કચ્છની રણ તેમજ દરિયાઈ સરહદ ઉપર બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા વધારવામાં આવેલા જાપતા તથા કડક પેટ્રોલિંગ વચ્ચે શનિવારે સવારે એક નાપાક બોટમાં સવાર પાકિસ્તાનીને ભારતીય જળ વિસ્તારમાં ઘૂસણખોરી કરતા ઝડપી લેવામાં આવ્યો હતો.
બીએસએફનાં સત્તાવાર સૂત્રોએ આપેલી માહિતિ પ્રમાણે શનિવારે સવારે સીમા સુરક્ષા દળના જવાનોની ટીમ ભારતીય એરિયામાં હરામીનાળામા ઘૂસી આવેલા એક શખ્સને બોટ સાથે પકડી પાડ્યો છે. તેને હાલ કોટેશ્વર લાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં ચાલી રહેલા ઓપરેશન ઓલ આઉટ-૨ ને કારણે દેશની અન્ય સીમાએથી ઘૂસણખોરી થઈ શકે છે તેવી ઇન્ટેલિજન્સ ટિપ્સને પગલે રાજસ્થાન સહિત ગુજરાતની પાકિસ્તાની બોર્ડર પાર સાવધાની રાખવાની સૂચના આપવામાં આવી હતી. જેમાં કચ્છમાં પણ બીએસએફ દ્વારા વિશેષ પગલાં લેવામાં આવેલા હતા અને તે દરમિયાન જ બનેલી ઘુષણખોરીની ઘટના બની છે .