પુર્વ કચ્છ ભચાઉના શિકરા નજીકથી બોર્ડર રેન્જ આર.આર.સેલે ઝડપેલા 34.58 લાખના દારૂ પ્રકરણમાં અંતે સ્થાનીક પોલિસ પર ગાજ વરસી છે. સ્થાનીક પોલિસને અંધારામાં રાખીને કરાયેલી આ કામગીરી બાદ સ્થાનીક પોલિસ સામે આજે બોર્ડર રેન્જ આઇ.જી પીયુષ પટેલે કડક કાર્યવાહી કરતા ભચાઉના પોલિસ ઇન્સપેક્ટર એમ.આર.ગોઢાણીયા પી.એસ.આઇ જે.એચ.ચૌધરી તથા ડી સ્ટાફના સુખદેવસિંહ વિશ્રામભાઇ દવે,રણવીરસિંહ જગદિશસિંહ ઝાલા તથા હરદેવસિંહ રાહુભા સરવૈયાને સસપેન્ડ કર્યા છે. જેઓને સસ્પેન્ડ સાથે બનાસકાંઠા અને પાટણ હાજર થવાના આદેશ કર્યા છે. તો સદ્દરબીટ આમરડીના ચાર કોન્સ્ટેબલની પણ બદલી સજાના ભાગરૂપે કરાઇ છે. જેમાં ઇન્દ્રસિંહ ગંભીરસિંહ ઝાલા,કરસનભાઇ ભીખાભાઇ વિંઝોડા,જયદિપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા તથા પ્રહ્લાદ દલાભાઇ ચૌધરીની જાહેરહિતમાં અલગ-અલગ પોલિસ મથકોએ બદલી કરી દેવાઇ છે. ભચાઉના કુખ્યાત બુટલેગર અશોકસિંહે આ દારૂનો મોટો જથ્થો મંગાવ્યાનુ ખુલ્યુ હતુ પરંતુ તેના સહિતના પાંચ બુટલેગરો આ રેડ દરમ્યાન ભાગી જવામા સફળ રહ્યા હતા. જો કે આજે રેન્જ આઇ.જીએ સ્થાનીક પોલિસની બેદરકારી સામે કડક હાથે કામ લઇ કાર્યવાહી કરી 5ને સસ્પેન્ડ અને 4ની બદલી સાથે સપાટો બોલાવ્યો છે.
લોકલ ક્રાઇમ બ્રાન્ચ શુ કરતી હતી. લાંબા સમય બાદ એલ.સી.બી પર તવાઇ
સ્થાનીકે અનેક ફરીયાદો અને ખુલ્લેઆમ ચાલતા હાટડાઓ છંતા પુર્વ કચ્છમાં લાંબા સમયથી એક સ્થાન પર ચોંટીને બેઠેલા કેટલાક લોકલ ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ એ.એસ.આઇ સામે પણ આ રેડ પછી આઇ.જી એ કાર્યવાહી કરી હતી. જેમાં એ.એસ.આઇ હેડ કોન્સ્ટેબલ સહિત 7 કર્મીઓની પણ બદલી સજાના ભાગરૂપે કરાઇ હતી. જેમાં મહંમદ શબ્બિર કુરેશી, પ્રવિણસિંહ વિરસિંહ પલાસ,રાજકુમાર આહિર,રમેશ બાવલ મેણીયા,ભગીરથસિંહ જયેન્દ્રસિંહ જાડેજા,સામત વિરમભાઇ બરાડીયા,ઉપેન્દ્રસિંહ જયવિરસિંહ ઝાલા, નો સમાવેશ થાય છે. તો બોર્ડર રેન્જ આર.આર.સેલમાં ફરજ બજાવતા એક કર્મચારી સામે પણ આ દરોડા બાદ કાર્યવાહી કરી તેને તેની મુળ જગ્યા પર ફરજ પરનો હુકમ કરાયો છે.
કચ્છમાં આમતો બદલી બઢતીનો દોર ચાલતો હોય છે. પરંતુ લાંબા સમય બાદ ગુન્હાખોરી બાદ સજાના ભાગરૂપે પોલિસ તંત્ર સામે કડક કાર્યવાહી થઇ છે. જેમાં ભચાઉમાંથી ઝડપાયેલ કુખ્યાત બુટલેગરના દારૂના મોટા જથ્થા બાદ સ્થાનીક બુટલેગરની હિંમત સામે સ્થાનીક પોલિસની નિષ્ક્રીયતા સામેં રેન્જ આઇ.જીએ કડક કાર્યવાહી કરી અન્ય પોલિસ મથકોને ચેતવણી સાથે કાયદાનુ રક્ષણ કરવાનો સંદેશ આપ્યો છે. તો નોંધનીય વાત એ પણ છે. કે દારૂનો જથ્થો ઝડપાયો ત્યારે ન્યઝ4કચ્છે સ્થાનીક પોલિસ કાર્યવાહી સામે કડક કાર્યવાહીનો અંગુલી નિર્દેશ પણ કર્યો હતો.