Home Current કચ્છમા 10,000 રાશનકાર્ડ રદ; ખરેખર રાશનકાર્ડ પર લાભ લેનાર ગરીબો કે પછી...

કચ્છમા 10,000 રાશનકાર્ડ રદ; ખરેખર રાશનકાર્ડ પર લાભ લેનાર ગરીબો કે પછી કૌભાંડી?

2109
SHARE
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગરીબ પરિવારોને રેશનકાર્ડ ઉપર અપાતું રાહતદરનું અનાજ સાચા લાભાર્થીઓ સુધી પહોંચવાના બદલે ક્યાં પહોંચે છે? કચ્છ જિલ્લા પુરવઠા તંત્રની તપાસના જ આંકડા ચોકવનારા છે. પુરવઠાતંત્ર એ છેલ્લા ચાર મહિનામાં અંદાજિત ૧૦,૦૦૦ જેટલા રાશનકાર્ડ રદ કર્યા છે? કારણ શું છે? જિલ્લા પુરવઠા અધિકારી એસ.એમ.કાંથડે ન્યૂઝ4કચ્છને જણાવ્યું હતું કે કેન્દ્રીય ખાદ્ય અન્ન સુરક્ષા યોજના હેઠળ બોગસ લાભાર્થીઓને સસ્તા ભાવે અનાજનું વિતરણ કરાતું હતું એટલે આ રાશનકાર્ડ રદ કરાયા છે. કચ્છના એક નહીં બે નહીં પણ દસે દસ તાલુકામાં આ રીતે ખોટા લાભાર્થીઓને બોગસ રાશનકાર્ડ ઉપર અનાજનું વિતરણ કરાતું હતું. પુરવઠાતંત્ર એ કરેલી કામગીરી સરાહનીય છે પરંતુ કડવું સત્ય એ છે કે સાચા લાભાર્થીઓ તેમના માટેની સરકારની યોજના થી વંચિત રહી જાય છે એના મૂળની તપાસ કરવાની જરૂરત છે.

વડાપ્રધાન મોદીની યોજના થી સાચા લાભાર્થીઓ વંચિત?

કેન્દ્રીય ખાદ્ય અન્ન સુરક્ષા ધારો (નેશનલ ફૂડ સીક્યુરીટી એકટ) NFS ટૂંકા નામે ઓળખાતી મોદી સરકારની એક એવી ઉત્તમ યોજના છે જેની નીચે રેશનકાર્ડ ધારકને પરિવારના વ્યક્તિ દીઠ માત્ર ૩ રૂપિયે કિલો ઘઉં અને ૨ રૂપિયે કિલો ચોખાનું વિતરણ ચોક્કસ માત્રામાં નિયમ અનુસાર કરાય છે. હવે આ યોજનાનો ઉમદા ઉદેશ્ય એ છે કે ગરીબમાં ગરીબ પરિવાર પણ ભૂખ્યો રહે નહીં. પરંતુ, કૌભાંડિયા તત્વોના કારણે શું થાય છે? ન્યૂઝ4કચ્છ સમક્ષ ભુજના વિજય ડુંગરિયાએ કરેલી રજુઆત પ્રમાણે તેઓ મોચી કામ કરીને ગુજરાન ચલાવે છે અને હંગામી આવાસની ગરીબ વસ્તીમાં રહે છે તેઓ છેલ્લા એક વર્ષથી હેરાન થાય છે, ભુજના જનસેવા કેન્દ્ર અને મામલતદાર કચેરીના ધક્કા ખાઈ ખાઈ થકયા છે પણ તેમનું રાશનકાર્ડ NFS હેઠળ તબદીલ નથી થતું. એટલે ગરીબ હોવા છતાંયે આ શ્રમજીવીને તેમના જેવા ગરીબો માટેની યોજનાનો લાભ નથી મળતો.વાત અહીં એ જ છે કે સાચા લાભાર્થીઓ રહી જાય છે અને ખોટા કેવી રીતે લાભ મેળવે છે? કચ્છ જિલ્લા પુરવઠાતંત્રએ ન્યૂઝ4કચ્છને આપેલી બોગસ રાશનકાર્ડની સતાવાર માહિતી આ પ્રમાણે છે. કચ્છના દસેદસ તાલુકામાં તપાસ દરમ્યાન મળી આવેલા NFS ના બોગસ રેશનકાર્ડની સંખ્યા ૧૧૬૮૫ છે. જે પૈકી ૯૭૬૪ રાશનકાર્ડ રદ કરાયા છે. તાલુકા વાર NFS ના રદ કરાયેલા બોગસ રાશનકાર્ડ આ પ્રમાણે છે. સૌથી વધુ જિલ્લા મથક ભુજમાં ૨૮૯૧, માંડવીમાં ૧૦૦૩, મુંદરામાં ૭૯૨, અંજારમાં ૫૩૪, ગાંધીધામમાં ૧૫૦૦, ભચાઉમાં ૯૪૧, રાપરમાં ૧૧૧૬, નખત્રાણામાં ૧૭૭૫, અબડાસામાં ૯૪૮, લખપતમાં ૧૮૫ છે. હજી ૧૯૨૧ રાશનકાર્ડ રદ કરવાની પ્રક્રિયા ચાલુમાં છે.

૧૦ હજાર બોગસ કાર્ડના અનાજનો વાર્ષિક આંકડો અધ..ધ..ધ..

NFS ના ૧૦ હજાર બોગસ રાશનકાર્ડ માં કેટલું અનાજ કાળાબજારમાં ગયું હશે? ક્યાં ખોટું થયું અને ખોટું કરનારાઓ સામે કાર્યવાહી શું? ન્યૂઝ4કચ્છ ના આ પ્રશ્નનો જવાબ આપતા જિલ્લા પુરવઠા અધિકારી એમ.એસ. કાંથડે એ વાત કબૂલી હતી કે અંદાજિત ૧૦ હજાર રાશનકાર્ડ રદ થતા વાર્ષિક હજારો કિલો અનાજ બચશે જે સાચા લાભાર્થી રહી જતા હતા તેમને મળશે. તો, ક્યાં ખોટું થયું છે તે જાણવા મામલતદાર દ્વારા દરેક તાલુકામાં તપાસ થશે. પુરવઠાતંત્ર એ આ ઝુંબેશ રાજ્ય સરકારની સૂચના થી કરી છે. કચ્છ માં NFS ના કુલ રાશનકાર્ડની સંખ્યા અંદાજિત ૩ લાખ જેટલી છે એટલે દર મહિને લાખો કિલો અનાજ ગરીબ વર્ગના પેટની આગ બુઝાવવા સરકાર આપે છે, પણ તેમાંથી ખરેખર જરૂરતમંદ પરિવારો સુધી કેટલું પહોંચે છે? સિસ્ટમ ને બાયોમેટ્રિક અને કોમ્પ્યુટરાઈઝડ બનાવ્યા પછીયે સરકારી અનાજના કાળાબજારનો કાળો કારોબાર ઘટવાને બદલે વધ્યો છે તેનું કારણ રાજકીય પીઠબળ છે. શાસક પક્ષ ભાજપના અનેક આગેવાનો સસ્તા અનાજની દુકાન એક યા બીજા નામે ધરાવે છે. તેમનો ઘઉં અને ચોખાના વેંચાણ નો કારોબાર પણ મોટો છે અને હમેંશા ચર્ચામાં રહે છે.જ્યાં સુધી સરકાર કાયદાનો કડક અમલ કરવાની સત્તા અધિકારીઓને નહીં આપે ત્યાં સુધી NFS જેવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આવી ઉમદા યોજનાઓ થી ગરીબ વર્ગ વંચિત રહેશે. એ હકીકત છે.