કચ્છ અને ગુજરાતમાં રાજકીય ચકચાર સર્જનાર પૂર્વ ધારાસભ્ય જેન્તીભાઈ ભાનુશાલીના ભત્રીજાને બ્લેકમેઇલ કરનાર મનીષા ગોસ્વામી વિરુદ્ધ હવે વધુ એક ફરિયાદ નોંધાઇ છે અત્યારે જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં રહેલી મનીષા ગોસ્વામી વિરુદ્ધ જેન્તીભાઈ ભાનુશાલીના ભાભી સરસ્વતીબેન વસંત ભાનુશાલીએ અબડાસાના ભવાનીપર ગામે આવેલી તેમની જમીન ખોટા પાવરનામાં અને દસ્તાવેજોના આધારે વેંચી નાખવાની નરોડા(અમદાવાદ) પોલીસ માં ફરિયાદ લખાવી છે.
બ્લેકમેઇલીંગ દ્વારા સુનિલ પાસે થી ૫૫ લાખ ચેકથી પડાવનાર મનીષાએ જમીન ઉપર ૪૫ લાખની લોન મેળવી ૧ કરોડનો ખેલ પાડ્યો?
જેન્તીભાઈના ભાભી સરસ્વતીબેન વસંત ભાનુશાલીની ફરિયાદ પ્રમાણે ભવાનીપર ગામે ૩૫૬/૩ સર્વે નંબર વાળી તેમની જમીનના મનીષા ગોસ્વામીએ તેની માતા લીલાવંતી નવીન ગોસ્વામી (મોટા ધાવડા, નખત્રાણા) સાથે મળીને ખોટા પાવરનામાંના આધારે રજિસ્ટર્ડ દસ્તાવેજ કરીને આ જમીન સાબરકાંઠાના ઉમેદપર દધાલીયા ગામના જીતાબેન મોતીભાઈ પટેલ અને ભરત કચરાભાઈ પટેલને વેંચી નાખી. સરસ્વતીબેને આ ચારેયની વિરૂદ્ધ જાલી દસ્તાવેજો બનાવવાની અને ઠગાઈની પોલીસ ફરિયાદ કરી છે. જોકે, આ ખોટા પાવરનામાં જેન્તીભાઈના ભત્રીજા સુનિલની સહી કરાવાઈ હોવાનું જણાવાયું છે.
પોલીસ ફરિયાદ પ્રમાણે સરસ્વતીબેને આક્ષેપ કર્યો છે કે મનીષા ગોસ્વામીએ તેમની ભવાનીપરની જમીન ઉપર ખોટા દસ્તાવેજોના આધારે દેના બેંક કોઠારા પાસે થી ૪૫ લાખ રૂપિયાની લોન લીધી છે. અત્યારે ફરિયાદ કરનારા સરસ્વતીબેનએ સુનિલના માતા છે. સુનિલ પાસે થી મનીષા ગોસ્વામીએ અશ્લીલ વિડીઓ કલીપ ઉતારીને ૫૫ લાખ રૂપિયા ચેક થી પડાવી લીધા હતા અને સુનિલના માતા સરસ્વતીબેનની જમીન ઉપર ૪૫ લાખ રૂપિયા લોન દ્વારા લઇ લીધા. આમ જેન્તીભાઈ ભાનુશાલી અને તેમના ભાઈ વસંતભાઈ સાથે એક સમયે ઘરોબો ધરાવનાર મનીષા ગોસ્વામીએ સ્માર્ટ રીતે ૧ કરોડ રૂપિયા પડાવી લીધા અને ગીરવે રાખેલી જમીન વેંચી પણ નાખી !!
મૂળ નખત્રાણાના મોટા ધાવડા ગામની મનીષા ગોસ્વામી વાપીમાં પરણેલી છે અને તે ભાજપના કાર્યકર તરીકે ચૂંટણીમાં જેન્તીભાઈ ભાનુશાલીના પરિવાર સાથે પરિચયમાં આવી. જોકે, મનીષા વિરુદ્ધ આ ત્રીજી ફરિયાદ છે. સુનિલ ભાનુશાલી પછી અજય ઠક્કર અને હવે આ ત્રીજી ફરિયાદ સરસ્વતીબેન ભાનુશાલીએ કરી છે.