ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલીજન્સ(DRI) એ મુન્દ્રા પોર્ટ પર લાંબા સમય બાદ રક્તચંદનની દાણચોરીનો પર્દાફાસ કર્યો છે. ગાંધીધામ DRI ની સ્પેશીયલ ટીમને બાતમી મળી હતી કે મુન્દ્રા પોર્ટ પર સેલ્ફ શીલીંગ વેરહાઉસમાં પડેલા એક કન્ટેનરમાં રક્તચંદનનો જથ્થો છે. અને તે કોઇ વસ્તુની આડમાં મોકલાઇ રહ્યો છે. જેથી આજે ટીમે સેલ્ફ શીલીંગ ગોડાઉનમાં રેડ કરી હતી અને શંકાસ્પદ કન્ટેનરની તપાસ કરતા તેમાંથી રક્તચંદનનો જથ્થો મળી આવ્યો હતો. જો કે હાલ DRI દ્વારા ઇન્વેસ્ટીગેશન ચાલુ છે જેથી વધુ વિગતો આપવાનુ ટાળ્યુ હતુ. પરંતુ પ્રાથમીક તપાસમાં મોરબીની સાનિયો સીરામીક પેઢીનુ આ સેલ્ફ શીલીંગ ગોડાઉન હોવાનુ સામે આવ્યુ છે. અને તેનોજ આ જથ્થો હોવાનુ સામે આવ્યુ છે. જેથી DRI એ જથ્થો સીઝ કરવા સાથે કન્ટેનરને અટકાવ્યુ છે. અને વધુ તપાસ હાથ ધરી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ચંદનની કિંમત કરોડો રૂપીયા થાય છે. આ જથ્થો વિયેતનામ મોકલાવાઇ રહ્યો હતો આ જથ્થો મંગાવનાર સહિત સંડોવાયેલા વ્યક્તિઓની વિગતો સામે આવી નથી. DRI દ્વારા હાલ કન્ટેનરનુ એક્ઝામીનશન ચાલુ છે. ત્યાર બાદ રક્તચંદનની ચોક્કસ કિંમત અને તેને મોકલનાર અને મંગાવનાર પેઢી અંગે વિસ્તૃત માહિતી સામે આવશે.