Home Crime રાપરમાં શું ખરેખર પશુ-પંખીઓ શિકારીઓથી સુરક્ષીત? : બેખોફ શિકારનો વધુ કિસ્સો આવ્યો...

રાપરમાં શું ખરેખર પશુ-પંખીઓ શિકારીઓથી સુરક્ષીત? : બેખોફ શિકારનો વધુ કિસ્સો આવ્યો સામે 

2710
SHARE
રાપર પંથકનો આમતો ઘણો વિસ્તાર અભ્યારણ વિસ્તારમા આવે છે. કેમકે અહી ચિંકારા,ઘુડખર,નિલગાય સહિત દુર્લભ પશુપંખીઓપણ વસવાટ કરે છે. પરંતુ તે વચ્ચે છાસવારે તેમના શિકારની ઘટના પણ પ્રકાશમાં આવતી રહે છે. તે પછી મોટી સંખ્યામાં મોરના થયેલા શિકારનો કિસ્સો હોય કે પછી છાસવારે નિલગાય અને ચિંકારાના શિકારની ચર્ચાતી વાતો હોય, તેવામાં વધુ એક કિસ્સો નિલગાયના શિકારનો સામે આવ્યો છે. જેને પગલે વનવિભાગ દોડતુ થયુ છે. અને પદ્દમપર ગામના લોકો શોકમાં છે. ગઇકાલે સાંજે જ કોઇ ટોળકી નિલગાયના શિકાર માટે આવી હોવાનુ સ્થાનીક ગ્રામજનોના ધ્યાને આવ્યુ હતુ જેના પગલે વનવિભાગને જાણ કરાઇ પરંતુ શિકારી નાશી જવામાં સફળ રહ્યા પરંતુ વનવિભાગની ટીમે ત્યા જઇ તપાસ કરતા કોઇ તિક્ષ્ણ હથિયાર વડે નિલગાયનો શિકાર થયો હોવાનુ અનુમાન લગાડવા સાથે મૃત નિલગાયની ગ્રામજનો સાથે મળી અંતિમવીધી કરવાસાથે કોણે નિલગાયનો શિકાર કર્યો તેની તપાસ શરૂ કરી છે.

કરોડોનો ખર્ચ છંતા છાસવારે થાય છે શિકારી પ્રવૃતિ 

અભ્યારણ વિસ્તારમાં રક્ષીત પ્રાણીઓ વિચરી શકે તે માટે સરકાર કરોડો રૂપીયાનો ખર્ચ કરે છે અને અભ્યારણને અભેદ સુરક્ષા આપે છે. પરંતુ જો સ્થાનીક લોકોનુ માનીએ તો અભ્યારણ વિસ્તારમાં પણ અગાઉ શિકારના કેટલાક કિસ્સાઓ બની ચુક્યા છે. તો શિકારી પ્રવૃતિને ડામવામાં વનવિભાગ નિષ્ક્રિય રહ્યુ છે. કેમકે રાત પડતાજ રાપરમાં શિકારની શોધમા ફરતી આવી અનેક ટોળકી છે. જે મીજબાની અથવા અન્ય ઉદ્દેશ સાથે શિકાર માટે નિકળી પડે છે. જેમાં કેટલાક કિસ્સા પ્રકાશમાં આવે છે. પરંતુ કેટલાક તો હજુ બહાર પણ આવ્યા નથી. તેવુ ચર્ચાઇ રહ્યુ છે. ત્યારે પ્રશ્ન ચોક્કસ થાય કે કરોડોના ખર્ચ પછી પણ શુ ખરેખર પશુપંખીઓ આવા શિકારીઓથી સુરક્ષીત છે?. જોકે સીડ્યુઅલ-04 ના પ્રાણી એવા નિલગાયના શિકાર મામલે વનવિભાગે ફરીયાદ નોંધવા સાથે અજાણ્યા શિકારીઓની શોધ શરૂ કરી છે.

લાંબા વિસ્તાર સ્ટાફની ઘટ અને હથિયારોની કમી વચ્ચે શિકારીને મોકળુ મેદાન 

વનવિભાગ અને સ્થાનીક પોલિસના પણ પુરતા પ્રયત્નો વચ્ચે માંજુવાસમાં મોરના શિકાર સહિત અનેકવાર રાપરમાંથી શિકારી ટોળકી હાથમાં આવી છે. પરંતુ શિકારની આવી પ્રવૃતિ ડામવામાં કેમ વનવિભાગ નિષ્ક્રિય છે? એ અંગે વનવિભાગના દક્ષિણ રેંજના RFO વી.આઇ.જોષી સાથે વાત કરતા તેઓએ જણાવ્યુ હતુ શિકારી પ્રવૃતિ ચિંતાનો વિષય છે. અને તેના માટે પેટ્રોલીંગ દિવસ રાત ચાલુ હોય છે. પરંતુ વિસ્તાર લાંબો હોવાથી અને સ્ટાફની પણ ઘટ હોવાથી ચોક્કસ વિસ્તારોમાં ક્યારેક પહોંચી શકાતુ નથી. તો પુરતા હથિયારો પણ વનવિભાગ પાસે નથી. જો કે મુશ્કેલી છંતા વનવિભાગ આ મામલે ઉંડી તપાસ કરશે અને ભવિષ્યમાં આવી કોઇ ઘટના ન બને તે માટે કામ કરશે તેમ તેઓએ જણાવ્યુ હતુ.
એક તરફ સરકાર અભ્યારણો ઉભા કરી પ્રાણીઓને રક્ષણની વાત કરે છે. પરંતુ બીજી તરફ અભ્યારણ હોય કે ગ્રામ્ય વિસ્તાર રાપરના સિમાડા આવી શિકારી પ્રવૃતિઓથી અવારનવાર ગુંજતા રહ્યા છે. ચોક્કસ કચ્છ વિસ્તારની દ્રષ્ટ્રીએ મોટો જમીની ભાગ ધરાવે છે. પરંતુ ચોક્કસ ગેરકાયદેસર હથિયારો સાથે શિકારની આ પ્રવૃતિ નહી અટકે તો ચોક્કસ વન્યજીવોની સંખ્યા દિવસે-દિવસે ઘટતી જશે..એ હકીકત છે.