કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં છેલ્લે સુધી ચડાવઉતાર રહ્યા બાદ અંતે બાજી મારનાર લક્ષમણસિંહ સોઢા અને નિયતિબેન પોકારે વિશિષ્ટ રીતે પદભાર ગ્રહણ કરીને કચ્છના પંચાયતીરાજમાં એક નવો જ ચીલો પાડ્યો છે. આમ તો પદભાર સંભાળવાનો તેમનો કાર્યક્રમ સાવ સાદગીભર્યો રહ્યો હતો,પણ વાલ્મિકી સમાજના સદસ્ય દ્વારા કંકુ ચોખાની વિધિ કરાવીને તેમના દ્વારા કચેરીએ દોરી જવાયા બાદ ખુરશી સંભાળીને પદભાર ગ્રહણ કરવાની પરંપરાએ કચ્છના રાજાશાહી વખતના રાજકીય ઇતિહાસને દોહરાવ્યો હતો.
વિધિ કરાવનારા બન્યા સૌની ચર્ચાનું કેન્દ્
રાજકારણમાં સત્તા મળ્યા પછી પદભારગ્રહણ કરવાની વિધિ મોટેભાગે ધામધૂમપૂર્વક થતી હોય છે. પણ, આ વખતે પ્રમુખ અને ઉપપ્રમુખે વિધિ ભલે સાદગીપૂર્ણ રીતે કરી પણ તેમનો પદભાર કાર્યક્રમ અને તે વિધિ વિધિકરનારા સૌની ચર્ચાનું કેન્દ્ર બન્યા. પ્રમુખ લક્ષમણસિંહ સોઢાને પ્રવિણ માવજીભાઈ ગોરી કુમકુમ તિલક અને ચોખાનો ચાંદલો કર્યા બાદ જિલ્લા પંચાયતના દ્વારે થી પ્રમુખશ્રીની ચેમ્બર અને ખુરશી સુધી દોરી ગયા હતા. આ પ્રવિણ ગોરી એ ડીડીઓના પટાવાળા તરીકે ફરજ બજાવે છે. હમેંશા હસતા રહેતા પ્રવિણ ગોરી ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા ગળગળા થઈ ગયા હતા. વાલ્મિકી સમાજના પ્રવિણ ગોરી ૩૦ વર્ષ થયા જિલ્લા પંચાયતમાં નોકરી કરે છે,પણ તેમના માટે’ય આ વિધિ એ સુખદ આશ્ચર્ય હતું. તે જ રીતે ઉપપ્રમુખ નિયતિબેન પોકારને કંકુ ચોખાનો ચાંદલો કરીને તેમની કચેરી અને ખુરશી સુધી દોરી જવાની વિધિ કરનાર નંદાબેન મોહનભાઇ પરમાર માટે પણ વિધિ કરવાની ઘટના આશ્ચર્ય હતી. છેલ્લા ૩૨ વર્ષથી જિલ્લા પંચાયતમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા નંદાબેન પરમાર હમણાં સિંચાઈ વિભાગમાં ફરજ બજાવે છે. નંદાબેન એટલા ભાવુક થઈ ગયા હતા કે નિયતિબેનના ઓવારણાં લઈને તેમના પગે પડ્યા હતા જોકે, તેમને અટકાવીને ઉપપ્રમુખ નિયતીબેને નંદાબેનના પગે પડીને તેમના આર્શીવાદ લીધા હતા. દરમ્યાન જિલ્લા પંચાયતના તમામ કર્મચારીઓ અને રાજકીય નેતાઓ તેમ જ કાર્યકરોમાં પ્રવીણભાઈ ગોરી અને નંદાબેન પરમાર ચર્ચાનું કેન્દ્ર રહ્યા હતા.
જિલ્લા પંચાયતનો રાજકીય માહોલ રહ્યો ગરમ
નવા પ્રમુખ લક્ષમણસિંહ સોઢા આમ તો સરળ અને નિખાલસ સ્વભાવના છે.એટલે તેઓ તો આજેય શાંત જ હતા અને તેમણે ભાજપના આગેવાનો, કાર્યકરોને સૌને સરળતાપૂર્વક આવકાર્યા હતા. જોકે, છેક છેલ્લી ઘડીએ પદભારનો સમય એક કલાક પાછળ ઠેલાતાં વહેલા આવી ગયેલા આગેવાનો અને કાર્યકરોમાં થતી ચર્ચાઓને કારણે તેમની ઓફિસનો માહોલ ગરમ હતો.છેક છેલ્લે સુધી દાવેદાર મનાતા અરવિંદ પીંડોરીયાને લક્ષમણસિંહની બાજુમાં અને ભીમજી જોધાણીને છેક છેલ્લે બેઠેલા જોઈ કૌશલ્યાબેન માધાપરિયાએ વ્યંગ કર્યો હતો. જિલ્લા પંચાયતના નવા ઉપપ્રમુખ નિયતિબેન સહિત ચાર જ મહિલા સદસ્યો હાજર હતા. જ્યારે ધારાસભ્યમાં માલતીબેન મહેશ્વરી એક માત્ર ઉપસ્થિત રહ્યા હતા. વાઘજી પ્રજાપતિ ફુલફોર્મ માં હતા. રાપરના પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતાની ગેરહાજરી હતી. તો સંગઠનમાં થી વલમજી હુંબલ હાજર રહ્યા હતા. પોતે શાલ લેવાનું ભૂલી ગયા છે એવું કહેતા નવીન જરૂએ કારોબારી ચેરમેન બન્યા બાદ જમીનવાળી બિલ્ડરલોબી અને અન્ય નેતાઓ પાસે થી લેખા જોખાના પાઠ ભણીને પાકા રાજકારણીની જેમ નવા પ્રમુખે મોં મીઠું કરવા રાખેલો પેંડોજ પ્રમુખને ખવડાવ્યો હતો અને પોતે પણ પ્રમુખના પેંડાથી મોં મીઠું કરીને ફોટો પડાવ્યો હતો. મુંદરા ભાજપના કિસાનનેતા મહેન્દ્ર ગઢવી અને એપીએમસીના ચેરમેન મહેન્દ્રસિંહ જામ ની હાજરીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. વારંવાર પ્રમુખપદ માટે ભાજપ સામે નિવેદનો કરનાર અને ત્યારબાદ નવા પ્રમુખ ઉપપ્રમુખના ઓવારણાં લેનાર કોંગ્રેસના વિપક્ષીનેતા વી.કે. હુંબલ ક્યાંયે દેખાયા નહોતા. તો જિલ્લા પંચાયત માટે કચ્છ ભાજપમાં છેક છેલ્લે સુધી રાજકીય મહાભારત થયું પણ અંતે બધું જ ધાર્યું થયું છતાંયે શાસકપક્ષના નેતા જ્યંત માધાપરિયા નવા પદાધિકારીઓને માર્ગદર્શન આપવા માટે ક્યાંયે દેખાયા નહોતા.જોકે, યુવા નેતાઓની હાજરી વધુ હતી. પરંતુ સાલસ સ્વભાવના નવા પ્રમુખ લક્ષમણસિંહ સોઢા સામે થીજ પુષ્પદાન ગઢવી અને તારાચંદભાઈ છેડા જેવા વરિષ્ઠ આગેવાનોને મળવા ગયા હતા. તો, જિલ્લા પંચાયતના અલગ અલગ કર્મચારી મંડળો દ્વારા પણ નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખનું સન્માન કરાતાં માહોલમાં સતત ધમધમાટ વરતાતો હતો.
નિયતિબેન પોકાર સામે સ્વતંત્ર કામ કરવાનો પડકાર..
જિલ્લા પંચાયતના નવા ઉપપ્રમુખ નિયતિબેન કીર્તન પોકાર રાજકારણમાં સાવ નવા જ છે. તેઓ જિલ્લા પંચાયતમાં ચૂંટાઈને રાજકારણમાં પ્રવેશ્યા છે. ન્યૂઝ4કચ્છ સાથેની વાતચીતમાં અઢી વર્ષમાં પોતે શિક્ષણ સમિતિના સભ્ય તરીકેનો અનુભવ ધરાવે છે એવું કહેતા નિયતિબેન પોકારે પોતે ઉપપ્રમુખ તરીકે જિલ્લા પંચાયતના માળખામાં આરોગ્ય અને શિક્ષણક્ષેત્રે ખૂટતી કડીઓ પુરી કરવા ઉપર ખાસ ધ્યાન આપશે એવું કહ્યુ હતુ. ૯ ધોરણ ભણેલા નિયતિબેન ખેડૂત પુત્રી છે, ખેતરમાં ટ્રેકટર હાંકીને ખેતી પણ કરે છે. જોકે, તેમની સામે આદર્શ ઉદાહરણ તેમના સાથી મહિલા સદસ્યો કૌશલ્યાબેન માધાપરિયા, છાયાબેન ગઢવી, ભાવનાબા જાડેજાનું છે. પોતે રાજકારણમાં પોતાના પગ ઉપર ઉભવા માટે સક્ષમ છે એવું નિયતિબેન પોકારે ન્યૂઝ4કચ્છને કહ્યું હતું. ભાજપમાં ચર્ચાતા રાજકીય માહોલની જો વાત કરીએ તો ભુજ મતક્ષેત્રમાં કૌશલ્યાબેન માધાપરિયા પછી હવે ઉપપ્રમુખ બન્યા બાદ નિયતિબેન પોકાર પાટીદાર મહિલા આગેવાન તરીકે ઉભરી શકે છે. જોકે, નિયતિબેન પોકાર સામે સૌથી મોટો પડકાર સ્વતંત્ર કામ કરીને પોતાની આગવી ઓળખ ઉભી કરવાનો છે.