ભુજના ભીડનાકા બહાર ૧૨ વર્ષના બાળકના અપહરણના પ્રયાસને પગલે દોડધામ મચી ગઇ હતી. આ ચકચારી ઘટનાની ન્યૂઝ4કચ્છને વિગતો આપતા ભીડગેટ વિસ્તારના નાગરિકોએ જણાવ્યું હતું કે રાત્રે ૯ વાગ્યાના અરસામાં ચાકી મસ્જિદ પાસે પાંચ જેટલી બુરખાધારી વ્યક્તિઓએ ૧૨ વર્ષના બાળકને ઉઠાવીને ભાગ્યા હતા. આ બુરખાધારીઓ તે બાળકને લઈને રેલવે સ્ટેશન તરફ નાસ્યા હતા. પણ એ બાળકે ચીસાચીસ કરી છૂટવાની કોશિશ કરી હતી. નમાજનો ટાઈમ હોઈ લોકો મસ્જિદમાં હતા. દરમ્યાન એ બાળક બુરખાધારીઓના હાથમાં થી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. તે દરમ્યાન લોકો એકઠા થઇ જતા બુરખાધારીઓ નાસ્યા હતા અને આગળ કાર પાર્ક કરેલી હતી તેમાં બેસીને ભાગવામાં સફળ થયા હતા. સ્થાનિક નગરસેવક ફકીરમામદ કુંભારે ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા જણાવ્યું હતુંકે આ ઘટના બાદ તેમણે બી ડીવીઝન પોલીસને જાણ કરતા PSI ઓઝા સાથે પોલીસ અહીં ઘટના સ્થળે આવી હતી અને બાળક તેમ જ તેના પિતાની પૂછપુરછ કરી હતી. દરમ્યાન ત્યાંના રહેવાસીઓના કહેવા પ્રમાણે બુરખાધારીઓ ઑમ્ની કાર માં નાઠા તે બનાસકાંઠા કે પાટણ પાસિંગ ની હતી, જેના છેલ્લા ના 19 છે. આ અંગે નગરસેવક ફકીરમામદ કુંભાર ની સાથે સ્થાનિક રહેવાસીઓએ બી ડીવીઝન પોલીસને અરજી આપીને આ બનાવની તપાસ કરવાની માંગ કરી છે.
શુ ભીખારી ગેંગ ભુજમાં ઉતરી છે?
ભીડગેટ ના રહેવાસીઓએ નાના બાળકોને અપહરણના આ પ્રયાસને પગલે એવી દહેશત વ્યક્ત કરી છે કે ભુજ માં ભીખારી ગેંગ ઉતરી હોય તેવું લાગે છે. આવા બુરખાધારીઓ આ વિસ્તારમાં ભીખ માંગતા જોવા મળ્યા હતા. કદાચ આ બુરખા ની નીચે પુરુષો પણ હોઈ શકે છે અને તેમની સાથે મહિલાઓ પણ સામેલ હોય તેવું લાગે છે. હમણાં જ અજરખપુર માં બે બાળકો ના ગુમ થવાની ઘટના માં એક બાળક મૃત અને એક ઇજાગ્રસ્ત મળી આવ્યા બાદ પોલીસે આ બનાવમાં એક શકયતા ભીખારી ગેંગ ની પણ દર્શાવી છે. બાળકોને ઉઠાવી જતી આવી ગેંગોની ‘માનવ તસ્કરી’ હ્યુમન ટ્રાફિકીંગ આજે ચર્ચાનો વિષય છે.જોકે નાસી છૂટેલા બુરખાધારીનું પગેરું દબાવતા કેટલાક યુવકોએ તેમનો પીછો કર્યો હતો જેમાં એક શખ્સ નાગોર ફાટક પાસેથી લોકોના હાથે પકડાઈ જતા તેને પોલીસને હવાલે કરાયો હતો ભુજ બી.ડિવિઝનમાં સોંપાયેલા આ શંકાસ્પદ શખ્સની પોલીસે તપાસ હાથ ધરી છે.