેલવાનુ કદાચ પોલિસ ભુલી જ ગઇ હશે પરંતુ તાજેતરમાંજ બે કિસ્સા એવા બન્યા કે જેમા પોલિસ માટે ટેકનોલોજી કરતા કોઠાસુઝ અને અનુભવ વધારે કામ લાગે તેમ હતુ. અને પોલિસે કોઠાસુઝ વાપરીને ભેદ ઉકેલવામાં સફળતા પણ મેળવી. ભલે તે સમયગાળામાં પોલિસ પર આક્ષેપો અને ગુન્હો ઉકેલવાનુ દબાણ પણ હતુ.પરંતુ, તે વચ્ચે પોલિસને કંઇક નવી રીતે ગુન્હાઓ નો ભેદ ઉકેલવાનો આંનદ હતો. કેમકે, ભવિષ્યમાં તે આવનાર યુવા પોલિસ મિત્રો માટે પણ ઉપયોગી બનવા સાથે વર્તમાન પોલિસ અધિકારીઓને કઇક નવો પાઠ શીખવી ગયા. આમ તો આથી પહેલા પણ કચ્છમા ફરજ બજાવી ગયેલા અનેક પોલિસ અધિકારીઓએ પોતાની આગવી કામ કરવાની ઢબથી પોતાની અલગ છાપ છોડવા સાથે કંઈક નવુ કરી ગુન્હાઓ ના ભેદ ઉકેલ્યા છે. જે આ બે ઘટનાપરથી કચ્છ પોલીસનો જુનો ભૂતકાળ ફરી જીવંત બન્યો છે.

અને 82 દિવસે પોલિસે દરગાહમાં તોડફોડ કરનાર મુકબધીર પાસેથી ગુન્હાની કબુલાત કરાવી 

કચ્છમાં મુસ્લિમ સમાજની ધાર્મીક લાગણી દુભાવવા સાથે દરગાહ તોડફોડ પ્રકરણનો કિસ્સો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. પોલિસ પર આક્ષેપો પણ અનેક થયા. મુસ્લિમ સમાજે પણ ગુનેગારો પકડાય તે માટે વિરોધ પ્રદર્શિત કર્યો. બહારથી આવેલા ધારાસભ્ય પણ લડતમાં જોડાયા અને કચ્છ બહારની એજન્સીઓ પણ તપાસમા જોડાઇ. આ આખા ઘટનાક્રમ વચ્ચે કચ્છમાં હવે શું થશે? તેવો માહોલ ઉભો થયો હતો. જો કે તે વચ્ચે પશ્ચિમ કચ્છ પોલિસે એક સત્તાવાર યાદી બહાર પાડી પશ્ચિમ કચ્છના અબડાસામાં મોથાળા ગામે થયેલી દરગાહ તોડફોડ મામલાનો ભેદ ઉકેલવાની જાહેરાત કરી. સૌથી મહત્વની વાત એ રહી કે ટેકનોલોજી સર્વેલન્સ પુછપરછ એવુ કઇ કામ ન આવ્યુ અને સ્થાનીક પોલિસના કેટલાક બાજ નજર પોલિસ અધિકારી અને કર્મચારીઓના ધ્યાને એક લખાણ આવ્યુ ,અને ત્યાંથી તપાસની દિશા બદલાઇ તેમ જ પોલિસે ગુન્હાના મૂળ સુધી પહોંચીને ગુનેગાર ઝડપાઇ ગયો. થયું એવુ કે, 24 તારીખે નુરમામદ પીરની દરગાહ પર ચાદરને આગચંપી સાથે કોઇ તોડફોડ કરી ગયુ અને સાથે ત્યા દિવાલ પર લખાણ પણ લખી ગયુ પોલિસ વિવિધ દિશામાં તપાસ કરતી રહી અલગ અલગ શંકાસ્પદ વ્યક્તિને તપાસ્યા પરંતુ પરિણામ ત્યારે સામે આવ્યુ જ્યારે માનકુવા પોલિસના હદ્દમાં દૂધની ડેરીમાં પણ આવાજ લખાણનો મામલો સામે આવ્યો.તે બીટ વિસ્તારમાં ફરજ બજાવતા જવાને આ દિશામાં તપાસ માટે ઉચ્ચ અધિકારીઓનુ ધ્યાન દોર્યુ અને ત્યાર બાદ તપાસ કરતા તે મુકબધીર શખ્સ જુસબ જાકબ ત્રાયા હોવાનુ સામે આવ્યુ પોલિસે મુકબધીર ભાષા જાણતા નિષ્ણાંતની મદદ લીધી અને તેની પુછપરછ કરતા તેણે ગુન્હાની કબુલાત કરી હતી. આ તમામ બાબતોમાં ખાસ વાત એ રહી હતી કે પશ્ચિમ કચ્છ પોલિસ માટે આવા પડકારો બહુ ઓછા આવ્યા છે. અને ખુદ પશ્ચિમ કચ્છ પોલિસવડા એમ.એસ. ભરાડાએ જણાવ્યુ કે આ પ્રકારનો ગુન્હો ઉકેલવો પડકાર હતો પરંતુ એક સરખા લખાણે પોલિસને નવી દિશા આપી આમ કઇક અલગ રીતે તપાસ કરી ગુન્હાના ઉકેલ માટેના સંશોધનનો પોલિસનો પ્રયાસ સફળ રહ્યો.

પોલિસ પર હુમલો કરનાર કાસમે પણ પોલિસની જુની થીયરીની યાદ અપાવી

એક સમય હતો જ્યારે સ્થાનીક બાતમીદાર,પોલિસ અધિકારીની કોઠાસૂઝ અને હિસ્ટ્રીસીટર ગુન્હેગારોની ટેવ-કુટેવ પરથી પોલિસ ગુન્હાના મૂળ સુધી જતી. પરંતુ અત્યારે જ્યારે સમય બદલાયો છે. ત્યારે ટેકનોલોજીની મદદથી ગુન્હાના ભેદ ઉકેલાવાની સંખ્યા વધી ગઇ છે. તેવામા સ્વભાવીક છે. કે પોલિસ પ્રથમ તપાસ તેજ દિશામાં કરે.પરંતુ પોલિસ પર બે વાર હુમલો કરનાર કાસમ પણ પોલિસને કઇક નવુ શીખવી ગયો. થયું એવુ કે, કોઇપણ જાતના ફોનનો ઉપયોગ ન કરનાર કાસમ પોલિસ પર હુમલો કરી તે જે વિસ્તારનો જાણકાર હતો તેવા ડુંગરાળ વિસ્તારમાં સરકી ગયો. પોલિસ 14 દિવસ સુધી તેનો પીછો કરતી રહી.એ પણ તેના પગના નિશાનના આધારે તે જે વિસ્તારમાં જઇ શકે તેવી ચોક્કસ દિશામાં !! પરંતુ, 14 દિવસ બાદ તે પોલિસના હાથે લાગ્યો હતો. પોલિસની ખાસ ટીમે દુર્ગમ વિસ્તારમાં પગે ચાલીને પગી ની મદદ થી કાસમના પગલા ના નિશાનના આધારે ઘણી મહેનત કરી ત્યારે કાસમ પકડાયો હતો. એક સમયે પગના નિશાન પરથી પોલિસ આવા ભેદ ઉકેલતી પરંતુ કાસમ જ્યારે ફોન ઉપયોગ કરતો ન હતો તેવી સ્થિતીમાં પોલિસ માટે આ એક પડકાર હતો અને પોલિસે તે ઝીલી લીધો.પરિણામે કાસમ પોલિસના હાથે ઝડપાયો. આમ જુની થીયરીથી કામ કરવાનુ ભુલી ગયેલી અથવા ટેકોનોલોજીની આશ્રીત થયેલી પોલિસને ફરી જુની પધ્ધતી સાથે કાસમ કઇક નવુ શીખવી ગયો. જે ભવિષ્યમાં પોલિસને ચોક્કસ કામ લાગશે.

જો કે ભુતકાળમાં આ કિસ્સાના ડીટેક્શન પણ રહ્યા છે ચર્ચાસ્પદ !!

આમતો પશ્ચિમ કચ્છ પોલસની હદ્દમા અનેક એવા ગુન્હાઓ છે. જે ચર્ચાસ્પદ રહ્યા છે. તે પછી દાણચોરી હોય દેશ વિરૂધ્ધી પ્રવૃતિ હોય કે પછી ચાલાકી સાથે ગુન્હાઓને અપાયેલા અંજામ હોય. ભલે વાર લાગી હોય પરંતુ અધિકારીઓ કોઠાસુઝ અને કંઇક નવુ કરવા સાથે તેના મુળ સુધી પહોચ્યા છે. અને પોતાની આગવી છાપ છોડી છે. જેમા કુલદીપ શર્મા,જી.એસ.મલિક,દિલીપ અગ્રાવત અને તેની ટીમ વી.આર.મલ્હોત્રા,રોહિતસિંહ ડુડીયા સહિતના અનેક પોલિસ કર્મચારીઓ છે. જેનુ લીસ્ટ મોટુ છે. પરંતુ કેટલાક કિસ્સા અલગ પોલિસ થીયરીના આજે પણ લોકોના માનસપટ પર તાજા જ હશે.

અમદાવાદ ATS માં ફરજ બજાવતા વી.આર.મલ્હોત્રાએ બેંક લુંટનો ભેદ ઉકેલ્યો 

કચ્છના ભારાપર ગામે નવેમ્બર 2011માં બેંક ઓફ ઇન્ડીયાની શાખામાંથી 12 લાખની લુંટની ઘટના બની હતી. ધોળા દિવસે બેંકમાં લુંટ ચલાવી શખ્સો ફરાર થઇ ગયા. પોલિસે અનેક પ્રયત્નો કર્યા પરંતુ કોઇ કડી મળી નહી અને એક વર્ષ સુધી કેસ અનડીટેક્ટ રહ્યો તેવામાં કચ્છમાં પોસ્ટીંગ લઇ વી.આર.મલ્હોત્રા ભુજ એલ.સી.બીમાં નિયુક્ત થયા અને તેમણે આ કેસ હાથમાં લઇ મે- 2012માં તેનો ભેદ ઉકેલી નાંખ્યો જો કે કઇ રીતે ઉકેલ્યો તે પોલિસ તપાસના હિતમાં લખવુ યોગ્ય ન ગણાય પરંતુ ટેકનોલોજીની અને અધિકારીની કોઠાસુઝથી આ ભેદ ઉકેલાયો.

અને યુવતીઓ સાથે વિકૃતી આચરનાર અને હત્યા કરનાર નારાણ પોલિસના હાથે ઝડપાયો 

ભુજની ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કુલ હોય કે ગર્લ્સ હોસ્ટેલમાં છોકરીઓની છેડતી હોય નારાણ ચર્ચામાં રહેતો. લોટસ કોલોનીમાં એક યુવતીની થયેલી હત્યાથી ચર્ચાસ્પદ બનેલો મામલો તે સમયે પોલિસ માટે આ પડકારરૂપ હતો. પરંતુ પોલિસને કોઇ કડી હાથ લાગતી ન હતી. પરંતુ ઇન્દ્રાબાઇ સ્કુલમા એક છોકરી પર શાળામાં થયેલા હુમલા પછી પોલિસે ઉંડી તપાસ શરૂ કરી અને તે સમયના બાહોશ અધિકારી ડી.આર.અગ્રાવતે તેની તપાસ હાથમા લઇ ને ઇન્દ્રાબાઇ ગલ્સ હાઇસ્કુલ ની ઘટના ઉપરાંત લોટસ સોસાયટીમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલ્યો. આ કેસમાં મહત્વની વસ્તુ એ હતી કે કોઇ વિકૃત શખ્સનુ આ કામ હોઇ શકે તે શંકાએ પોલિસે તપાસ શરૂ કરી હતી અને જેમાં તેઓ સફળ રહ્યા હતા.

જી.એસ મલિકે  ટેકનોલોજી અને અનુભવો પરથી નકલીનોટનુ કારસ્તાન ઝડપ્યુ 

આમતો કચ્છમાં નકલી નોટ કે પછી દાણચોરી થકી દેશના અર્થતંત્રને નબળા કરવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. પરંતુ બાતમીની સાથે પોતાની સુઝબુઝની મદદથી નકલી નોટનુ કારસ્તાન ઝડપનાર જી.એસ.મલિક અલગ પ્રકારના અધિકારી હતા અને તેથીજ સલાયામાંથી ભાષા અને ગુન્હેગારોના સિક્રેટ સંકેતોને પારખી ગયેલા જી.એસ.મલીકે તેના મુળ સુધી પહોંચી લાખો રૂપીયાના નકલીનોટ ના નેટવર્કનો પર્દાફાસ કર્યો હતો. જેના મુળ પાકિસ્તાન સહિત ભારતમાં અન્ય જગ્યાએ પણ જોડાયેલા હતા. જે તે સમય રાજ્યના પોલિસ વિભાગે પણ જી.એસ.મલિકના આ કાર્યને બીરદાવા સાથે થીયરીની પ્રસંશા કરી હતી.
આજે પણ પોતાના નેટવર્ક,કાબેલિયત અને અનુભવો થકી ગુન્હાઓને પલવારમાં ઉકેલી નાખવાની ક્ષમતા કચ્છના ઘણા કર્મચારી-અધિકારીઓમાં છે. તો દિલીપ અગ્રાવત જેવા પુર્વ અધિકારીઓ પણ છે. જેમની મદદ આજે પણ પોલિસ અણીના સમયે મળવે છે. કેમકે અનુભવો પરથી તેઓ શીખ્યા છે. અને બીજાને શીખવ્યુ છે. તેમાં કદાચ આ બે કિસ્સા વધુ ઉમેરાયા છે. ઉપરોકત લેખમાં ચર્ચાસ્પદ કિસ્સાઓની વાત છે. પરંતુ એ સિવાય પણ પોલિસે ઘણા એવા ગુન્હાઓને કઇક નવુ કરી ઉકેલ્યા છે. જે કાબીલેદાદ છે.  હા ચોક્કસ ન ઉકેલાયા કેસોની સંખ્યાનો આંક પણ મોટો છે. પરંતુ આપણા ઘરના રક્ષકોની સારી કામગીરીને સલામ…….