Home Current ખેડુતો મુદ્દે કચ્છ કોંગ્રેસના અચાનક આક્રમક વિરોધ વચ્ચે કેમ રમુજ ફેલાઇ ?

ખેડુતો મુદ્દે કચ્છ કોંગ્રેસના અચાનક આક્રમક વિરોધ વચ્ચે કેમ રમુજ ફેલાઇ ?

1459
SHARE
કચ્છ કોંગ્રેસ આમતો વાંજીયા વિરોધ માટે જાણીતી છે. જ્યારે પણ પ્રદેશ કે સ્થાનિક મુદ્દાઓને લઇ કોંગ્રેસ કચ્છમાં વિરોધ કરે છે. ત્યારે માત્ર ગણ્યાગાંઠ્યા કાર્યકરો અને આગેવાનો હાજર હોય અને કરવા ખાતર વિરોધ કરી સંતોષ માની લેતા હોય છે. પરંતુ નવાઇ વચ્ચે આજે જ્યારે મુદ્દો ખેડુતોનો હતો તો એવુ શું થયું કે અચાનક કોંગ્રેસ આક્રમક થઇ ગઇ. ભલે બે ધારાસભ્યો સહિત ઘણા હોદ્દેદારો ગેરહાજર રહ્યા,તેમ છતાં કોગ્રેસી કાર્યકરોની દર વખતે દેખાતી હાજરી કરતા વધુ હાજરી ઉંડીને આંખે વળગી. જેનું આશ્ચર્ય કોગ્રેસને પણ થયું. જોકે,વધુ હાજરી જોઇને તો વિરોધમાં પણ કઇક વિવિધતા જોવા મળી!! નહી તો સુત્રોચ્ચાર સાથે ચાર આંટા મારી કોગ્રેસ વિરોધનુ જન મન ગણ કરી નાંખતી.

કેમ કોગ્રેસના વિરોધથી ફેલાઇ રમુજ?

કોગ્રેસના આજના વિરોધનો મુદ્દો હતો ખેડુતોની સમસ્યા અને તેના મુદ્દે સરકારની નિષ્ક્રિયતાનો !! એટલે સરદાર પટેલના પુતળા નજીક સૌ કોગ્રેસી કાર્યકરો એકઠા થયા. પણ, આ શું? અચાનક કોંગ્રેસના પ્રમુખ સહિતના નેતાઓએ ધારણ કર્યો ખેડુત દેખાવાનો વેશ,માથા પર પાઘડી બાંધી કોગ્રેસી નેતાઓ તો ખેડુત બની ગયા!! પછી શું? એક પછી એક અનેક કાર્યકરોએ માથા ઉપર શાલ બાંધી ખેડુત જેવો દેખાવાનો પ્રયત્ન શરૂ કર્યો. તો બીજી તરફ કોગ્રેસના નેતાઓએ આજે વિરોધ માટે કઇક નવુ વિચાર્યુ. પહેલા ભાજપ વિરોધી સુત્રોચાર પછી કોગ્રેસે તાવડીમાં લીંબુ મરચા સાથે દેશમાંથી ભાજપનો કકળાટ નીકળે તે માટે વિરોધ કર્યો અને ત્યાર બાદ છાજીયા પણ લીધા. જો કે,આદમભાઇ ચાકીએ પોતાના અંદાજમાં ખેડુતો મુદ્દે સરકારનો વિરોધ કરી નારેબાજી કરતા ઉપસ્થિત પોલિસ સહિતના સૌ કોઇ લોકોમાં હાસ્યનુ મોજુ ફરી વળ્યુ હતુ.

કોગ્રસના રમુજ ભર્યા વિરોધનો વિડીઓ જોવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

નવા પક્ષ પ્રમુખની કવાયત કે પ્રભારીની હાજરી કામ કરી ગઇ?

સ્થાનિકે વિરોધ હોવા છતા કોગ્રેસના કાર્યકરો હાજર રહ્યા ન હોય તેવુ તો અનેકવાર થયુ છે. તે પછી આંતરીક વિરોધ હોય કે પછી કોગ્રેસના હોદ્દેદારોની નીતી!! પરંતુ આજે એવુ થયુ કે ક્યારેક જ દેખાતા હોય તેવા કાર્યકરો અને નેતાઓ પણ વિરોધમાં દેખાયા જેમાં અરજણ ભુડીયા,અમીરઅલી લોઢીયા,દેવેન્દ્રસિંહ જેઠવા અને તેમની જેમ જ અન્ય ને પણ ઉપસ્થિત જોઈ કાર્યકરોમાં આશ્ચર્ય સાથે ચર્ચા એ પણ હતી કે આ શુ આજે આ લોકો વિરોધમાં જોડાયા? તો ચર્ચા એવી પણ હતી કે નવા કોગ્રેસ પ્રમુખની સેન્સ આ ઉપસ્થિતી માટે કારણભુત હતી? તો ક્યાક એવો ગણગણાટ હતો કે કચ્છમાં પ્રભારીની હાજરી હોવાથી વિરોધ કાર્યક્રમમાં અનેક લોકો આવ્યા હતા.
સારુ દેર આયે દુરસ્ત આયે ની જેમ મોડે મોડે પણ કોંગ્રેસમાં આક્રમકતા તો આવી! કેમકે, જ્યારે સરકાર લોકોનુ સાંભળતી નથી.ત્યારે પ્રજાને અપેક્ષા હોય છે.,મજબુત વિપક્ષની. તેવામાં કોંગ્રેસે એક થઇ આજે જે વિરોધ નોંધાવ્યો તે પ્રજાહીત માટે જરૂરી ગણી શકાય. જો કે કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ એક થયા. પરંતુ, ખેડૂતોની ગેરહાજરી વરતાઈ. તેમ હવે જેમના મુદ્દે કોંગ્રેસ લડત કરે છે. તે અસરગ્રસ્તોને વિરોધમાં જોડવામાં પણ કોંગ્રેસ સફળ થાય તેવી આશા..જો કે આજના કાર્યક્રમે કોંગ્રેસની એકતા આક્રમકતાના દર્શન સાથે ઉપસ્થિત સૌ કોઇને પેટ પકડી હસાવ્યા હતા.